આ ડમ્પિંગ યાર્ડ નહીં, સુધરાઈની ઑફિસ છે

26 October, 2012 08:25 AM IST  | 

આ ડમ્પિંગ યાર્ડ નહીં, સુધરાઈની ઑફિસ છે



આ વર્ષના પ્રારંભમાં મંત્રાલયમાં લાગેલી આગને પગલે શહેરની બધી જ સરકારી ઑફિસોમાં આગને પ્રતિબંધક બધાં જ પગલાં લેવામાં આવી રહ્યાં છે અને સુધરાઈના કમિશનરે પણ શહેરમાં આવેલી સુધરાઈની બધી જ કચેરીમાં આવું કોઈ જોખમ ન સર્જાય એ માટેનાં પગલાં લેવાની જાહેરાત કરી હોવા છતાં મલાડમાં આવેલી સુધરાઈની પી-નૉર્થ વૉર્ડની કચેરીમાં જે જોવા મળ્યું તેના પરથી એમ જ કહી શકાય કે સુધરાઈના અધિકારીઓની બેજવાબદારીનો જોટો મળશે નહીં.

મંત્રાલયની આગ બાદ શહેરમાં આવેલી બધી જ સરકારી અને સુધરાઈની કચેરીની આગ જેવા બનાવો સામેની સજ્જતાના પ્રશ્નો વિશે મિડિયામાં ખાસ્સી ચર્ચા થઈ હતી અને તેને ધ્યાનમાં લીધા બાદ જ સુધરાઈની બધી કચેરીની સજ્જતાનું સર્વે‍ક્ષણ કરવાનો આદેશ કમિશનરે આપ્યો હતો, પરંતુ પી-વૉર્ડની હાલત પ્રત્યે તેમનું ધ્યાન ગયું હોય એવું લાગતું નથી. મલાડમાં તહેવારો બાદ સુધરાઈએ કાઢેલાં ફ્લેક્સનાં બૅનરો અને હોર્ડિંગ્સની સાથે નકામા ફર્નિચર અને કચરાનો એક મોટો ઢગલો અહીં પડ્યો છે.

મલાડની રહેવાસી વંશિકા અગરવાલે કહ્યું હતું કે ‘ફ્લેક્સ મટીરિયલમાંથી બનાવવામાં આવેલાં બૅનરો અને હોર્ડિંગ્સ અને તેના પર પેઇન્ટિંગ્સ માટે વાપરવામાં આવેલો રંગ ઝડપથી આગ પકડે તેવા હોય છે. તેને આવી રીતે ખુલ્લામાં ઢગલો કરીને રાખવાનું અત્યંત જોખમી છે. આની સાથે પાછું લાકડાનું જૂનું ફર્નિચર પણ રાખવામાં આવ્યું છે. આમાં તો એક તણખો પણ મોટી હોનારત સર્જી શકે. વાસ્તવમાં સુધરાઈએ આ બધાને રિસાઇકલ કરીને નાગરિકો પર દાખલો બેસાડવો જોઈએ.’

બીજા એક રહેવાસી મનીષા દોશીએ કહ્યું હતું કે ‘સુધરાઈની કચેરીના પ્રાંગણમાં જ ફ્લેક્સ અને લાકડાની ફ્રેમનો આવો ઢગલો ખરેખર જોખમી છે. મને તો સમજાતું નથી કે સુધરાઈના અધિકારીઓ આવી ગંદી જગ્યામાં કેવી રીતે કામ કરતા હશે? લાકડાની ફ્રેમ એવી રીતે તૂટેલી છે કે તેની ધાર ગમે તેને વાગી શકે. આ બધામાંથી રસ્તો કરીને સુધરાઈની ઑફિસમાં પહોંચવાનું ખરેખર જોખમી છે.’

સુધરાઈનું શું કહેવું છે?


સુધરાઈના પી-વૉર્ડના લાઇસન્સ  ડિપાર્ટમેન્ટના સિનિયર ઇન્સ્પેક્ટર પી. એસ. પીસેએ કહ્યું હતું કે ‘ગણેશોત્સવ દરમ્યાન ગેરકાયદે લગાવવામાં આવેલા ફ્લેક્સનો ઢગલો પડ્યો છે અને હજી એ ઓછામાં ઓછો એક મહિનો પડ્યો રહેશે. ગેરકાયદે ફ્લેક્સને કાઢ્યા પછી એક મહિના સુધી તેના માલિકો આવીને તેને પાછા લઈ જાય તેની રાહ જોવી પડે છે અને પછી તેનું ઑક્શન કરી શકાય છે. અમારે આ ફ્લેક્સને વેચતાં પહેલાં પણ સાવધાન રહેવું પડે છે, કેમ કે તેના પર ગણપતિના અથવા તો રાજકીય નેતાઓના ફોટા હોય છે. દર વર્ષે‍ આ ગેરકાયદે લગાવવામાં આવતા ફ્લેક્સની સમસ્યા અત્યંત ગંભીર છે.’