કોણ આપે છે ૯ રૂપિયે કિલો ખાંડ?

10 November, 2012 06:35 AM IST  | 

કોણ આપે છે ૯ રૂપિયે કિલો ખાંડ?




(વરુણ સિંહ)

મુંબઈ, તા.૧૦

ગઈ દિવાળીની જેમ આ વર્ષે પણ મતદારોને રાહત દરે ખાંડ આપીને આકર્ષવાનો પ્રયત્ન વિવિધ પક્ષના નેતાઓ કરી રહ્યા છે. ગયા વર્ષે દિવાળી પહેલાં કૉર્પોરેટર બનવા માગતા નેતાઓએ એમ કર્યું હતું તો આ વખતે વર્તમાન વિધાનસભ્યો, ભવિષ્યના વિધાનસભ્યો તેમ જ સંસદસભ્યો પણ કાર્ય કરતા જોવા મળી રહ્યા છે. 

૧ કિલો ખાંડનો ભાવ ભલે ૪૦ રૂપિયા હોય, પરંતુ બીજેપીના નેતાઓ એ પ્રતિકિલો ૩૦ રૂપિયાના ભાવે વેચી રહ્યા છે તો શહેરમાં સૌથી વધુ સસ્તી ખાંડ પ્રતિકિલો ૯ રૂપિયામાં એમએનએસના નેતાઓ વેચી રહ્યા છે. તો ૧ કિલો રવો, ખાંડ, મેંદો તથા ચોખા એમ તમામ વસ્તુઓ શિવસેના આપી રહી છે. બીજેપીના એક નેતાએ એવો દાવો કર્યો કે ગયા વર્ષે જે કૉર્પોરેટરોએ આવી પદ્ધતિ અપનાવી તેમને સારાં પરિણામો મળ્યાં હતાં. લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી છે. તેથી નેતાઓ મતદારોને આકર્ષવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે.

મુંબઈ બીજેપીના પ્રવક્તા નિરંજન શેટ્ટીના જણાવ્યા મુજબ તમામ વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા હોવાથી સામાન્ય માણસોનો ભાર હળવો કરવાનો આ પ્રયત્ન છે. શિવસેનાએ એવો દાવો કર્યો કે તમામ વસ્તુઓના ભાવો વધી જવાથી સામાન્ય માનવી દિવાળીની ઉજવણી માટેનો કાચો સામાન ખરીદી શકે તેમ ન હોવાથી ખાંડ ઉપરાંત રવો તેમ જ અન્ય લોટ પણ તેઓ રાહત દરે આપી રહ્યા છે. શિવસેના મુંબઈની ઘણી જગ્યાએ ૯૦ રૂપિયામાં ૧ કિલો ખાંડ, ૧ કિલો રવો, ૧ કિલો મેંદો તથા અડધો કિલો કણકી ચોખાનું પૅકેટ આપે છે.

મુલુંડના વિધાનસભ્ય સરદાર તારા સિંહ સાથે કામ કરનારા વિરલ શાહે કરેલા દાવા મુજબ છેલ્લા બે દિવસમાં તેમણે ૧ હજાર કિલો કરતાં પણ વધારે ખાંડનું વિતરણ કર્યું છે. એ જ રીતે ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ પણ ખાંડ આપી હતી. એમએનએસના વિધાનસભ્ય બાળા નાંદગાવકરે તો ૯ રૂપિયા કિલોના ભાવે ખાંડ આપી હતી. દિવાળીની મીઠાઈ તથા ફરસાણ માટે જરૂરી એવી વસ્તુઓ શિવસેનાની મુંબઈમાં આવેલી વિવિધ શાખાઓમાં આપવામાં આવી રહી છે.

પોતાનું નામ ન જણાવવાની શરતે એક નેતાએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે વિવિધ જગ્યાએ ખાંડ તથા કાંદાનું વિતરણ કરનાર કૉર્પોરેટરને એનો ફાયદો થયો હતો. તેથી અમે બધા પણ તહેવારો દરમ્યાન આ મદદ કરી રહ્યા છીએ જેથી મતદારો અમને ચૂંટણી સમયે મત આપતી વખતે યાદ રાખે.’

એમએનએસ = મહારાષ્ટ્ર નવનર્મિાણ સેના, બીજેપી = ભારતીય જનતા પક્ષ