ડેન્ગીનો મૃત્યુઆંક છુપાવવા ડૉક્ટરો પર સુધરાઈનું દબાણ

10 December, 2012 05:56 AM IST  | 

ડેન્ગીનો મૃત્યુઆંક છુપાવવા ડૉક્ટરો પર સુધરાઈનું દબાણ




(નવીન નાયર)

મુંબઈ, તા. ૧૦

મુંબઈમાં ડેન્ગીને કારણે પાંચ લોકોનાં મૃત્યુ થયાં હોવા છતાં આવા ઘાતક રોગને કારણે મૃત્યુ થયું છે એવું ડેથ-સર્ટિફિકેટમાં નહીં લખવા માટે સુધરાઈ અને રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ડૉક્ટરો પર દબાણ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

મહારાષ્ટ્ર મલેરિયલ ડેથ રિવ્યુ કમિટીના મેમ્બર એક ડૉક્ટરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘મને અને મારા અનેક મિત્રોને સુધરાઈ અને રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ મૃત્યુના કારણ તરીકે ડેન્ગી નહીં લખવા દબાણ કરે છે. તેઓ અમને આ રોગનું નામ લખવાનું ટાળવા કહે છે.’

આ કમિટીમાં સુધરાઈ અને રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટે નિયુક્ત કરેલા ડૉક્ટરો અને નિષ્ણાતો હોય છે જેઓ ડેથ-સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ ડેન્ગી કે મલેરિયા લખ્યું હોય એવા કેસનો તેઓ રિવ્યુ કરે છે અને મૃત્યુનું પ્રાથમિક કારણ શોધી કાઢે છે.

આ કમિટીના મેમ્બર એક ડૉક્ટરે કહ્યું હતું કે માત્ર મલેરિયા કે ડેન્ગીથી મૃત્યુ પામ્યા હોય એવા જ કેસ અમારી પાસે લાવવામાં આવે છે અને અમારે બધી તપાસ કરીને મૃત્યુનું સાચું કારણ શોધવાનું હોય છે.

શું સુધરાઈએ આપેલા ડેન્ગીથી થયેલાં મૃત્યુના આંકડા સાચા છે એવા સવાલના જવાબમાં તેઓ કહે છે, ‘ના, સાચો આંકડો તો એનાથી વધારે હશે. જેને ડેન્ગી થાય તે વ્યક્તિના શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે. આને કારણે તે ક્રિટિકલ બની જાય છે. તેનાં ફેફસાં, લિવર અને કિડની જેવાં મહત્વનાં ઑર્ગનના કાર્યને અસર થાય છે. આમ એક પછી એક મહત્વનાં ઑર્ગન કામ કરતાં બંધ થાય એટલે તે વ્યક્તિનું મૃત્યુ થાય છે. આવા કેસમાં ડેથનું કારણ ડેન્ગી જ હોય છે છતાં ડૉક્ટરો ક્યારેક મલ્ટિપલ ઑર્ગન ફેલ્યર લખતા હોય છે, પણ એ થવાનું મૂળ કારણ તો ડેન્ગી જ હોય છે.’

સુધરાઈ ડેન્ગીના કેસના જે આંકડા આપે છે એ સાચા હોય છે એવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘સુધરાઈનો ડેન્ગીને અંકુશમાં રાખવા માટેનો ડિપાર્ટમેન્ટ એવું ચિત્ર ઊભું કરવા માગે છે કે અમે ડેન્ગી પર કાબૂ મેળવી લીધો છે. શહેરમાં અને રાજ્યમાં ડેન્ગી પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આથી તેઓ ડેન્ગીથી થતા મૃત્યુના બિનસરકારી સંસ્થાઓએ આપેલા આંકડાને માનવાનો ઇનકાર કરી દે છે.’

બિનસરકારી સંસ્થાનું કહેવું છે કે સરકાર કે સુધરાઈ પ્રાઇવેટ હૉસ્પિટલો કે ડિસ્પેન્સરીમાંથી આવા ડેથના આંકડા લેતી નથી.

જોકે ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર મનીષા મ્હૈસકરે કહ્યું હતું કે ‘એક બિનસરકારી સંસ્થાએ આપેલા આંકડા બરાબર નથી. તેમના આંકડા માત્ર ડેથ-સર્ટિફિકેટના આધારે લેવાયેલા છે. જે લોકો ક્વૉલિફાઇડ એમબીબીએસ ડૉક્ટર નથી તેઓ આવાં ડેથ-સર્ટિફિકેટ આપે છે. આથી સુધરાઈ આવા આંકડાને ધ્યાનમાં નથી લેતી.’

 જોકે ડેથનું કારણ ડેન્ગી નહીં લખવા ડૉક્ટરો પર થતા દબાણ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર મલેરિયલ ડેથ રિવ્યુ કમિટી જેવી એક કમિટી માત્ર ડેન્ગીને કારણે થતા ડેથ-કેસનો રિવ્યુ કરે છે. માત્ર કોઈ અનયુઝ્વલ લાગતો હોય એવો કેસ જ એની સમક્ષ લઈ જવામાં આવે છે. આ કમિટીમાં પણ નિષ્ણાતો હોય છે. તેઓ કોઈ ડૉક્ટર પર કોઈ પણ પ્રકારનું પ્રેશર નથી કરતા.’