મૅરથૉન ચર્ચાને અંતે થયું સુધરાઈનું બજેટ મંજૂર : નગરસેવકોને પગારવધારો ન મળ્યો

10 September, 2012 05:58 AM IST  | 

મૅરથૉન ચર્ચાને અંતે થયું સુધરાઈનું બજેટ મંજૂર : નગરસેવકોને પગારવધારો ન મળ્યો

જોકે નગરસેવકોએ તેમને દર મહિને મળતા ૧૦,૦૦૦ રૂપિયાના માનધનને ૨૫,૦૦૦ રૂપિયા કરવાની કરેલી માગણી સુધરાઈના કમિશનર સીતારામ કુંટેએ સ્વીકારી નથી અને જણાવી દીધું છે કે આટલાં નાણાં વિધાનસભ્યને પણ મળતાં નથી. બીજી તરફ નગરસેવકો માટે પેન્શનની યોજના શરૂ કરવા બાબતે તેમણે કહ્યું હતું કે આ દરખાસ્ત સરકાર સમક્ષ પેન્ડિંગ છે.

નગરસેવકોને શું મળે છે?

સુધરાઈના નગરસેવકોને દર મહિને માનધન તરીકે ૧૦,૦૦૦ રૂપિયા મળે છે. આ ઉપરાંત સુધરાઈની બેઠકોમાં હાજરી આપવા માટે ૬૦૦ રૂપિયા ભથ્થું મળે છે. આ સિવાય તેમને ૫૫,૦૦૦ રૂપિયાનું લૅપટૉપ અને ૯૦૦૦ રૂપિયાની કિંમતનો એન્ડ્રૉઇડ ફોન મળવાનો છે. વિધાનસભ્યોને માનધન તરીકે ૨૫,૦૦૦ રૂપિયાથી ઓછા પૈસા મળતા હોવા છતાં બીજાં ભથ્થાં તરીકે તેમને દર મહિને ૭૩,૦૦૦ રૂપિયા મળે છે, પણ એક વિધાનસભા મતદાર સંઘમાં છથી સાત નગરસેવકો હોય છે એટલે નગરસેવકોને ૨૫,૦૦૦ રૂપિયા માનધન આપવામાં સુધરાઈને મુશ્કેલી નડે છે. આમ હવે હાલમાં નગરસેવકોએ જે માનધન મળે છે એમાં ચલાવવું પડશે.

મુંબઈને શું મળશે?

શુક્રવારે મધરાત બાદ અઢી વાગ્યે સુધરાઈનું બજેટ મંજૂર થયું હતું. ૨૭ ઑગસ્ટે એ સુધરાઈમાં મૂકવામાં આવ્યું પછી એના પર ચર્ચા થઈ હતી. એમાં લેવામાં આવેલા કેટલાક મહત્વના નિર્ણયો નીચે મુજબ છે:

રસ્તા, પાર્કિંગ અને જકાતનાકાં

પાંચેય જકાતનાકાં પર સ્કૅનર્સ બેસાડવામાં ટેન્ડરો કાઢવામાં આવશે. જકાત માટે દલાલની નિમણૂક કરવાની શરતો વધારવામાં આવી. રેલવે વિસ્તારમાં થતી જકાતચોરી અટકાવવા માટે સુરક્ષા વધારવામાં આવશે. પાર્કિંગની જગ્યા વધારવા માટે બિલ્ડરોને વધુ એફએસઆઇ આપવામાં આવશે.

૩૪ પુલોનું સમારકામ કરવામાં આવશે. એમાં ફ્રેન્ચ પુલ, રે રોડ સ્ટેશન પુલ, કરોલ પુલ, ટિળક પુલ જેવા ચાર બ્રિટિશકાલીન પુલનો પણ સમાવેશ છે.

પાણી, કચરો અને નાળાસફાઈ નાળાસફાઈ માટે વધુ રોબો મશીન ખરીદવામાં આવશે. સારા વરસાદથી જળાશયોમાં પાણીપુરવઠો હોવાથી બીજી કોઈ યોજના વિચારવામાં આવી નથી.કચરામાંથી ઇલેક્ટ્રિસિટી પેદા કરવાની યોજના બનાવવામાં આવશે.

સ્કૂલ અને શિક્ષણ

૪૦૦ પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલોમાં ફોર સ્ટુડિયોની મદદથી વચ્ર્યુઅલ ક્લાસરૂમ યોજના શરૂ થશે. ૧૪૧૮ સ્કૂલોમાં પીવાના પાણી માટે શુદ્ધીકરણ યંત્રો બેસાડવામાં આવશે.

એફએસઆઇ = ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ