ઠાકરેના સ્મારક માટે સુધરાઈ નિર્વિવાદિત જગ્યાની શોધમાં

14 December, 2012 06:00 AM IST  | 

ઠાકરેના સ્મારક માટે સુધરાઈ નિર્વિવાદિત જગ્યાની શોધમાં

સુધરાઈના એક ઑફિસરે આ બાબતે વધુ જણાવતાં કહ્યું હતું કે ‘આ વિશે કમિશનર સીતારામ કુંટેએ અધિકારીઓની એક મીટિંગ બોલાવી હતી અને કહ્યું હતું કે એવી જગ્યા શોધો જ્યાં આ સમાધિ શિફ્ટ કરી શકાય અને એ જગ્યા વિવાદાસ્પદ ન હોવી જોઈએ. અમે એ જગ્યા પાછી કોઈને લીઝ પર ન આપવામાં આવી હોય એ પણ જોઈ રહ્યા છીએ.’

આ બાબતે સુધરાઈના કમિશનર સીતારામ કુંટેએ કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો, તેમણે કહ્યું હતું કે શિવાજી પાર્ક ઇશ્યુ વિશે હું કશું નહીં બોલું.

શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં કહ્યું હતું કે ‘જે જગ્યાએ હાલ બાળ ઠાકરેની સમાધિ છે એને થોડી પાછળ ખસેડવામાં આવશે. એમ છતાં એ સમાધિ શિવાજી પાર્ક પર જ રહેશે. તેમણે જ્યાંથી લાખો શિવસૈનિકોને સંબોધ્યા છે એ શિવાજી પાર્કમાં જ તેમનું કાયમી સ્મારક બનાવવામાં આવશે.’

તોડફોડની વસૂલાત થશે

સુધરાઈના કમિશનર સીતારામ કુંટેએ સોમવારે રાતે વરલીમાં શિવસૈનિકો દ્વારા સુધરાઈનાં વાહનોની કરવામાં આવેલી તોડફોડ બદલ કહ્યું હતું કે ‘એ હુમલામાં નવ વાહનોને અંદાજે ૮૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ રૂપિયા જેટલું નુકસાન થયું છે. આ નુકસાન દોષીઓ પાસેથી વસૂલ કરવામાં આવશે.’