સુધરાઈ ઉચ્ચ અધિકારીઓની કારના ગ્લાસ પરથી ટિન્ટેડ ફિલ્મ હટાવશે

25 October, 2012 05:08 AM IST  | 

સુધરાઈ ઉચ્ચ અધિકારીઓની કારના ગ્લાસ પરથી ટિન્ટેડ ફિલ્મ હટાવશે

આ અહેવાલને પગલે હવે સુધરાઈએ એની તમામ ટિન્ટેડ ફિલ્મ લગાવેલા ગ્લાસવાળી કાર પરથી આ ફિલ્મ હટાવવાનો નિર્ણય લીધો છે.  સુધરાઈ પાસે જે કારનો કાફલો છે એમાં ૯૦ કરતાં વધારે કારમાં ટિન્ટેડ ફિલ્મ લગાવેલા ગ્લાસ હતા, પણ એના દાવા પ્રમાણે ગઈ કાલ સુધીમાં ૬૦ જેટલી કારના ગ્લાસ પરથી ટિન્ટેડ ફિલ્મ દૂર કરી દેવામાં આવી છે. આ ૯૦ કરતાં વધારે કાર ફાયર-ઑફિસર સહિત કૉર્પોરેશનના અલગ-અલગ ઉચ્ચ અધિકારીઓને ફાળવવામાં આવી હતી. જાણવા મળ્યાં પ્રમાણે પ્રમાણે ‘મિડ-ડે’ના અહેવાલ પછી મેયર સુનીલ પ્રભુએ વાહનોનું મેઇન્ટનન્સ સંભાળતા ડિપાર્ટમેન્ટની તાબડતોબ મીટિંગ બોલાવી હતી અને પોતાની કાર સહિત તમામ કારની ટિન્ટેડ ફિલ્મ હટાવીને સામાન્ય ફ્રેમ લગાવવાનું જણાવી દીધું હતું. ડિપાર્ટમેન્ટના દાવા પ્રમાણે મોટા ભાગનું કામ આ અઠવાડિયે આટોપી લેવામાં આવશે.

હાલમાં ટ્રાફિક-પોલીસે ટિન્ટેડ ફિલ્મવાળા ગ્લાસના મામલે કડક વલણ અપનાવ્યું છે અને રોજ સરેરાશ અઢી હજાર કારચાલકોને આ મામલે દંડ કરવામાં આવે છે. અત્યાર સુધી સુધરાઈના ટોચના અધિકારીઓ ટિન્ટેડ ફિલ્મવાળા ગ્લાસ સાથે પણ રોજ રોડ પર બેધડક ફરતા હતા, પણ હવે તેઓ પણ સામાન્ય નાગરિકોની કક્ષામાં આવી ગયા છે. પોલીસે જ્યારથી આ ડ્રાઇવ શરૂ કરી છે ત્યારથી અત્યાર સુધીમાં વીસ હજાર ડ્રાઇવરોને દંડ કરવામાં આવ્યો છે અને દસ જ દિવસમાં દસ લાખ રૂપિયા જેટલો દંડ વસૂલ કરી શકાયો છે.

મેયર સુનીલ પ્રભુએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘મારા આદેશ પછી તરત જ મારી કાર પરની ટિન્ટેડ ફિલ્મ હટાવી દેવામાં આવી હતી. હું માનું છું કે નિયમ મેયર અને સામાન્ય નાગરિક બધા માટે સમાન હોવો જોઈએ.’