બોરીવલી-વેસ્ટમાં સુધરાઈનો અજબ કારભાર

30 November, 2012 08:19 AM IST  | 

બોરીવલી-વેસ્ટમાં સુધરાઈનો અજબ કારભાર



રત્ના પીયૂષ

બોરીવલી-વેસ્ટમાં દેવીદાસ લેનના ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ થઈ રહ્યું છે જેને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. થોડા મહિના પહેલાં પણ આ જ રોડ પર પાણીની પાઇપ નાખવાનું કામ કરવામાં આવ્યું હતું જે અધૂરું હતું અને એને પૂરું કરવા માટે હવે પાછું અહીં ખોદકામ કરી પાણીની પાઇપ નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. તેમ જ ચાર રસ્તા પાસે ચાલતા પાણીની પાઇપ નાખવાના કામને લીધે દેવીદાસ લેન ટેલિફોન એક્સચેન્જની બહારની બાજુએ રોડની બાજુએ નાખવામાં આવેલી પાણીની પાઇપમાંથી પીવાનું પાણી નીકળ્યાં કરે છે. આખો દિવસ એમાંથી પીવાનું ચોખ્ખું પાણી નીકળતું હોવાથી એનો બગાડ થાય છે.

આ વિસ્તારમાંથી પસાર થતા કરણ પટેલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ચાર રસ્તા પાસે કરેલા ખોદકામને કારણે અહીં ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે, જેથી અહીંથી અવરજવર કરતા લોકોને ખૂબ જ હેરાન થવું પડે છે. આ કામ ઝડપથી પૂરું થાય તો સારું’.

રસ્તા પર અવારનવાર ખોદકામ થતું હોવાથી આમ જનતાને હેરાન થવું પડે છે. આ વિશે વધુ માહિતી આપતાં આ વિસ્તારમાંથી પસાર થતાં રૂપા મહેતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારાં મમ્મીનું ઘર અહીં નજીકમાં છે. તેમની ખબર પૂછવા મારે અઠવાડિયામાં બે વખત આવવાનું થાય છે, પરંતુ રોડ પર કરેલા ખોદકામને કારણે ટ્રાફિકની સમસ્યાને કારણે હાલાકી ભોગવવી પડે છે. આથી બને એટલું ઝડપી અને યોગ્ય રીતે અહીંનું કામ પૂરું કરવામાં આવે તો સારું.’

શિવસેનાની વૉર્ડ-નંબર ૨૭ની નગરસેવિકા શુભા રાઉલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રસ્તા પર નાખવામાં આવતી પાણીની પાઇપનું કામ ઝડપથી થાય એ માટે મેં સ્ટૅન્ડિંગ કમિટીમાં પત્ર લખ્યો છે તેમ છતાં અહીં ધીમી ગતિથી કામ થઈ રહ્યું છે. પાણીની પાઇપ નાખતાં પાણીના પ્રેશરને કારણે પીવાના પાણીની પાઇપમાંથી પાણી બહાર નીકળતાં ચોખ્ખા પાણીનો બગાડ થઈ રહ્યો છે. એ માટે મેં ફોટો પાડીને મોકલાવ્યો હતો જેના વિશે મને એમ કહેવામાં આવ્યું છે કે પાણીની લાઇન નાખવાનું કામ પૂરું થયા પછી પ્રેશરને કારણે જે પાણીનું લીકેજ થાય છે એ સમસ્યા દૂર થઈ જશે.’

આ વિસ્તારમાં કામ કરતા કૉન્ટ્રૅક્ટરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હજી આ કામ પૂરું થતાં પંદરેક દિવસનો સમય જશે. પાણીની લાઇનનું કામ પૂરુ થતાં પીવાના પાણીની પાઇપમાંથી જે પાણી પ્રેશરને લીધે બહાર નીકળે છે એનો બગાડ બંધ થઈ જશે.’