કોરોનાના સંકટ વચ્ચે મુંબઈ પાલિકાના કમિશનરની અચાનક બદલી

09 May, 2020 05:39 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

કોરોનાના સંકટ વચ્ચે મુંબઈ પાલિકાના કમિશનરની અચાનક બદલી

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઈના નવા નિયુક્ત કરાયેલા કમિશનર ઈકબાલ ચહલ.

મુંબઈમાં કોરોનાના સૌથી વધારે દરદીઓ દરરોજ નોંધાઈ રહ્યા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીની ગઈ કાલે અચાનક બદલી કરાઈ હતી. કોરોનાની લડતમાં તેઓ ઉણા ઉતર્યાં હોવાથી તેમને હટાવાયા હોવાનું કહેવાય છે. પ્રવીણ પરદેશીને સ્થાને ઈકબાલ ચહલની કમિશનરપદે નિયુક્તિ કરાઈ છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના મનાતા હોવાથી રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ પાલિકાના કામકાજમાં સહયોગ ન કરતા હોવાની મળેલી ફરિયાદને પગલે તેમને પાણીચું અપાયાની ચર્ચા.

મુંબઈ કોરોના સામેની લડતી લડી રહ્યું છે ત્યારે પાલિકાના કમિશનરપદેથી પ્રવીણ પરદેશીને આ પદથી દૂર કરીને અર્બન ડેવેલપમેન્ટ વિભાગના ઍડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે પાલિકાના ઍડિશનલ કમિશનર આબાસાહેબ જરહાડની પણ અચાનક બદલી કરાઈ છે. તેમના સ્થાને થાણેના ભૂતપૂર્વ કમિશનર અને પોસ્ટની રાહ જોઈ રહેલા સંજીવ જયસવાલની નિયુક્તિ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રવીણ પરદેશીની અચાનક બદલી થવા પાછળ કેટલાંક કારણો હોવાનું મનાય છે. જેમ કે, ચીફ સેક્રેટરી અજોય મહેતા અને પ્રવીણ પરદેશી વચ્ચે શીતયુદ્ધ ચાલતું હતું. કોરોનાના મુંબઈમાં સતત વધી રહેલા આંકડાને રોકવામાં નિષ્ફળ નીવડ્યા, કમિશનરની અનેક ફરિયાદો મળી હતી, હૉસ્પિટલ અને અધિકારીઓ સાથે તેઓ તાલમેલ ન રાખતા હોવાનો તેમના પર આરોપ છે અને કોરોનાના સંકટ વચ્ચે પણ ટેન્ડરની પ્રક્રિયામાં પણ આંતરિક ગરબડ ઊભી થઈ હોવાનું મનાય છે.

brihanmumbai municipal corporation mumbai mumbai news