સેન્ટ્રલ રેલવેના મુસાફરોના માથેથી મુસીબત દૂર થવાનું નામ નથી લેતી

06 September, 2012 05:17 AM IST  | 

સેન્ટ્રલ રેલવેના મુસાફરોના માથેથી મુસીબત દૂર થવાનું નામ નથી લેતી

સેન્ટ્રલ રેલવે પરનું ગ્રહણ દૂર થવાનું નામ લેતું નથી. સતત બે દિવસ વરસાદને લીધે ખોરવાઈ ગયેલી સેન્ટ્રલ રેલવેની ટ્રેનો ગઈ કાલે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડના રેલરોકો આંદોલનને લીધે પીક-અવર્સમાં પોણાબેથી બે કલાક માટે ખોરવાઈ ગઈ હતી. એને લીધે ઑફિસમાં જનારા મુંબઈગરાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ રેલરોકો આંદોલનની અસર બપોર સુધી પ્રવાસીઓને જણાઈ આવી હતી. સેન્ટ્રલ રેલવેના દાવા મુજબ બપોર સુધીમાં લગભગ ૧૦૦ જેટલી લોકસ સર્વિસ રદ થઈ હતી.

કલવામાં આવેલી મફતલાલ કંપનીની જગ્યા પર રહેલાં ઝૂંપડાંઓને તોડવાનો કોર્ટે ઑર્ડર આપ્યો છે. કોર્ટની આ કાર્યવાહી ગઈ કાલ સવારથી શરૂ થવાની હતી, જેની સામે વિરોધ પ્રગટ કરવા માટે ગઈ કાલે એક હજાર રહેવાસીઓ વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડના નેતૃત્વમાં સવારે ૭.૨૦ વાગ્યાથી  રેલવે-ટ્રૅક પર ઊતરી આવ્યા હતા અને સ્લો લાઇન પર અપ અને ડાઉન દિશાનો રેલવ્યવહાર ખોરવી નાખ્યો હતો. આ રેલરોકો આંદોલનનો રેલવે-પોલીસને તેમ જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) પોલીસને જરાય અંદાજ ન હોવાથી આ આંદોલનને રોકવામાં તેઓ નિષ્ફળ ગયા હતા.

લગભગ પોણાબે કલાક માટે સ્થાનિક લોકોએ જિતેન્દ્ર આવ્હાડ સાથે ટ્રૅક પર જ વિરોધ-પ્રદર્શન કર્યું હતું, જેને પગલે કલ્યાણથી સીએસટી સુધીનો રેલવ્યવહાર ખોરવાઈ ગયો હતો. મોડેથી અનેક સ્લો લાઇનની ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર ડાયવર્ટ કરવામાં આવી હતી. સવારે ઑફિસમાં જવાના પીક-અવર્સમાં રેલવેને અનેક લોકલ ટ્રેનો રદ કરવી પડી હતી. પૂરા બનાવને લીધે હજારો પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવા પડ્યો હતો.

૧૦૦ જેટલી લોકલ સિર્વર્સ રદ

ગઈ કાલે સવારે ૭.૨૦ વાગ્યાથી લોકો કલવા સ્ટેશન પાસે રેલવે-ટ્રૅક પર એકઠા થવા માંડ્યા હતા એમ જણાવીને સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘આ લોકોએ સ્લો લાઇન પર અપ અને ડાઉન દિશામાં રેલરોકો આંદોલન કરતાં થાણે અને કલ્યાણ વચ્ચે સ્લો કૉરિડોરની રેલ-સર્વિસ ખોરવાઈ ગઈ હતી. લગભગ એકથી દોઢ કલાક દરમ્યાન સ્લો ટ્રૅક પર ટ્રેનો બંધ રહ્યા પછી પોણાનવ વાગ્યા બાદ ટ્રેનો ધીમે-ધીમે શરૂ કરવામાં સફળતા મળી હતી, પણ આ પૂરા બનાવને લીધે બપોર સુધીમાં ૧૦૦ જેટલી લોકલ ટ્રેનની સર્વિસ રદ કરવી પડી હતી તો મોડી બપોર સુધી ટ્રેનો પોતાના નિયત સમય કરતાં ૨૦થી ૨૫ મિનિટ મોડી દોડી રહી હતી.’

જિતેન્દ્ર આવ્હાડ સામે પોલીસફરિયાદ

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ સામે કલવા સ્ટેશન પાસે ટ્રૅક પર રેલરોકો આંદોલન કરવા બદલ કલવા પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની સાથે અન્ય ૬૮ લોકો પર પણ કલવા પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ લોકોને મોડેથી છોડી મૂકવામાં આવ્યા હતા.

મેં આંદોલન નથી કર્યું : આવ્હાડ

વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે આ રેલરોકો આંદોલન બાબતે કહ્યું હતું કે ‘મફતલાલ કંપનીની જગ્યા પર છેલ્લાં ૩૦થી ૪૦ વર્ષથી આ લોકો ઝૂંપડાંમાં રહે છે. તેમની માગણીઓ પર ધ્યાન ન આપતાં તેમને જાણ કર્યા વગર આ ઝૂંપડાંઓને તોડવામાં આવવાનાં હતાં એટલે રહેવાસીઓ જિલ્લા-અધિકારીની ઑફિસ પર મોરચો કાઢવાના હતા, પણ પોલીસે તેમને રસ્તામાં જ રોકી લીધા હતા એટલે તેઓ આપોઆપ રેલવે-ટ્રૅક પર પહોંચી ગયા હતા. મેં રેલરોકો આંદોલન કર્યું જ નથી.’