ભાડા માટે ના પાડી તો લાઇસન્સ કૅન્સલ કરવાની હકીમ કમિટીએ કરી ભલામણ

27 August, 2012 05:05 AM IST  | 

ભાડા માટે ના પાડી તો લાઇસન્સ કૅન્સલ કરવાની હકીમ કમિટીએ કરી ભલામણ

શશાંક રાવ

મુંબઈ, તા. ૨૭

ગયા વર્ષે ઑક્ટોબર-નવેમ્બર મહિના દરમ્યાન નજીકના કે દૂરના ભાડા માટે પૅસેન્જરોને ના પાડનાર રિક્ષા-ડ્રાઇવરો વિરુદ્ધ અભિયાન છેડાયું હતું. આ વર્ષે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નીમવામાં આવેલી પીએમએ હકીમ કમિટીએ તૈયાર કરેલા ૧૪૦ પાનાંના અહેવાલમાં ટૅક્સી-રિક્ષાઓના વિવિધ મુદ્દાઓ સાથે આ મુદ્દાને પણ આવરી લેવામાં આવ્યો છે. રાત્રિભાડાંમાં ૩૦ ટકાનો વધારો કરવાના સૂચનની સાથોસાથ મુસાફરોની આ સમસ્યાને પણ ધ્યાનમાં રાખવાની તાકીદ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને કરવામાં આવી છે.

હકીમ કમિટીના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અમુક ફરજોનું પાલન ન કરે તો એવા સંજોગોમાં તેમની પરમિટ રદ કરવામાં આવે. મુસાફરોને લઈ જવા માટે ના પાડવી એને પણ પરમિટ લેતી વખતે કરેલી શરતોના ભંગ સમાન ગણવામાં આવે. સામાન્ય રીતે રિક્ષા-ડ્રાઇવરો નજીકના અંતરના ભાડા માટે ના પાડી દેતા હોય છે. એ માટે મુંબઈ ગ્રાહક પંચાયતના શિરીષ દેશપાંડેએ કહ્યું હતું કે ‘મુસાફરોએ દરરોજ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. હકીમ કમિટીએ ભાડામાં વધારો કરવા માટે આપેલા સૂચન બાદ પણ એમાં ફરક પડવાનો નથી.’

૨૦૧૦થી શરૂ કરી અત્યાર સુધી આરટીઓને ભાડાં ના પાડવા વિશેની કુલ ૪૫૦૦ જેટલી ફરિયાદો મળી છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે રિક્ષા યુનિયન પણ પરિસ્થિતિની ગંભીરતાને પારખવામાં નિષ્ફળ નીવડ્યાં હતાં. સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનર વી. એન. મોરેએ કહ્યું હતું કે હકીમ કમિટીના રિપોર્ટના અમલીકરણ પહેલાં અમે એનો અભ્યાસ કરી રહ્યા છીએ.

અન્ય મહત્વનાં સૂચનો

દર વર્ષે પહેલી મેએ ટૅક્સી

તથા રિક્ષાનાં ભાડાંમાં ફેરફાર કરવામાં આવે.

નાઇટ-ચાર્જ કુલ ભાડાનાં ૨૫ ટકાને બદલે ૩૦ ટકા કરવામાં આવે.

રિક્ષાનું મિનિમમ ભાડું વધારીને ૧૫ રૂપિયા કરવામાં આવે.

ટૅક્સીનું મિનિમમ ભાડું વધારીને ૨૦ રૂપિયા કરવામાં આવે

આરટીઓ = રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ