શાંઘાઈ ગયું ખાડામાં, હવે સપનાં સિંગાપોરનાં

20 May, 2022 07:47 AM IST  |  Mumbai | Sameer Surve

એક સમયે ચીનની સિટી જેવા મુંબઈના રસ્તા બનાવવાની વાત કરનાર સુધરાઈને આદિત્ય ઠાકરેના કહેવા પર રોડ બનાવવા માટે સિંગાપોરની ટેક્નૉલૉજી વાપરવાના ઓરતા જાગ્યા

મુંબઈમાં કૉન્ક્રીટના રોડને રિપેર કરવામાં સાતથી દસ દિવસનો સમય લાગે છે, જ્યારે સિંગાપોરમાં આ સમયગાળો માત્ર બેથી ત્રણ દિવસનો છે. ફાઇલ તસવીર


મુંબઈ : શાંઘાઈ પછી રોડના રિપેરિંગનો ઉકેલ શોધવા મુંબઈએ સિંગાપોર તરફ નજર કરી છે. મુંબઈના સબર્બન ગાર્ડિયન મિનિસ્ટર આદિત્ય ઠાકરેએ ગઈ કાલે બીએમસીના મુખ્ય મથક પર યોજાયેલી ચોમાસા પહેલાંના કામની સમીક્ષા-મીટિંગમાં કહ્યું હતું કે ‘રસ્તાઓના રિપેરિંગ માટે તેઓ અન્ય દેશો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ટેક્નૉલૉજીનો અભ્યાસ કરી રહ્યા છે. મુંબઈમાં વરસાદ મુખ્ય સમસ્યા છે, જ્યારે સિંગાપોરમાં આખું વર્ષ વરસાદ પડતો હોય છે. આથી અમે સિંગાપોર દ્વારા રોડના રિપેરિંગ માટે ઉપયોગમાં લેવાતી ટેક્નૉલૉજીનો અભ્યાસ કરી રહ્યા છીએ.’
બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘કૉન્ક્રીટના રોડને બનાવવામાં મુંબઈમાં સાતથી દસ દિવસ લાગતા હોય છે, જ્યારે સિંગાપોરમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેકનોલોજીને કારણે માત્ર બેથી ત્રણ દિવસ લાગતા હોય છે. આપણે ભારતમાં નદી કે તળાવ પર બ્રિજ બાંધવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, પણ એ દોઢગણી મોંઘી છે. સિંગાપોરમાં રોડ બાંધવા માટે વપરાતી સિમેન્ટ વધુ મજબૂતાઈ ધરાવતી હોય છે. જો એ આપણે ભારતમાં વાપરીએ તો ભારતના રસ્તાની ગુણવત્તા સુધરી શકે છે. વધુમાં રોડના રિપેરિંગમાં સમય ઓછો લાગવાને કારણે વધુ રસ્તા રિપેર કરી શકાશે અને બીએમસીને ટ્રાફિક પોલીસ પાસેથી પરવાનગી મેળવવાના પડકારનો પણ સામનો કરવો પડશે નહીં.’
આ પહેલાં બીએમસીએ મુંબઈને શાંઘાઈ બનાવવાનું નક્કી કર્યું હતું ત્યારે એણે શાંઘાઈમાં રોડ બનાવવા માટે જે ટેક્નૉલૉજીનો ઉપયોગ થતો હતો એનો જ વપરાશ આપણે ત્યાં કરવાનું નક્કી કર્યું હતું, પણ એ વાત આગળ નહોતી વધી.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગાર્ડિયન પ્રધાને અગાઉ જપાનમાં રોડના રિપેરિંગની ટેક્નિક વિશે પણ ચર્ચા કરી હતી. જપાનમાં નાળા પર એમએસ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને રસ્તાઓ બનાવવામાં આવે છે. આથી જો રોડને નુકસાન પહોંચે તો એટલો જ હિસ્સો બદલવો પડશે. આમ રિપેરિંગમાં લાગતો સમય પણ ઓછો થશે.’ 
સુધરાઈના રોડ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ફૉલ્સ સીલિંગ પરથી પીઓપી શીટનો ખરાબ હિસ્સો દૂર કરીને એના સ્થાને નવી શીટ બેસાડી દેવાની રહે છે. જોકે ભારતમાં આ પદ્ધતિ ક્યારેય અપનાવવામાં આવી નથી. વધુમાં આ પદ્ધતિ ઘણી ખર્ચાળ પણ છે.’ 
બીએમસીના રોડ ડિપાર્ટમેન્ટે આરટીઆઇના માધ્યમથી શૅર કરેલી માહિતી મુજબ સુધરાઈએ ૨૦૧૦થી ૨૦૨૧ દરમ્યાન ૨૦૯.૮૬ કિલોમીટર કૉન્ક્રીટના રોડના રિપેરિંગ પાછળ ૨૮૨૮ કરોડ રૂપિયા અને ૭૮૯.૮૬ કિલોમીટર ડામરના રોડના રિપેરિંગ પાછળ ૨૧૦૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. 
સુધરાઈએ ડામરના તમામ રોડને કૉન્ક્રીટના રોડમાં ફેરવવાનો નિર્ણય લીધો છે અને એ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ૨૧૯ કિલોમીટર રોડનું સમારકામ થવાનું છે. બીએમસીએ આ નાણાકીય વર્ષમાં રસ્તાના સમારકામ માટે ૨૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. 

mumbai news aaditya thackeray