ભાઈંદરની સ્કૂલના વિદ્યાર્થીઓને મળ્યું ગયા વર્ષનું રિઝલ્ટ

10 September, 2020 12:45 PM IST  |  Mumbai | Mumbai correspondent

ભાઈંદરની સ્કૂલના વિદ્યાર્થીઓને મળ્યું ગયા વર્ષનું રિઝલ્ટ

પ્રતીકાત્મક તસવીર

ભાઈંદર-વેસ્ટમાં ૯૦ ફૂટ રોડ પર આવેલી એસ. એલ. પોરવાલ ઇગ્લિંશ મિડિયમ હાઈ સ્કૂલમાં પેરન્ટ્સના આક્ષેપ પ્રમાણે આ વર્ષની ફી ભરો તો જ ગયા વર્ષનું રિઝલ્ટ મળશે એવું સ્કૂલ દ્વારા કહેવામાં આવ્યું હોવાથી એનો સખત વિરોધ દાખવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી પેરન્ટ્સ દ્વારા આ મુદ્દે વિરોધ કરાયો હતો તેમ જ ‘મિડ-ડે’માં આ વિશે સંપૂર્ણ માહિતી ધરાવતો અહેવાલ પ્રસિદ્વ કરાયા બાદ સ્કૂલે ગઈ કાલે નવમા ધોરણના વિદ્યાર્થીઓને રિપોર્ટકાર્ડ આપ્યું હતું. જોકે અન્ય ધોરણના વિદ્યાર્થીઓ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે.
આ વિશે સ્કૂલના એક પેરન્ટ્સે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘સમાચાર આવ્યા બાદ મંગળવારે અમને ઈ-મેઇલ આવ્યો હતો કે નવમા ધોરણનું ૨૦૧૯-૨૦૨૦ના વર્ષનું રિપોર્ટકાર્ડ બુધવારે સવારે આઠથી નવ વાગ્યા સુધીમાં આપવામાં આવશે. આ રિશેડ્યુઅલના સમય પર રિપોર્ટ લેવા આવી ન શક્યા તો ફરી એનું રિશેડ્યુઅલ ઑક્ટોમ્બર મહિનામાં થશે, પરંતુ ગઈ કાલે નવમા ધોરણના પેરન્ટ્સ સ્કૂલે જઈને ગયા વર્ષનું રિઝલ્ટ લઈ આવ્યા હતા. રિઝલ્ટ આપતી વખતે અમને કરન્ટ વર્ષની ફી વિશે કંઈ પૂછવામાં આવ્યું નહોતું. આ વર્ષની સ્કૂલ-ફીમાં સ્કૂલે થોડી રાહત આપી છે, પરંતુ કોરોના મહામારીને કારણે પેરન્ટ્સને હજી થોડી રાહત મળે તો સારું કહેવાય. ઑનલાઇન સ્ટડી હોવાથી વાઇ-ફાઇથી લઈને અનેક ખર્ચા પેરન્ટ્સને ઉપાડવા પડી રહ્યા છે. સ્કૂલ અને ‘મિડ-ડે’એ પેરન્ટ્સને કરેલી મદદ બદલ અમે ધન્યવાદ કહીએ છીએ.’
જ્યારે કે સ્કૂલના ફાઉન્ડર અને પ્રેસિડન્ટ દિલીપ પોરવાલને ‘મિડ-ડે’ને જણાવ્યું છે કે ‘અમુક ધોરણના વિદ્યાર્થીઓને રિઝલ્ટ મળ્યું છે અને જે ધોરણના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બાકી હશે તેમને પણ આપવા હું સ્કૂલને કહી દઈશ.’

mumbai mumbai news bhayander