બાળકોની પાંખી હાજરી વચ્ચે ૨૧ મહિને સ્કૂલની ઘંટડી વાગી

16 December, 2021 12:28 PM IST  |  Mumbai | Pallavi Smart

નાનાં બાળકો માટે મહારાષ્ટ્ર બોર્ડની સ્કૂલો શરૂ થઈ, પણ અન્ય બોર્ડની મોટા ભાગની સ્કૂલો નાતાલના વેકેશન બાદ શરૂ થવાની શક્યતા

૨૧ મહિને સ્કૂલ ખૂલી

ગઈ કાલે સ્કૂલો શરૂ થવાના પહેલા દિવસે બાળકોની હાજરી નોંધનીય પ્રમાણમાં ઓછી હોવા છતાં ટીચર્સના ઉત્સાહમાં કમી નહોતી વર્તાઈ રહી. ગણતરીની નૉન-સ્ટેટ બોર્ડની સ્કૂલો ગઈ કાલે ખૂલી હતી, જેની સામે સ્ટેટ બોર્ડની લગભગ બધી જ સ્કૂલો ખૂલી ગઈ હતી. સ્કૂલો ખૂલ્યાના પહેલા દિવસે બાળકોની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં ઓછી રહી હોવા છતાં ક્રિસમસના વેકેશન પછી સંખ્યા વધવાની આશા સેવાઈ રહી છે. 
નાનાં બાળકો માટે સ્કૂલ ખૂલવાનો દિવસ ઉજવણી સમાન બની રહ્યો હતો. લગભગ બે વર્ષ બાદ સ્કૂલે પાછાં ફરી રહેલાં બાળકો માટે સ્કૂલના ​પરિસરને બલૂન તેમ જ અન્ય સુશોભનોથી શણગારવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે ટીચર્સનું ધ્યાન બાળકોને સ્કૂલથી પરિચિત કરાવવા પર હતું. નાના ધોરણનાં (પ્રી-પ્રાઇમરી) બાળકો પહેલી જ વાર સ્કૂલમાં આવી રહ્યાં હોવાથી તેમને સ્કૂલલાઇફ સાથે ઍડ્જસ્ટ થવું વધુ આવશ્યક હતું.   
ધોરણ ૮થી ઉપરના વર્ગો પહેલાંથી જ ઑફલાઇન શરૂ થઈ ચૂક્યા હોવાથી સૅનિટાઇઝેશન તેમ જ અન્ય કોવિડ પ્રોટોકોલનું પાલન સ્કૂલની સિસ્ટમમાં જ વણાઈ ગયું હોવાથી હવે માત્ર સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા પર ભાર મૂકવાની આવશ્યકતા રહેશે એમ જણાવતાં સાયનની ડી. એસ. ઇંગ્લિશ સ્કૂલનાં હેડમિસ્ટ્રેસ અપર્ણા કાશિદે કહ્યું હતું કે ‘ચોથા ધોરણના વર્ગમાં ગઈ કાલે માત્ર એક જ બાળક હાજર રહ્યું હોવા છતાં તેને શીખવવામાં ટીચરની ધગશ જરાય ઊણી ઊતરી નહોતી. તેમણે ઑફલાઇન ભણાવવા ઉપરાંત સ્કૂલમાં ન આવનારાં અને ઑનલાઇન ભણી રહેલાં બાળકોના શિક્ષણ પ્રત્યે પણ પૂરતું લક્ષ્ય આપ્યું હતું. 
એસઓપીનું પાલન કરવા સ્કૂલોએ સ્ટુડન્ટ્સને વિવિધ સેશનમાં બેસાડીને અભ્યાસ કરાવી શકાય એ રીતનું ટાઇમટેબલ તૈયાર કર્યું હતું. ઘણી સ્કૂલોએ સ્ટુડન્ટ્સને એક દિવસ છોડીને બીજા દિવસે બોલાવ્યા હતા તો ઘણી સ્કૂલોએ એક વર્ગને બે હિસ્સામાં વહેંચીને શિક્ષણ શરૂ કર્યું હતું. છેલ્લાં બે વર્ષથી ઑનલાઇન ભણી રહેલા સ્ટુડન્ટ્સ પણ સ્કૂલો ખૂલવાથી ટીચર્સને તેમ જ મિત્રોને મળવા અને ફરીથી સ્કૂલલાઇફ માણવા ઉત્સાહી હતા. 

mumbai mumbai news pallavi smart