08 January, 2026 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વાડાની એક પ્રાઇવેટ મેડિકલ કૉલેજની હૉસ્ટેલમાં એક વિદ્યાર્થિનીને નમાજ પઢવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં હૉસ્ટેલની વૉર્ડન અને એક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
વાડા તાલુકાના પોશેરી ગામમાં આવેલી હૉસ્ટેલમાં રવિવારે રાતે આ ઘટના બની હતી. એને લીધે જમણેરી વિદ્યાર્થીઓએ વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ તહેનાત કરવામાં આવી હતી. પોલીસે સોમવારે રાત્રે આ કેસમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો હતો.
ફરિયાદ મુજબ મૂળ નાશિકની વિદ્યાર્થિની ફિઝિયોથેરપીના ફર્સ્ટ યરમાં ભણે છે. તે હૉસ્ટેલના પાંચમા માળે હતી ત્યારે તેને એક છોકરીએ રોકીને નમાજ પઢવા માટે દબાણ કર્યું હતું. બીજા દિવસે સવારે વિદ્યાર્થિનીએ તેના પરિવારને જાણ કરી હતી. કૉલેજના મૅનેજમેન્ટ તરફથી કોઈ જવાબ ન મળતાં પરિવારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નો સંપર્ક કર્યો હતો. VHPની લેખિત ફરિયાદ અને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજની મદદથી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.