11 January, 2026 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રચાર દરમ્યાન વૉર્ડ-નંબર ૧૭૭નાં BJPનાં ઉમેદવાર કલ્પેશા જેસલ કોઠારી.
માટુંગાના હિન્દુ કૉલોની અને સાયન-કોલીવાડા વિસ્તારોને આવરી લેતા વૉર્ડ-નંબર ૧૭૭નાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને મહાયુતિનાં ઉમેદવાર કલ્પેશા જેસલ કોઠારીને કચ્છી અને ગુજરાતી સમાજ તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. કલ્પેશા કોઠારીને તેમની પદયાત્રા અને રૅલી દરમ્યાન આ સમાજના અને અન્ય સમાજના લોકોએ સ્પષ્ટ કરી દીધું હતું કે અમારો અડગ નિર્ણય છે કે અમે અમારો મત ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના અધિકૃત ઉમેદવારને જ આપીશું.
આ બાબતની માહિતી આપતાં માટુંગાના કચ્છી અગ્રણી રાજેશ છેડાએ કહ્યું હતું કે ‘માટુંગા વર્ષોથી BJPનો ગઢ રહ્યું છે. આ વિસ્તારના મતદારોના હૃદયમાં ફક્ત નરેન્દ્ર મોદી અને તેમની કાર્યશક્તિ અને કાર્યક્ષમતા વસેલાં છે. નરેન્દ્ર મોદીના સર્વાંગી વિકાસના નારાને અમે સૌ પ્રાધાન્ય આપીએ છીએ. આ જ રીતે અમારા વિસ્તારમાં ૨૦૦૯થી સક્રિય જેસલ કોઠારીએ પણ હંમેશાં માટુંગા-વડાલા અને સાયનના વિસ્તારોના વિકાસ માટે એક સામાન્ય કાર્યકર રહીને પણ અગ્રતા આપી છે. તેઓ એક ગ્રાઉન્ડ લેવલના કાર્યકર બનીને નરેન્દ્ર મોદી અને પાર્ટીની વિચારધારા મુજબ કાર્યરત રહ્યા છે. આને લક્ષમાં રાખીને BJPના નેતાઓએ હવે તેમનાં પત્ની કલ્પેશા કોઠારીને આ વિકાસકાર્યોને આગળ ધપાવવા અને માટુંગા-વડાલાને નાગરી સુવિધાઓ પૂરી પાડવા માટે ૧૫ જાન્યુઆરીની મહાનગરપાલિકાની ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યાં છે. આથી જ અહીંનો કચ્છી અને ગુજરાતી સમાજ જ નહીં, અન્ય સમાજો પણ કલ્પેશાબહેનને ભારી બહુમતીથી જિતાડવા માટે સહયોગ આપી રહ્યા છે.’
અહીંના નાગરિકો અપક્ષ નહીં પણ પાર્ટી દ્વારા અધિકૃત ઉમેદવારને જ મહાનગરપાલિકામાં ચૂંટીને મોકલશે એમ જણાવતાં માટુંગાના ગુજરાતી સમાજના અગ્રણી અતુલ શાહે કહ્યું હતું કે ‘કલ્પેશા કોઠારી ગૃહિણી હોવા છતાં જેસલ કોઠારીને તેમનાં વિકાસકાર્યોમાં પરોક્ષ રીતે મૉરલ સપોર્ટ આપતાં રહ્યાં છે. તેમને એક ગૃહિણી તરીકે અમારા વિસ્તારની દરેક ગૃહિણી અને યુવાનોની સમસ્યાઓની જાણકારી છે. હવે તેઓ નગરસેવિકા બનીને આ ગૃહિણીઓની, યુવાનોની અને માટુંગાના સિનિયર સિટિઝનોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ બન્યાં છે. ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસના આશીર્વાદ અને શુભેચ્છા સાથે તેઓ તેમની નેમને પૂરી કરશે એવો અમને સૌને વિશ્વાસ છે. આથી જ અમે કોઈ પણ પ્રકારના ભ્રમમાં આવ્યા વગર દેવેન્દ્ર ફડણવીસ અને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે કલ્પેશાબહેનને ચૂંટવા માટે અડગ છીએ.’
ભારતીય જનતા પાર્ટીના માટુંગાના એક સક્રિય કાર્યકરે આજના કાર્યક્રમની માહિતી આપતાં કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં કલ્પેશા જેસલ કોઠારી તેમના વિસ્તારના ૭૦ ટકા મતદારોને ઘરે-ઘરે જઈને મળ્યાં હતાં. આ મતદારોએ તેમનું ઉમંગ અને ઉલ્લાસ સાથે સ્વાગત કરીને તેમને સારા માર્જિનથી જીત અપાવવાની ખાતરી આપી હતી. આજે સવારે ૯ વાગ્યે તેમના પ્રચાર માટે એક મહારૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૅલી મિલાપ સાડી, ભંડારકર રોડથી શરૂ કરવામાં આવશે. એમાં તેઓ મતદારોના આશીર્વાદ લેશે. આ રૅલીમાં માટુંગાના દરેક સમાજ અને સંસ્થાઓના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મહાનુભાવો જોડાશે.’