વાશી રેલવે સ્ટેશનની બહાર ટૂંક સમયમાં મળશે સ્ટ્રીટ-ફૂડ

10 January, 2022 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકોને હાઇજીનિક ફૂડ મળી રહે એ માટે સિડકો દ્વારા એ વિસ્તારને ડેવલપ કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈના વાશી સ્ટેશનની બહાર લોકોને હાઇજીનિક સ્ટ્રીટ-ફૂડ મળી રહે એ માટે સિડકો દ્વારા એ વિસ્તારને ડેવલપ કરવામાં આવશે. ધ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) મુંબઈ, થાણે, મીરા-ભાઈંદર અને નવી મુંબઈમાં ફૂડ હબ વિકસાવવા માગે છે. વાશી સ્ટેશનની બહાર જાણીતી ઈટરી દ્વારા આવું ફૂડ હબ ચલાવાય છે જે હેઠળ 
૩૦ દુકાનો ચલાવે છે એની પંસદગી કરવામાં આવી છે. સિડકો દ્વારા હવે એ એરિયાને એફએસએસએઆઇના સ્ટાન્ડર્ડ પ્રમાણે ડેવલપ કરાશે અને લોકોને હાઇજીનિક ફૂડ મળી રહે એની સુવિધા પૂરી પડાશે.
આ વિશે માહિતી આપતાં સિડકોના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ માટે એફએસએસએઆઇના અધિકારીઓએ પહેલાં એમનો પ્લાન એ દુકાનમાં કામ કરતા લોકોને કહ્યો હતો. ત્યાર બાદ ગયા મહિને તેમને ઑનલાઇન ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. એ ટ્રેઇનિંગ દરમિયાન તેમણે કઈ રીતે ઓછા તેલ, સાકર અને મીઠા સાથે રાંધવું, કઈ રીતે વાનગીઓ સાચવવી અને કઈ રીતે એને સ્ટોર કરવી, પીરસવી એની માહિતી આપવામાં આવી હતી. દુકાનના કર્મચારીઓને એ સાથે જ કઈ રીતે ફૂડ-સ્ટૉલ અને આસપાસના પરિસરની સ્વચ્છતા જાળવવી એ વિશે પણ માહિતગાર કરાયા છે. હાલમાં જ એફએસએસએઆઇ દ્વારા આવું એક ફૂડ-હબ જુહુમાં ચાલુ કરાયું છે અને એને લોકોનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. 

mumbai mumbai news vashi