મને મારા દેશમાં ડર લાગે છે : સંજય નિરુપમની પત્ની

08 October, 2016 03:09 AM IST  | 

મને મારા દેશમાં ડર લાગે છે : સંજય નિરુપમની પત્ની



ધર્મેન્દ્ર જોરે


સર્જિકલ સ્ટ્રાઇક બનાવટી હતી અને સરકારે એનો પુરાવો આપવો જોઈએ એના મુંબઈ કૉન્ગ્રેસના પ્રમુખ સંજય નિરુપમના નિવેદન બાદ તેમની પત્ની ગીતાએ પોતાના અને પોતાના કુટુંબ પર થયેલા ભારે અંગત શાબ્દિક હુમલાઓની ફરિયાદ કરી છે.

ગીતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના અંગત બ્લૉગ પર લખેલા પત્રમાં ફરિયાદ કરી છે કે સોશ્યલ મીડિયા અને ફોન પર તેના પર અને તેનાં સાસુ પર અત્યંત અશ્લીલ શબ્દોમાં પ્રહાર કરવામાં આવ્યો છે. ગીતાએ આ ફરિયાદ સંજયે કરેલા વિવાદાસ્પદ નિવેદન પછી સોશ્યલ મીડિયા પર, વિડિયો દ્વારા અને ટેક્સ્ટ મેસેજો મળવાના સંદર્ભમાં કરી હતી.

ગીતાએ તેના બ્લૉગમાં લખ્યું હતું કે ‘આપણા દેશમાં લોકશાહી છે અને વાણીસ્વાતંત્ર્ય દરેક ભારતીયનો મૂળભૂત હક છે. હા, એ વાત સાચી છે કે મારા પતિએ જે નિવેદન આપ્યું છે એ રાજકીય છે. મારા પતિએ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો જેના વિશે દેશમાં, રાજકીય વતુર્ળોમાં અને સામાન્ય નાગરિકોમાં ચર્ચા થવી જોઈએ. મારા પતિ દેશ અને રાજનીતિ વિશે બોલી રહ્યા હતા, તેમના અંગત જીવન વિશે નહીં એથી આપણા દેશની સંસ્કૃતિ અને કુટુંબભાવના ધરાવતો દેશ જે દેવીઓની પૂજા કરે છે એમાં સંજયનાં ૮૦ વર્ષનાં માતાને સોશ્યલ મીડિયા પર વિવાદમાં ઘસેડવાં યોગ્ય છે? મને મારા જ દેશમાં ભય લાગે છે. જ્યારે આમિરની પત્ની કિરણ રાવે કહ્યું હતું કે આજની સરકારના હાથમાં દેશ સલામત નથી ત્યારે દેશની જનતાને ખરાબ લાગ્યું હતું. હું સૌને નાગરિકો, સેલિબ્રિટીઓ, રાજકીય નેતાઓ અને બુદ્ધિજીવીઓને માનપૂર્વક વિનંતી કરું છું કે જેમને કિરણનું નિવેદન અપમાનજનક લાગ્યું કે તેને આ દેશમાં અસલામતીની ભાવના સતાવે છે  આજે હું પણ કિરણ સાથે જોડાઈને કહેવા માગું છું કે મને મારા જ દેશમાં બીક લાગે છે.’

ગીતાએ વડા પ્રધાનને આ પ્રચાર બંધ કરવા પગલાં લઈ માસ મીડિયા અને સોશ્યલ મીડિયા પર કોઈ પ્રકારની સેન્સરશિપ લાગુ કરવા વિનંતી કરી છે.

દરમ્યાન સંજય નિરુપમે વસોર્વા પોલીસ-સ્ટેશનમાં ફ્રિયાદ નોંધાવી છે કે ‘મને પાંચમી ઑક્ટોબરે સવારે લગભગ સવાઅગિયાર વાગ્યે વિદેશના નંબર પરથી રવિ પૂજારીનો ફોન આવ્યો હતો અને મને મારા નિવેદન માટે જાહેર માફી માગવા ધમકી આપી હતી અને જો હું જાહેર માફી ન માગું તો મને અને મારા કુટુંબને ગંભીર પરિણામોની ધમકી આપી હતી.’