કુર્લાના નેહરુનગરમાં બાળકોના અપહરણનો દોર ફરી શરૂ થયો રહેવાસીઓમાં ફફડાટ

29 August, 2016 03:53 AM IST  | 

કુર્લાના નેહરુનગરમાં બાળકોના અપહરણનો દોર ફરી શરૂ થયો રહેવાસીઓમાં ફફડાટ



ફરી ઘરે : ચાર વર્ષની જિવિકા ફુલવારિયા અને મમતા જગ્રીવાલ હવે તેમના પરિવારો સાથે સલામત છે. તસવીરો : રાજેશ ગુપ્તા

આસિફ રિઝવી

ચાર દિવસમાં અપહરણના બે કિસ્સા બનતાં કુર્લાના નેહરુનગરના રહેવાસીઓના મનમાં ૨૦૧૦માં ત્રણ સગીર બાળકીઓ પર બળાત્કાર અને હત્યાના બનેલા બનાવનો હાઉ ફરી ઘર કરી ગયો છે. જોકે હાલમાં અપહરણ થયેલી બે બાળકીઓ અનુક્રમે વાશી ગાંવ અને માનખુર્દ રેલવે-સ્ટેશન પરથી સલામત મળી આવી છે. બન્ને કિસ્સાઓમાં અપહરણનો સમય અને પદ્ધતિ સરખી હોવાથી પોલીસને શંકા છે કે આ બન્ને અપહરણો પાછળ એક જ આરોપીનો હાથ છે અને એણે એ દિશામાં તપાસ આગળ વધારી છે.

૨૪ ઑગસ્ટે ૪ વર્ષની જ્યોતિ ફુલવારિયા તેના કુર્લાના વત્સલાતાઈ નગરના ઘરની બહાર રમી રહી હતી. એ સમયે સાંજના સાત વાગ્યા હતા. તે ત્યાંથી ગુમ થઈ હતી અને જ્યારે ઘરે ન પહોંચી ત્યારે તેનાં મમ્મી-પપ્પાને તેના ગુમ થયાની જાણ થઈ હતી.

જ્યોતિના દાદાએ માહિતી આપતાં કહ્યું હતું કે ‘સામાન્ય રીતે જ્યોતિ કોઈ અજાણી વ્યક્તિ પાસે જતી નથી. તે ઘરની બહાર રમતી હતી અને મોડી સાંજ સુધી ઘરે પાછી ન ફરતાં તેની મમ્મીએ આડોશપાડોશમાં તપાસ કરી હતી. જ્યોતિ ત્યાં ન મળતાં તેણે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજા દિવસે સવારે અમને પોલીસ-સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે જ્યોતિ વાશી ગાંવમાંથી મળી આવી હતી.’

 પોલીસને જ્યોતિની પૂછપરછમાંથી કોઈ સ્પષ્ટ કડી મળી નહોતી, પરંતુ CCTV કૅમેરાનું ફુટેજ મેળવ્યું છે જેમાં તે એક પુરુષ સાથે ચાલતી જોવા મળે છે.

નેહરુનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરે માહિતી આપી હતી કે બન્ને ઘટનાઓ એક જ પટ્ટામાં બની છે અને અમે આ બન્ને કિસ્સાઓ પાછળ એક જ જણનો હાથ હોવાની દિશામાં તપાસ કરી રહ્યા છે.

બીજા કિસ્સામાં ૨૬ ઑગસ્ટે સાડાચાર વર્ષની મમતા જાગ્રીવાલ પણ મોડી સાંજે તેના ઘરની સામે રમતી હતી ત્યારે ગુમ થઈ હતી. રાત્રે ૮.૩૦ વાગ્યા સુધી તે ઘરે પાછી ફરી નહોતી. રાત્રે ૯.૩૦ વાગ્યે માનખુર્દ રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિકારીઓએ મમતાને સ્ટેશન પર એકલી બેઠેલી જોઈ હતી. મમતાની પૂછપરછ કરતાં તેણે માત્ર એટલું કહ્યું હતું કે એક અન્કલ તેને અહીં લાવ્યા હતા. તે નેહરુનગરમાં ઠક્કરબાપા કૉલોનીમાં રહે છે.

મમતાના પિતાએ માહિતી આપી હતી કે ‘મમતા ઘરની બહારથી ગુમ થઈ હતી. તે અત્યારે શૉકમાં છે. તેણે અમને જણાવ્યું હતું કે અપહરણકર્તા તેને પહેલાં રિક્ષામાં અને ત્યાર બાદ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરીને અહીં લાવ્યો હતો અને તેને સ્ટેશન પર છોડી મૂકી હતી.’

આ બનાવો બન્યા પછી નેહરુનગર પોલીસે કોઈ પણ જાતનો ચાન્સ લીધા વગર આ વિસ્તારમાં પોલીસ-પૅટ્રોલિંગ વધારી દીધુ છે. પોલીસ આ બાળકીઓને ચૉકલેટ આપીને લલચાવનારી વ્યક્તિને પણ શોધી રહી છે. શંકમદ આધેડ વયનો પુરુષ છે. પોલીસે તપાસ કરતાં જાણ થઈ છે કે આ બન્ને બાળકીઓને તમાચા માર્યા અને ધમકાવ્યા સિવાય તેમની સાથે કોઈ અઘટિત બનાવ બન્યો નથી. પોલીસે અપહરણના બે FIR નોંધ્યા છે.