મિલન ફ્લાયઓવરનું કામ ફરી અટકી ગયું

31 August, 2012 08:11 AM IST  | 

મિલન ફ્લાયઓવરનું કામ ફરી અટકી ગયું

મેઘના શાહ

મિલન સબવે રોડ ઓવરબ્રિજ (આરઓબી)ના ઓપનિંગમાં ફરી વિલંબ થાય એવું લાગે છે, કારણ કે રેલવેએ એમએમઆરડીએને આ ઓવરબ્રિજને ટેકો આપવા માટે ટ્રૅક્સ વચ્ચે એક વધારાનો પિલર ઊભો કરવાની સૂચના આપી છે. જો આ પિલર તૈયાર નહીં થાય તો ઓવરબ્રિજ બનાવવાની પરવાનગી નહીં મળે. આ બાબત વિશે વધુ જાણકારી આપતાં એમએમઆરડીએના ચીફ એન્જિનિયરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ફ્લાયઓવર નીચેથી બીજી કેટલીક મહત્વની સુવિધાઓની લાઇન પસાર થતી હોવાથી વધુ એક પિલરનું બાંધકામ ટેક્નિકલ રીતે શક્ય નથી. અમે વેસ્ટર્ન રેલવેને અરજી કરીને બધાં કારણો દર્શાવ્યાં છે. હમણાં જે ફૂટ ઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે એને પણ રેલવે દ્વારા સુરક્ષાના બધા પૉઇન્ટ ચકાસીને મંજૂરી આપવામાં આવી હતી. અમે આ નિયમોનું પાલન કરીને જ બ્રિજનું કામ આગળ વધાર્યું હતું જેથી થાય એટલું જલ્ાદી એનું કામ શરૂ કરી શકાય.’

એમએમઆરડીએ દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતોને ધ્યાનમાં રાખીને સાંતાક્રુઝ રેલવેના ઉચ્ચ અધિકારીએ આ વિશે વધુ જાણકરી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘જો રેલવે વધારાનો એક પિલર ઊભો કરશે તો બ્રિજનું કામ કરવામાં વધારે સમય લાગી જશે. આ બધી ક્રિયામાં પાછો ઘણો સમય લાગી જશે અને ફરીથી રેલવેને આ કામ માટે મંજૂરી લેવી પડશે. પહેલાં આ કામ મે-જૂનમાં શરૂ થવાનું હતું, પણ પછી કંઈ ટેક્નિકલ પ્રૉબ્લેમ આવતાં ઑક્ટોબરમાં શરૂ કરવાના હતા અને હવે એનાથી વધારે લેટ શરૂ થવાના અણસાર દેખાઈ રહ્યા છે. તમને હમણાંની જ કન્ડિશન કહું તો મિલન સબવે પસાર કરતાં જ એક કલાકથી વધારે સમય નીકળી જાય છે અને વરસાદમાં તો પાણી ભરાઈ જવાથી હાલત ખરાબ થઈ જાય છે. જો આ પ્રોજેક્ટ પ્રમાણે કામ થશે તો એક કલાકની જગ્યા પર ૫ાંચ મિનિટમાં સબવે પસાર કરી શકાશે.’

એમએમઆરડીએ = મુંબઈ મેટ્રોપૉલિટન ડેવલપમેન્ટ ઑથોરિટી