26 May, 2025 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી પાસેથી જપ્ત કરેલા વેપારીના દાગીના સાથે શિર્ડી પોલીસની ટીમ.
સાંઈબાબાના લાખો ભક્તોના શ્રદ્ધાસ્થાન શિર્ડીમાં આવેલી એક હોટેલમાંથી ૧૩ મેએ એક વેપારીનું ૩.૨૬ કરોડ રૂપિયાની કિંમતના સોનાના ૬૮૭ ગ્રામ વજનના દાગીના સાથેનું પાર્સલ ચોરી થઈ ગયું હતું. શિર્ડી પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ સમાંતર તપાસ શરૂ કરી હતી. એમાં ઇન્સ્પેક્ટર દિનેશ આહેરને માહિતી મળી હતી કે શિર્ડીની હોટેલમાંથી સોનાના દાગીના સાથેનું પાર્સલ રાજસ્થાનના બાડમેરના મૂળ વતની સુરેશકુમાર ભુરસિંહ રાજપુરોહિતે ચોરી કર્યું છે. આથી પોલીસે આરોપીના સંબંધીઓને વિશ્વાસમાં લીધા હતા અને સુરેશકુમાર અને ચોરી થયેલા દાગીનાના પાર્સલની માહિતી મળે તો પોલીસનો સંપર્ક કરવા કહ્યું હતું. પુણેમાં રહેતા આરોપીના ભાઈએ પોલીસને જાણ કરી હતી કે તેની પાસે ચોરી કરેલું પાર્સલ તેના ભાઈ સુરેશકુમારે આપ્યું છે. આથી પોલીસે પુણે જઈને સુરેશકુમારની ધરપકડ કરી હતી અને તેના ભાઈ પાસે રાખેલું સોનાના દાગીના ભરેલું પાર્સલ જપ્ત કર્યું હતું. પાર્સલમાંથી અઢી કરોડ રૂપિયાના દાગીના મળી આવ્યા હતા. આથી આ કેસ એક ઈમાનદાર ભાઈની મદદથી પોલીસે ઉકેલ્યો હતો.