શૅરબજારમાં પૈસા ડબલ : તમે તો નથી ફસાયાને?

10 November, 2012 06:34 AM IST  | 

શૅરબજારમાં પૈસા ડબલ : તમે તો નથી ફસાયાને?





શૅરબ્રોકર કંપની ઊભી કરી શૅરમાર્કેટમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને ગુજરાતી રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર આંબોલી પોલીસ-સ્ટેશને ત્રણ જણની ધરપકડ કરી છે. બે ગુજરાતી રોકાણકારોએ આગળ આવી આંબોલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હોવાથી એમએચ બિઝનેસ ઍન્ડ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ડિરેક્ટર સુઝાઉદ્દીન શેખ સહિત તેની પત્ની નવજિયા શેખ તથા તેની બિઝનેસ-પાર્ટનર રોશનઆરા પટવેકરની પોલીસે ગુરુવારે ધરપકડ કરી હતી. આરોપીઓને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરીને ૧૧ નવેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ ગુજરાતી રોકાણકારોને સૌથી પહેલાં તેમના મોબાઇલથી કોઈ મોટી કંપીનાના નામે મેસેજ કરતા હતા અને મેસેજમાં તેઓ લખતા હતા કે આ કંપનીને અમે એક અઠવાડિયામાં રૂપિયા ડબલ કરી આપ્યા છે, હવે તમારી કંપની પણ ખોટમાં નહીં જાય. મેસેજમાં તેઓ ટીવી પર આવતા નિષ્ણાતો પણ તેમની પાસે સલાહ લે છે એમ લખતા હતા. મેસેજ કર્યા બાદ આરોપીઓ રોકાણકારોને ફોન કરતા હતા અને તેમની સાથે મીટિંગ નક્કી કરતા હતા. મીટિંગમાં આરોપીઓ કહેતા હતા કે તેઓ અમેરિકાના શૅરમાર્કેટમાં કામ કરીને હાલમાં જ મુંબઈ આવ્યા છે અને તેમની પાસે શૅરમાર્કેટમાં રૂપિયા ડબલ કરવા માટેનો એક અમેરિકન સૉફ્ટવેર પણ છે. રોકાણકારો સાથે તેમના શૅરની ડીટેલ લઈ તેઓ તેમના શૅરને એક કંપનીના ડીમૅટ અકાઉન્ટમાંથી બીજી કંપનીના ડીમૅટ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાને બદલે તેઓ પોતાને જ નામે ટ્રાન્સફર કરી લેતા હતા.

આંબોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હરિંદ્ર વટકરે કહ્યું હતું કે ‘આરોપીઓએ અંધેરી (વેસ્ટ)ના વીરા દેસાઈ રોડ પર ૨૦૧૦માં એક ભાડાની ઑફિસ ખરીદી હતી. આ ઑફિસમાંથી તેઓ રોકાણકારો સાથે વ્યવહાર કરતા હતા. આ કંપનીમાં કામ કરવા માટે લગભગ ૧૦થી વધુ લોકોને તેમણે ઑફિસમાં નોકરીએ રાખ્યા હતા. જોકે આરોપીઓને તેમણે છેલ્લા પાંચ મહિનાથી પગાર પણ આપ્યો નહોતો. અમે મુખ્ય આરોપી સુઝાઉદ્દીન પાસેથી ૩૫ લાખ રૂપિયાની એક મર્સિડીઝ કાર હસ્તગત કરી છે.’

છેતરાયેલી પાર્ટી શું કહે છે?

સાંતાક્રુઝમાં રહેતાં ઈલા ઝોટાના પતિ અંજને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૧માં મેં આ કંપીનાના ડિરેક્ટરને ૫,૦૦,૦૦૦ રૂપિયાનો ચેક આપ્યો હતો. મને શૅરમાર્કેટમાં ઘણું નુકસાન થઈ રહ્યું હતું, એથી આ કંપનીની સલાહ લઈને મારા શૅર આ કંપનીને આપી દીધા હતા, પણ આ કંપનીએ મારા શૅર પોતાના જ નામે કરી લીધા હતા. મારા શૅરની વૅલ્યુ એ વખતે લગભગ ૨૫,૦૦,૦૦૦ રૂપિયા હતી. આ શૅર સુઝાઉદ્દીને અન્ય કંપનીના ડીમૅટ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાને નામે પોતાની પત્નીના નામ પર જ ટ્રાન્સફર કરી લીધા હતા, જે મેં મારી પત્નીના નામે ખરીદ્યા હતા.’