ગ્રોમાના વેપારીઓની આજથી બેમુદત હડતાળ

26 November, 2012 05:47 AM IST  | 

ગ્રોમાના વેપારીઓની આજથી બેમુદત હડતાળ



નવી મુંબઈમાં આવેલી એપીએમસી માર્કેટના દાણાબંદરના અનાજ-કઠોળના વેપારીઓની માલ સ્ટોર કરવાના મુદ્દે કન્ટ્રોલર ઑફ રૅશનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કનડગતના વિરોધમાં દાણાબંદરના વેપારીઓ આજથી હડતાળ પર છે અને જો તેમની સમસ્યાઓનો નિવેડો ન આવ્યો તો આગામી દિવસોમાં પણ તેમની હડતાળ કાયમ રહેશે. જો એવું થયું તો મુંબઈમાં રીટેલ માર્કેટમાં માલની અછત થવાની શકયતા છે એટલું જ નહીં, એને પગલે અનાજ-કઠોળના ભાવ પણ વધી જાય એવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત થઈ રહી છે.

જવાબ ન મળ્યો તો બેમુદત બંધ


દાણાબંદરના વેપારીઓની આજની હડતાળને સમર્થન આપવા એપીએમસી માર્કેટનાં વિવિધ બજારો પણ આજે એક દિવસની હડતાળ પાડવાનાં છે એટલું જ નહીં, થાણે જિલ્લાની તમામ માર્કેટો પણ આજે એક દિવસનો પ્રતીક બંધ પાળવાની છે એવું જણાવતાં ગ્રોમાના સેક્રેટરી કાનજીભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજની અમારી આ હડતાળ અમે શાંતિથી અહિંસક રીતે કરવાના છીએ. અમારી ફરિયાદ અમે તમામ વિભાગીય અધિકારી સહિત મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ સુધી લેખિતમાં પહોંચાડી દીધી છે. જો આજ સાંજ સુધીમાં અમને સરકાર તરફથી કોઈ જવાબ ન મળ્યો તો અમારી આજની હડતાળ બેમુદત હડતાળમાં ફેરવાઈ જશે.’

જનતાને પણ નુકસાન થશે

વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે એવું બોલતાં કાનજીભાઈએ કહ્યું હતું કે ‘અમારો ગવર્નમેન્ટ સામે નહીં, ખોટી સિસ્ટમ સામે વિરોધ છે. અમે કાયદાની વિરુદ્ધમાં નથી, પણ ખોટી રીતે કાયદાને આગળ ધરી રૅશનિંગના અધિકારીઓ દ્વારા વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે એની સામે અમારો વિરોધ છે. વેપારીઓ મંજૂરી લઈને નિયમ મુજબ માલને સ્ટોર કરે છે છતાં તેમનો માલ સીઝ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૦થી ૧૫ કરોડ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. એને લીધે વેપારીઓને તો નુકસાન થયું છે, પણ અનાજ આ વેરહાઉસમાં સડી રહ્યું છે જેની અસર જતેદહાડે વેપારીઓની સાથે જ જનતાને પણ થવાની છે.’

રીટેલ માર્કેટમાં અછત થઈ શકે


એપીએમસી માર્કેટના ડિરેક્ટર અને ગ્રોમાના કમિટી-મેમ્બર જયેશ વોરાએ કહ્યું હતું કે ‘વેપારીઓ બૅન્કમાંથી લોન લઈને વેપાર કરે છે અને સમયસર રિટર્ન ભરે છે. તેઓ કાયદાનું પાલન કરે છે છતાં તેમને ડિપાર્ટમેન્ટ તરફથી ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આટલી બધી હેરાનગતિને લીધે વેપારીઓને થતું નુકસાન કોણ ભરશે? જો વેપારીઓને આ રીતે હેરાન કરવામાં આવ્યા અને તેમણે બજાર ખોલ્યું નહીં તો એની અસર લોકો પર જ થવાની છે. ૧૪ નવેમ્બરથી દાણાબજારમાં માલ આવવાનો બંધ થઈ ગયો છે. વેપારીઓ પાસે થોડોઘણો માલ હતો એ પણ પૂરો થવા આવ્યો છે. હવે જો વેપારીઓએ બેમુદત હડતાળ કરી તો મુંબઈમાં રીટેલ બજારમાં માલની ૧૦૦ ટકા અછત સર્જાશે અને ઑટોમૅટિકલી માલની કિંમતમાં વધારો થશે. સરકાર કદાચ ત્યારે જ જાગશે એવું અમને લાગે છે.’

શા માટે વેપારીઓ હડતાળ પર ઊતર્યા?


એપીએમસી બજારના સંકુલમાં અન્ન-કડધાન્ય, દાળ, તેલીબિયાં જેવી વસ્તુઓના સ્ટોરેજ માટે પૂરતી જગ્યા ન હોવાથી એપીએમસીની આગોતરી મંજૂરી મેળવીને બજારની આજુબાજુના વિસ્તારોમાં આવેલાં વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજમાં વેપારીઓએ માલ સ્ટોર કરી રાખ્યો હોવા છતાં કન્ટ્રોલર ઑફ રૅશનિંગ અને મહારાષ્ટ્રના નાગરી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજ પર રેઇડ પાડીને વેપારીઓનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને હવે તેમનો માલ છૂટો કરતા નથી.