હવે રિક્ષાવાળાઓને સરકાર પાસેથી જોઈએ છે મહિને ૧૦,૦૦૦નું વળતર

22 January, 2022 12:25 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

એટલું જ નહીં, ઈએમઆઇ ન ભરનારા રિક્ષાચાલકોને હેરાન ન કરવામાં આવે એવી રજૂઆત પણ ઠાકરે સરકારને કરી

યુનિયનના નેતાએ રિક્ષા ધરાવતા અને ચલાવતા સરકારી કર્મચારીઓને પરમિટ અને લાઇસન્સનું વિતરણ સ્થગિત કરવાની માગણી કરી છે

મુંબઈ ઑટોરિક્ષા યુનિયને એના ડ્રાઇવર્સ માટે અનેક કલ્યાણકારી પગલાં લેવાની માગણી કરી છે, જેમાં રિક્ષા ધરાવતા અને ચલાવતા સરકારી કર્મચારીઓને પરમિટ અને લાઇસન્સ આપવાનું બંધ કરવાનો સમાવેશ થાય છે. રોગચાળાને કારણે ઑટો-ડ્રાઇવર્સને થયેલા નુકસાનમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને યુનિયને ઉદ્યોગને બચાવવા માસિક ભથ્થાની પણ માગણી કરી છે. 
રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબને બુધવારે લખેલા એક પત્રમાં મુંબઈ ઑટોરિક્ષા-ટૅક્સીમેન યુનિયનના નેતા શશાંક રાવે કહ્યું હતું કે સમય આવી ગયો છે કે સરકાર મધ્યસ્થી કરે અને ડૂબી રહેલા ઑટો ડ્રાઇવર અને એની સાથે જોડાયેલા લોકોને બચાવી લે તેમ જ તેમણે ગરીબ ડ્રાઇવરોને જીવનનિર્વાહ ચલાવવા માસિક ભથ્થું આપવામાં આવે. 
મહામારી તેમ જ નબળા સમર્થનને કારણે ઑટો ઉદ્યોગ પર વધુ ગંભીર અસર જોવા મળી છે. તમામ નિયંત્રણો અને પ્રતિબંધોનું પાલન કરવાને કારણે ઑટો-ડ્રાઇવર્સના કામ પર સૌથી વધુ અસર પડી છે. શશાંક રાવે સરકારને રિક્ષા-ડ્રાઇવર્સને માસિક ૧૦,૦૦૦ રૂપિયાનું ભથ્થું આપવાની માગણી કરી છે. 
પત્રમાં જણાવાયું હતું કે અનેક રિક્ષાચાલકોએ પોતાનાં વાહનો લોન પર લીધાં છે, જેનું ઈએમઆઇ જો ન ભરી શકે તો તેમને લોન આપનારી સંસ્થા તરફથી પરેશાન કરવામાં આવે છે. સરકારે આ બાબતે મધ્યસ્થી કરવી જોઈએ તથા રિક્ષાચાલકોને કરાતા દંડની રકમમાં ઘટાડો કરવો જોઈએ. 
પ્રત્યેકને ઑટો-પરમિટની વહેંચણી કરવા પ્રત્યે નિર્દેશ કરતાં તેમણે કહ્યું હતું કે અનેક સરકારી કર્મચારીઓ ઑટો-પરમિટ ધરાવે છે, જે તેમના માટે વધારાની આવકનો સ્રોત બની જાય છે. સરકારે તેમની પરમીટ રદ કરવી જોઈએ જેથી જરૂરતમંદ લોકોને એનો લાભ મળી શકે. 

યુનિયનની મુખ્ય માગણીઓ

- કોરોનાના વળતર તરીકે પ્રતિ માસ ૧૦,૦૦૦ રૂપિયા આપો

- દંડની રકમમાં ઘટાડો કરો

- લોન ચૂકવવા સક્ષમ ન હોય તેમને ન્યાય કરો

- ઑટો-ડ્રાઇવર્સની માગણી માટે વેલ્ફેર બોર્ડની સ્થાપના કરો

- સરકારી કર્મચારીઓને મુક્તપણે ઑટો-પરમિટ વહેંચવાનું બંધ કરો

mumbai mumbai news rajendra aklekar