નુકસાનીમાં રાહતની ડિમાન્ડ: વેપારીઓમાં પડી છે ઊભી તિરાડ

23 June, 2021 08:40 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

પાંચ સંગઠનોએ એક ફોરમ બનાવીને વડા પ્રધાનને પત્ર લખીને રાહત આપવા રજૂઆત કરી, પણ મતમતાંતર થતાં એમાં રાજ્યનાં બે મહત્ત્વનાં અસોસિએશન જ નથી જોડાયાં

કોરોનાનો માર તો પડ્યો જ છે, પણ જૂનમાં વરસાદે પણ વેપારીઓને હેરાન કર્યા છે. આવામાં વેપારી સંગઠનોએ સરકાર પાસે રાહતની વિનંતી કરી છે. (તસવીરઃ પી.ટી.આઇ.)

કોરાનાને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનને લીધે અનેક ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે. મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં દુકાનો હજી પણ મર્યાદિત સમય માટે જ ખોલવામાં આવી છે. એથી તેમને થયેલા નુકસાન સંદર્ભે રાહત આપવામાં આવે એવી રજૂઆત વેપારીઓના નવા જ રચાયેલા સંગઠન ટ્રેડર્સ યુનાઇટેડ ફોરમ ઑફ મહારાષ્ટ્ર (ટીયુએફઓએમ) દ્વારા કરાઈ છે. વેપારીઓનાં પાંચ સંગઠન ચેમ્બર ઑફ અસોસિએશન ઑફ  મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (કૅમિટ), મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ, ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચર (એમસીસીઆઇએ), ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન (એફઆરટીડબ્લ્યુએ), સ્ટીલ યુઝર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (સુફી) અને ધ મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશન (એમજીડીએ)નો ટીયુએફઓએમમાં સમાવેશ થાય છે.

આ ફોરમ બનાવવાના હેતુ વિશે ટીયુએફઓએમના કન્વીનર મોહન ગુરનાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારીઓ તરફથી એક જ સંગઠન, એક જ પ્લૅટફૉર્મથી રજૂઆત કરાય તો એનું વજન પડે અને વેપારીઓની એકતા પણ જળવાઈ રહે તેમ જ તેમની સમસ્યાઓનું નિરાકરણ આવે એવો આ સંગઠનનો ઉદ્દેશ છે. સંયુક્ત પ્રયાસ અને એકમેકનો સહકાર હંમેશાં સકારાત્મક પરિણામ લાવે છે.’

જોકે નવાઈની વાત એ છે કે આ ફોરમમાં વેપારીઓનાં બે મહત્ત્વનાં અસોસિએશન ફામ (ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર) અને કૅટ (ધ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ) સામેલ નથી.

ટીયુએફઓએમ દ્વારા વડા પ્રધાનને પત્ર લખીને જે રજૂઆત કરાઈ છે એમાં મુખ્યત્વે  વેપારીઓ દ્વારા જે લોન લેવાતી હોય છે એમાં ૫૦ લાખ રૂપિયા સુધીની લોન ભરવા માટે ૯૦ દિવસનો મોરેટોરિયમ પિરિયડ અપાય. એ સિવાય ૫૦ લાખની ઉપરની લોન હોય તો એમાં ૫૦ ટકા સુધીની વ્યાજમાફી મળે. માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝને અને હોમ લોન અને ટર્મ લોન લેનારાઓને પણ ઈએમઆઇ ભરવા માટે ૯૦ દિવસના મોરેટોરિયમનો લાભ અપાય અને એ સમય પર ઈએમઆઇ ન ભરો તો એના પર ૫૦ ટકા સાદું વ્યાજ જ લગાવાય અને પેનલ્ટી ન લગાવાય. વળી આ ઈએમઆઇ ભરવામાં જો મોડું થયું હોય તો એના કારણે વેપારીના ક્રેડિટ રેટિંગને અસર ન થવી જોઈએ. જીએસટી સહિત કેન્દ્ર સરકારના ટૅક્સિસ ભરવા માટે ૩ મહિનાની મુદત લંબાવી આપવી જોઈએ. એ જ રીતે યુટિલિટી બિલ જેવા કે લાઇટ બિલ, ઇન્શ્યૉરન્સ પ્રીમિયમમાં પણ ૩ મહિનાની મુદત લંબાવી આપવામાં આવે અને એના પર પણ વ્યાજ અને પેનલ્ટી ન લેવામાં આવે. બંદરો પર પણ લૉકડાઉનને કારણે અટવાઈ ગયેલા માલ પર ડેમરેજ લગાડવામાં ન આવે એવી રજૂઆત કરવામાં આવી છે.

ટીયુએફઓએમના કન્વીનર મોહન ગુરનાણી જે વર્ષો સુધી ફામના પ્રમુખ રહી ચૂક્યા છે એ સંસ્થા જ આ ફોરમ સાથે નથી સંકળાઈ. ૧૯૭૯થી વેપારીઓની રાજ્યવ્યાપી આ સંસ્થા સાથે રાજ્યનાં ૮૦૦ જેટલાં વેપારી સંગઠનો સંકળાયેલાં છે. આ બાબતે જ્યારે ‘મિડ-ડે’એ તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અમે ફામને સાથે આવવા કહ્યું હતું, પણ તેઓ અમારી સાથે નથી જોડાયા. લોકલ બૉડી ટૅક્સ (એલબીટી)ની લડત બાદ બનેલું કૅમિટ પણ રાજ્યવ્યાપી વેપારીઓનું સંગઠન છે.’

ફામના ડિરેક્ટર જનરલ આશિષ મહેતાને આ બાબતે પૂછતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને પણ ટીયુએફઓએમ સાથે જોડાવાનું કહેવાયું હતું. અમે તેમની સાથે મીટિંગો પણ કરી હતી. જોકે કેટલીક બાબતોએ મતમતાંતર થતાં અમે તેમની સાથે જોડાયા નથી.’

રાષ્ટ્રીય સ્તરે વેપારીઓની સમસ્યાઓની રજૂઆત કરતા વેપારીઓના સંગઠન કેઇટના નૅશનલ વાઇસ પ્રેસિડન્ટ કીર્તિ રાણાએ કહ્યું હતું કે ‘અમને ટીયુએફઓએમમાં જોડાવા કહેવાયું નહોતું. બેઝિકલી વેપારીઓની સમસ્યા દૂર થાય એ જ મૂળ હેતુ છે. બધાં સંગઠનો પોતપોતાની રીતે કામ કરે જ છે, પણ એમના રસ્તા અલગ-અલગ છે. બધાની મંઝિલ તો એક જ છે.’    

અમને પણ ટીયુએફઓએમ સાથે જોડાવાનું કહેવાયું હતું. અમે તેમની સાથે મીટિંગો પણ કરી હતી. જોકે કેટલીક બાબતોએ મતમતાંતર થતાં અમે તેમની સાથે જોડાયા નથી.

આશિષ મહેતા, ફામના ડિરેક્ટર જનરલ

mumbai mumbai news unlock bakulesh trivedi