22 June, 2024 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરતી યાદવ અને હત્યારો રોહિત યાદવ
વસઈમાં બનેલા આરતી યાદવ હત્યાકાંડમાં તેની હત્યા થઈ એ વખતે આ ઘટનાને મોબાઇલ ફોન પર ફિલ્માવનારા ટોળાનું પોલીસે નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે. વાલિવ પોલીસે અત્યાર સુધીમાં ૧૪ લોકોનાં નિવેદન નોંધ્યાં છે. આ નિવેદનોમાં તે નાગરિકો જેઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને તસવીરો લેતા હતા તેમનો અને રોહિત યાદવ હત્યા કરવા જ્યાંથી પાનું લાવ્યો હતો એ કંપનીના મૅનેજરનો સમાવેશ થાય છે.
બાવીસ વર્ષની આરતી યાદવને તેના ૨૯ વર્ષના બૉયફ્રેન્ડ રોહિત યાદવ દ્વારા વસઈના ગાવરાઈપાડામાં મુખ્ય રસ્તા પર લોખંડના પાનાથી માર મારવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રોહિતની ધરપકડ કરી હતી. હાલમાં તે ૬ દિવસની પોલીસ-કસ્ટડીમાં છે. પોલીસ આ સંવેદનશીલ કેસમાં વધુ ને વધુ મજબૂત પુરાવા એકઠા કરવાનો પ્રયાસ કરી રહી છે. હત્યા સમયે ભીડ તેમના મોબાઇલ ફોનથી હત્યાનો વિડિયો લઈ રહી હતી તેથી પોલીસે આ લોકોને શોધીને સાક્ષી બનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે આ લોકોના જવાબ નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં ૧૪ લોકોનાં નિવેદન નોંધ્યાં છે. હત્યા થઈ રહી હતી ત્યારે એક યુવક આગળ આવ્યો હતો, પરંતુ રોહિતે તેના પર પાનું ઉગામતાં તે પાછો ફર્યો હતો અને તે મહત્ત્વપૂર્ણ સાક્ષી હતો. જોકે હજી સુધી તે મળ્યો નથી.
આરોપી રોહિત હત્યાના એક અઠવાડિયા પહેલાં એક કંપનીમાંથી લોખંડનું પાનું છૂપી રીતે લઈને આવ્યો હતો. પોલીસે કંપનીની મુલાકાત લઈને ત્યાંના મૅનેજરનું નિવેદન પણ નોંધ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં રોહિત એકલો હતો.