મહિલાઓ સામેના ગુનામાં મહારાષ્ટ્રનો ત્રીજો ક્રમ

20 December, 2012 03:06 AM IST  | 

મહિલાઓ સામેના ગુનામાં મહારાષ્ટ્રનો ત્રીજો ક્રમ



મુંબઈને મહિલાઓ માટે સલામત શહેર માનવામાં આવે છે, પણ આ શહેરમાં મહિલાઓ સામે અત્યાચારના કેસ વધી રહ્યા છે. ૨૦૧૦-’૧૧ની સરખામણીમાં ૨૦૧૧-’૧૨માં બળાત્કાર અને વિનયભંગના કેસમાં વધારો થયો છે એ એની સાક્ષી પૂરે છે. પ્રજા ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર આ બે વર્ષમાં બળાત્કારના કેસમાં ૧૫ ટકાનો અને વિનયભંગના કેસમાં ૧૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.

૨૦૧૧-’૧૨માં બળાત્કારના ૨૦૭ અને વિનયભંગના ૫૫૨ કેસ નોંધાયા હતા. ૨૦૧૧માં છેડતીના ૪૩૦ કેસ નોંધાયા હતા.

મહિલાઓ સામે થતા અત્યાચારના કેસોમાં મહારાષ્ટ્ર દેશમાં ત્રીજા સ્થાને છે એમ નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના આંકડા કહે છે. ૨૦૦૭થી ૨૦૧૧ સુધીના બળાત્કાર, વિનયભંગ અને છેડતીના કેસના આંકડામાં ઉત્તર પ્રદેશ બાદ બીજા નંબરે આંધþ પ્રદેશ છે; જ્યારે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે. આ સમયગાળામાં ઉત્તર પ્રદેશમાં ૫૮,૧૨૦ લોકોની આવા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આંધþ પ્રદેશમાં ૪૨,૭૦૫ લોકોની ધરપકડ થઈ હતી. આ રાજ્યમાં બળાત્કારના કેસમાં ૭૬૯૨ લોકોની ધરપકડ થઈ હતી. મહારાષ્ટ્રમાં શારીરિક અત્યાચાર, વિનયભંગ અને છેડતીના કેસમાં પાંચ વર્ષમાં ૧૫,૩૪૧ લોકોની અને બળાત્કારના કેસમાં ૧૦,૩૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વરલીમાં ફિઝિયોથેરપિસ્ટ પર એસિડ-અટૅક હોય, બાંદરામાં વિદેશી યુવતી પર બળાત્કાર હોય કે પછી નજીક આવેલા થાણે જિલ્લાના ડોમ્બિવલી શહેરમાં યુવતીની છેડતીના કેસ હોય; મહિલાઓ હવે સલામતી અનુભવી રહી નથી. તેમની સામેના અત્યાચાર વધી રહ્યા છે. ૩ ડિસેમ્બરે ડોમ્બિવલીમાં એક યુવતીની છેડતી કરી રહેલા યુવાનોની સામે થયેલા સંતોષ વીંછીવોરા નામના ૧૯ વર્ષના કચ્છી યુવાનની હત્યા ૧૬ વર્ષના સગીરે તેના પાંચ સાથીઓ સાથે મળીને કરી હતી. પવઈમાં નવરાત્રિ વખતે છોકરીઓની છેડતી કરી રહેલા એક ગ્રુપની સામે થનારા ૧૯ વર્ષના એક યુવાનની હત્યા કરવામાં આવી હતી.

લેડી-કૉન્સ્ટેબલની ટીમ

મુંબઈપોલીસે હવે દરેક પોલીસ-સ્ટેશનમાં મહિલાઓ સામેના અત્યાચારના ગુનાઓમાં તપાસ કરવા માટે પાંચ મહિલા-કૉન્સ્ટેબલની ટીમ બનાવી છે. પોલીસ-કમિશનર ડૉ. સત્યપાલ સિંહ પણ શહેરમાં અપરાધો ઓછા કરવા માટે ‘મિશન મૃત્યુંજય’ નામનું અભિયાન ચલાવી રહ્યા છે.