ક્યા કરેં, ક્યા ના કરેં?

12 January, 2021 08:32 AM IST  |  Mumbai

ક્યા કરેં, ક્યા ના કરેં?

મકર સક્રાન્તિને માંડ બે દિવસ બચ્યા છે ત્યારે પતંગોત્સવ મનાવવા બધા થનગની રહ્યા છે, પરંતુ કોરોનાને લીધે આ વર્ષે તેઓ ‘કાઇપો છે...’ ચિલ્લાઈ શકશે કે નહીં એની સ્પષ્ટતા સરકાર તરફથી હજી કરવામાં નથી આવી. ગુજરાતમાં સરકારે અગાસી પર પાંચથી છ કરતાં વધુ લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ મૂક્યો છે, પણ મહારાષ્ટ્ર સરકાર કે પોલીસ દ્વારા હજી સુધી આવી કોઈ ગાઇડલાઇન્સ જારી કરાઈ ન હોવાથી મુંબઈના પતંગરસિયાઓ પતંગ ઉડાડવાનું આયોજન કરવું કે નહીં એની મૂંઝવણ અનુભવી રહ્યા છે.

લૉકડાઉનમાં કેટલીક છૂટછાટ અપાયા બાદ ગણેશોત્સવ, નવરાત્રિ, દિવાળી, ઈદ, ક્રિસમસ અને ન્યુ યર જેવા મોટા તહેવારોની ઉજવણી કરવા બાબતે ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી હતી એથી લોકોને ખ્યાલ હતો કે નિયમોનું પાલન નહીં કરીએ તો દંડ થશે, પણ ઉત્તરાયણના તહેવારમાં અત્યાર સુધી આવી કોઈ ગાઇડલાઇન કે સૂચના અપાઈ નથી. ગુજરાતમાં મોટા પાયે પતંગોત્સવ યોજાતા હોવાથી સરકારે લોકોને જાહેરમાં પતંગ ઉડાડવા સામે પ્રતિબંધ મૂકવાની સાથે સોસાયટીઓમાં બહારના લોકોને આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, એટલું જ નહીં, માત્ર પરિવારજનો પોતાની અગાસી પર જ પતંગ ઉડાડી શકશે. ૧૦ વર્ષથી નાની અને ૬૫ વર્ષથી મોટી ઉંમરના લોકોને પતંગોત્સવમાં સામેલ ન થવાની સૂચના પણ અપાઈ છે.

ઉત્તરાયણમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગ્રુપ બનાવીને ડીજે, નાસ્તા-પાણી અને પતંગ તથા દોરી સાથે અગાસી પર પહોંચી જાય છે. દક્ષિણ મુંબઈમાં કેટલાંક સ્થળોમાં સેન્ટ્રલ મુંબઈમાં ઘાટકોપર અને મુલુંડ તથા વેસ્ટર્ન મુંબઈમાં મલાડથી લઈને ભાઈંદર સુધી દર વર્ષે ઉત્તરાયણમાં મોટા ભાગના ગુજરાતીઓ અગાસી પર જ પતંગ ઉડાડતા હોય છે. બે દિવસ પછી મકર સક્રાન્તિ છે, પરંતુ કોવિડનો ડર અને ફ્રેશ ગાઇડલાઇન્સ હજી સુધી ન જારી કરાતાં જોઈએ એવો માહોલ નથી.

બોરીવલીમાં રહેતા કમલ જોષીને પતંગ ચગાવવાનો જબરો શોખ છે. તેમનું ૧૫થી ૨૦ ફ્રેન્ડનું ગ્રુપ દર વર્ષે આ તહેવારની આતુરતાથી રાહ જોતું હોય છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગણેશોત્સવથી દિવાળી સુધી કોવિડની સ્થિતિ ગંભીર હતી, પરંતુ હવે થોડું સામાન્ય થઈ ગયું છે ત્યારે મકર સંક્રાન્તિમાં પતંગ ઉડાડીને એન્જૉય કરવાનો પ્લાન બનાવ્યો છે, પરંતુ સોશ્યલ ડિસ્ટન્સિંગથી લઈને કોણ અને કેટલા લોકો એકસાથે અગાસી પર એકત્રિત થઈ શકે છે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

દર વર્ષે મિત્રો અને પરિવારજનો સાથે ઉત્તરાયણમાં સવારથી જ અગાસી પર પહોંચી જતી ઊર્મિ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષોથી અમે ફ્રેન્ડ્સ સાથે પતંગ ઉડાડીએ છીએ. સવારથી સાંજે અંધારું થાય ત્યાં સુધી ડીજેના તાલ પર નાચગાન, ચાપાણી-નાસ્તો અને પતંગ ઉડાડવાની મજા માણીએ છીએ. કોવિડના લાંબા લૉકડાઉનને લીધે ઘરમાં કંટાળેલા હોવાથી અગાસી પર જઈને ખૂલ્લી હવામાં પતંગ ઉડાડવાની ખૂબ ઇચ્છા છે, પણ પોલીસ-કાર્યવાહીનો ડર લાગે છે.’

મીરા રોડ રહેતા અનિલ પટેલને પતંગનો જબરો શોખ હોવાથી તે પતંગની મુંબઈમાં આવેલી મેઇન માર્કેટમાંથી કારમાં સમાય એટલી પતંગ લાવીને રાખે છે. જોકે આ વખતે તેણે પતંગ લાવવાનું માંડી વાળ્યું છે. તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દર વર્ષની માફક આ વખતે દક્ષિણ મુંબઈની હોલસેલ બજારમાં પતંગ ખરીદવા જવામાં કોવિડનું સંક્રમણ થવાનો ભય હોવાથી મેં આસપાસથી થોડી પતંગો ખરીદી રાખી છે. હજી સુધી કેટલા લોકો અગાસી કે કોઈ સાર્વજનિક સ્થળે પતંગ ઉડાડી શકે એની કોઈ સ્પષ્ટતા નથી થઈ એટલે બીજા તહેવારોની જેમ આ પતંગોત્સવ પણ એમ જ જતો રહે એવું લાગે છે.’

છેલ્લા ચાર દિવસથી આ સંદર્ભે ‘મિડ-ડે’ રાજ્યના ગૃહપ્રધાનથી લઈને પોલીસ-કમિશનરનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે, પણ હજી સુધી તેમના તરફથી ‘મિડ-ડે’એ મોકલેલા મેસેજિસનો પણ કોઈ જવાબ નથી આવ્યો. જોકે મુંબઈ પોલીસના એક સિનિયર આઇપીએસ ઑફિસરે નામ ન લખવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉન બાદથી તમામ તહેવારો માટે જે ગાઇડલાઇન્સ લાગુ કરાઈ છે એ સક્રાન્તમાં પણ કાયમ રખાઈ છે. મકર સંક્રાન્તિ માટે કોઈ નવી ગાઇડલાઇન્સ જારી નથી કરાઈ. આમ પણ પતંગોત્સવમાં લોકો દૂર-દૂરથી જ પતંગ ઉડાડતા હોય છે એટલે કોઈને કોવિડનું સંક્રમણ હોય તો એનો ચેપ બીજા કોઈને લાગવાનો ચાન્સ રહેતો નથી.’

માર્કેટમાં પતંગની નહીંવત્ ડિમાન્ડ

મકર સંક્રાન્તિનો તહેવાર બે દિવસ દૂર હોવા છતાં સાઉથ મુંબઈમાં આવેલી પંતગની હોલસેલ અને રીટેલ માર્કેટ પર કોવિડની અસર વર્તાઈ રહી છે. મોટા ભાગના વેપારીઓ કહે છે કે બે વર્ષથી અમારા બિઝનેસમાં મંદી આવી ગઈ છે. પહેલાં નોટબંધી, પછી ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ અને બાકી રહ્યો હતો તો આ વર્ષે કોવિડની મહામારીને લીધે ગયા વર્ષ કરતાં બિઝનેસમાં વધુ મંદી આવી ગઈ છે. બધાનો બિઝનેસ ૨૦થી ૪૦ ટકા જ છે.

ભીંડીબજારના એસ. એસ. બરેલી કાઇટ સેન્ટરના માલિક હાજી મુકિમ બાપ-દાદાના સમયથી પતંગ અને માંજાના બિઝનેસમાં છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૬૫ વર્ષ જૂના બિઝનેસમાં નોટબંધી અને જીએસટી આવ્યા પછી બે વર્ષ જેવી મંદી ક્યારેય જોવા મળી નથી. આ વર્ષે અત્યાર સુધીમાં બિઝનેસ ગયા વર્ષની સરખામણીમાં ફક્ત ૪૦ ટકા જ છે. કોવિડને કારણે

લોકોમાં મકર સંક્રાન્તિનો ઉત્સાહ જોવા મળતો નથી.’

ડોંગરીમાં ૭૫ વર્ષથી પતંગ અને માંજાનો બિઝનેસ કરી રહેલા મોહમ્મદ મલિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડને કારણે આ સીઝનમાં ફક્ત ૨૫ ટકા લોકો જ પતંગની ખરીદી કરવા બહાર નીકળ્યા છે. બિઝનેસ સાવ ઠંડો છે.’

વાલકેશ્વરમાં ૮ વર્ષથી પતંગનો બિઝનેસ કરી રહેલા કચ્છી વેપારી વિનય વિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નોટબંધી અને જીએસટી પછી તહેવારનો ઉત્સાહ સાવ ઓસરી ગયો છે. મકર સંક્રાન્તિમાં છેલ્લાં બે–ત્રણ વર્ષથી બિઝનેસ સાવ ઘટી ગયો છે. બે દિવસ બાકી છે, પણ હજી સુધી ઑલમોસ્ટ ઝીરો ડિમાન્ડ છે.’

બાપ-દાદાના જમાનાથી પતંગ મૅન્યુફૅક્ચરર અને હોલસેલનો બિઝનેસ કરી રહેલા લકી ભારત કાઇટ શૉપના અહમદ કાજીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે આ સમયે અમને ફોન પર કોઈની સાથે વાત કરવાની ફુરસદ નહોતી. કોવિડને કારણે અત્યારે ફક્ત ૨૦ ટકા બિઝનેસ છે. અમારી પતંગો દેશ-વિદેશમાં પણ વેચાય છે.’

maharashtra mumbai mumbai news makar sankranti prakash bambhrolia