રાજ્ય સરકારે આ માટે ૧૫ કરોડ રૂપિયા ફાળવ્યા, એક આઇએએસ ઑફિસરની નિયુક્તિ

29 May, 2020 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકારે આ માટે ૧૫ કરોડ રૂપિયા ફાળવ્યા, એક આઇએએસ ઑફિસરની નિયુક્તિ

વસઈની સનસિટીમાં પરપ્રાંતીયોની ખરાબ હાલતના ‘મિડ-ડે’ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોતાના વતન જવાની રાહ જોઈ રહેલા પરપ્રાંતીયો માટે વધુ ૪૦,૦૦૦ સ્ક્વેર ફુટ વિસ્તારના ટેન્ટ્સ પણ બાંધવામાં આવ્યા હતા. ગઈ કાલે વસઈ સ્ટેશન પરથી ટ્રેન પકડવા માટે વધુ સંખ્યામાં પરપ્રાંતીયો આવ્યા હતા. (તસવીર: સુરેશ કરકેરા)

કોરોના સામેની લડતમાં સફળતાપૂર્વક કામ કરી રહેલા મીરા-ભાઈંદર મહાનગરપાલિકા ક્ષેત્રમાં ૧૦૦૦ બેડની અત્યાધુનિક હૉસ્પિટલ ઊભી કરવા માટે રાજ્ય સરકારે ૧૫ કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. નવી હૉસ્પિટલની સાથે મેડિકલના કામકાજની વ્યવસ્થા માટે એક ડેડિકેટેડ આઇએએસ ઑફિસર પણ મીરા-ભાઈંદરને ફાળવવામાં આવશે.

મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદરમાં અત્યાર સુધી કોરોનાના ૫૭૭ દરદીઓ નોંધાયા છે. આ માટે અત્યારે ૧૦૦ બેડની એકમાત્ર પંડિત ભીમસેન જોષી (ટેમ્બા) હૉસ્પિટલ જ છે. અહીં તમામ પ્રકારની સુવિધા છે, પરંતુ જે રીતે કોરોનાના દરદીઓ વધી રહ્યા છે એ માટે મોટી અને કોવિડ સ્પેશ્યલ હૉસ્પિટલની જરૂર પડશે એવી રજૂઆત શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે કરી હતી.

રાજ્ય સરકારે આ માગણીને સ્વીકારીને હૉસ્પિટલ ઊભી કરવા મીરા-ભાઈંદરને ૧૫ કરોડ રૂપિયા ફાળવવાની સાથે કોરોનાના કામકાજને જોવા માટે એક ડેડિકેટેડ આઇએએસ ઑફિસર આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હોવાનું શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે કહ્યું હતું.

રાજ્ય સરકારથી મળનારી રકમમાંથી ઇમર્જન્સી રિસ્પૉન્સ સિસ્ટમ શરૂ કરાશે, જેથી મીરા-ભાઈંદરમાં રહેતી કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક મદદ અને સારવાર મળી રહેશે. નવી હૉસ્પિટલમાં વેન્ટિલેટર સહિત તમામ સુવિધા હશે. આ સિવાય ચોમાસામાં ખુલ્લા મેદાનનો ઉપયોગ નહીં થઈ શકે એટલે પ્રશાસન ઊંચી ઇમારતોને રેન્ટ પર લેવાનો પ્લાન કરી રહ્યું છે.

coronavirus covid19 mumbai mumbai news mira road bhayander