રાજ્ય સરકારે ૫ અને ૬ જુલાઈએ મુંબઈમાં ચોમાસુ સત્ર બોલાવવાની જાહેરાત કરી

23 June, 2021 08:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફક્ત બે દિવસના અધિવેશનનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ : વિરોધ પક્ષ

ફાઈલ તસવીર

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારે કોરોનાની અત્યારની અને સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગામી ૫ અને ૬ જુલાઈએ બે દિવસનું ચોમાસુ સત્ર બોલાવવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. વિરોધ પક્ષે સરકારના નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું છે કે મરાઠા આરક્ષણ સહિતના અનેક મહત્ત્વના મુદ્દાથી સરકાર ભાગવા માગતી હોવાથી માત્ર કહેવા ખાતર સત્ર બોલાવ્યું છે.

બે દિવસના વિધાનસભાના સત્ર માટે ૩ અને ૫ જુલાઈએ વિધાનભવનમાં આરટી-પીસીઆર કોરોના ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરાઈ છે. આ સત્રમાં વૅક્સિનના બન્ને ડોઝ લીધા હોય એવા જ વિધાનસભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓને પ્રવેશ આપવામાં આવશે. અધિવેશન સમયે મંત્રાલયના પરિસરમાં ગિરદી ન થાય એ માટે પર્સનલ અસિસ્ટન્ટ, ડ્રાઇવર અને સિક્યૉરિટી ગાર્ડને બેસવા માટે તંબુની વ્યવસ્થા કરાશે. કૅબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાન સાથે એક જ અધિકારીને પ્રવેશ અપાશે. આ સિવાય આ સમય દરમ્યાન મંત્રાલયના મર્યાદિત અધિકારી અને કર્મચારીઓને જ જવા દેવાશે.

વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ખેડૂતો, સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, વિવિધ સમાજના લોકોની સમસ્યા છે તથા મરાઠા તેમ જ ઓબીસી આરક્ષણની ચર્ચા માટે વિશેષ અધિવેશનની માગણી કરાઈ રહી છે ત્યારે માત્ર બે જ દિવસનું ચોમાસુ સત્ર બોલાવવાનો રાજ્ય સરકારનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. ત્રણ પક્ષોના ઝઘડામાં જનતાને શા માટે ખાડામાં નખાઈ રહી છે?  મહત્ત્વના મુદ્દા પરની ચર્ચાથી ભાગવા માગતી હોવાથી માત્ર દેખાવ ખાતર સરકારે અધિવેશનની જાહેરાત કરી છે.’

mumbai mumbai news mumbai monsoon