બીજેપીના અધ્યક્ષે રોટલી બનાવતા શીખીને પત્નીને મદદ કરવી જોઈએ

27 May, 2022 09:27 AM IST  |  Mumbai | Agency

સુપ્રિયા સુળેને ઘરે જઈને રસોઈ બનાવવાનું કહેનારા રાજ્ય બીજેપીના અધ્યક્ષે રોટલી બનાવતા શીખીને પત્નીને મદદ કરવી જોઈએ, આવી તીખી પ્રતિક્રિયા આપી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે કહ્યું કે બીજેપી મહિલાઓ પ્રત્યે પૂર્વગ્રહ ધરાવે છે

સુપ્રિયા સુળે (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્ર બીજેપીના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે એનસીપીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેને રાજકારણમાં પડવાને બદલે ઘરે જઈને રસોઈ બનાવવાની કરેલી ટિપ્પણીને કારણે વિવાદ સર્જાયો છે. એનસીપીએ આ નિવેદન અંગે તીખી પ્રતિક્રિયા આપી છે.
ચંદ્રકાંત પાટીલે બુધવારે મુંબઈમાં રાજ્યના બીજેપી એકમ દ્વારા અન્ય પછાત વર્ગોને ચૂંટણીમાં અનામત આપવાની કરેલી માગણી દરમિયાન ઉપરોક્ત નિવેદન કર્યું હતું. જોકે બીજેપીના નેતાએ ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે તેમના શબ્દો ગ્રામીણ લઢણથી બોલાયા હતા અને તેમનો ઇરાદો મહિલાઓ કે સુપ્રિયા સુળેનું અપમાન કરવાનો નહોતો. ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે જ્યારે પણ હું સુપ્રિયા સુળેને મળું છું ત્યારે અમે આદરથી એકબીજાનું અભિવાદન કરીએ છીએ.
બુધવારે બીજેપીએ વિરોધ-પ્રદર્શન દરમિયાન સુપ્રિયા સુળે પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે ‘તમે (સુપ્રિયા) રાજકારણમાં શા માટે છો? ઘરે જાઓ અને રસોઈ બનાવો. દિલ્હી જાઓ કે કબ્રસ્તાનમાં જાઓ, પણ અમને ઓબીસી ક્વોટા આપો. એવું શી રીતે બને કે લોકસભાનાં સભ્ય હોવા છતાં તમે મુખ્ય પ્રધાનની અપૉઇન્ટમેન્ટ કેવી રીતે લેવી એ ન જાણતાં હો?’
તેમની આ ટિપ્પણી પર એનસીપીની રાજ્ય મહિલા પાંખનાં પ્રમુખ વિદ્યા ચવાણે નામ લીધા વિના કહ્યું હતું કે ‘અમને ખબર છે કે તમે મનુસ્મૃતિમાં માનો છો, પણ અમે હવે ચૂપ નહીં રહીએ. તેમણે રોટલી બનાવતાં શીખવું જોઈએ, જેથી તેઓ તેમનાં પત્નીને ઘરે મદદ કરી શકે.’
સુપ્રિયા સુળેના પતિ સદાનંદ સુળેએ પણ બીજેપી નેતાની ટિપ્પણીની ટીકા કરતાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ‘મહારાષ્ટ્ર બીજેપીના પ્રમુખે સુપ્રિયા વિશે આ ટિપ્પણી કરી છે. હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે તેઓ (બીજેપી) મહિલાઓ પ્રત્યે પૂર્વગ્રહ ધરાવે છે અને તક મળે ત્યારે મહિલાઓનું અપમાન કરે છે.’

Mumbai mumbai news supriya sule bharatiya janata party