મીરા રોડની સેન્ટ પૉલ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓના જીવ મુકાયા જોખમમાં

01 November, 2012 06:54 AM IST  | 

મીરા રોડની સેન્ટ પૉલ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓના જીવ મુકાયા જોખમમાં



મીરા રોડમાં આવેલી સેન્ટ પૉલ હાઈ સ્કૂલના ગેટ પાસેના જ રસ્તા પર મોટા નાળાનું કામ, મહાપાલિકાનો કૉન્ટ્રૅક્ટર ગાયબ થઈ ગયો હોવાથી છેલ્લા ઘણા વખતથી રખડી પડ્યું છે. આ નાળામાં કેબલના વાયરો ખુલ્લા પડ્યા છે તેમ જ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ત્યાંથી ચાલી પણ ન શકાય. આવી પરિસ્થિતિ હોવાને કારણે સ્કૂલના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય એમ છે. વાલીઓએ, સ્કૂલપ્રશાસને વારંવાર મહાપાલિકા પ્રશાસન પાસે ફરિયાદ કરી હોવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. 

મીરા રોડના સૃષ્ટિ વિસ્તારના નિત્યાનંદનગરમાં આવેલી ઇંગ્લિશ મિડિયમની સેન્ટ પૉલ હાઈ સ્કૂલમાં કેજીથી લઈને ૧૦મા ધોરણ સુધીના ૩૫૦૦ વિદ્યાર્થીઓ ભણે છે. આ સ્કૂલે જવાના મુખ્ય રસ્તા પર અસંખ્ય ખાડા પડ્યા છે અને રસ્તાની હાલત ભારે કફોડી છે. મીરા-ભાઈંદર મહાપાલિકા દ્વારા સ્કૂલના મુખ્ય રસ્તા પર નાળાનું કામ જુલાઈ મહિના પહેલાં શરૂ કર્યું હતું. પણ મહાપાલિકાએ જે કૉન્ટ્રૅક્ટરને આ કામ સોંપ્યું હતું તે ગાયબ થઈ ગયો હોવાથી નાળાનું કામ રખડી પડ્યું છે. નાળાના કામને કારણે રસ્તાની હાલત પણ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે સ્કૂલ-મૅનેજમેન્ટે સ્કૂલનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું હોવા છતાં સ્કૂલને બંધ રાખી હતી. સ્કૂલ-મૅનેજમેન્ટે વિદ્યાર્થીઓના હિત માટે ૨૦ જૂનથી ૨૭ જૂન સુધી સ્કૂલ બંધ રાખી હતી, જેથી કરીને સ્થાનિક નગરસેવક રાજુ ભોઈરે પોતાને ખર્ચે ત્યાંનો રસ્તો ટેમ્પરરી બનાવી આપતાં સ્કૂલ શરૂ થઈ ગઈ હતી, પણ વરસાદ પછી રસ્તો ફરી ખરાબ થઈ ગયો છે. રસ્તાની હાલત તેમ જ ખુલ્લા પડેલા નાળાને કારણે વાલીઓ બાળકોને સ્કૂલે મોકલતાં ગભરાઈ રહ્યા છે. આ સમસ્યાથી સ્કૂલ-મૅનેજમેન્ટ પણ હેરાન થઈ ગયું છે, કેમ કે સ્કૂલબસને પણ આવતાં-જતાં ઘણા પ્રૉબ્લમ થઈ રહ્યા છે.

આ સ્કૂલમાં ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘બાળકોના અભ્યાસમાં કંઈ નુકસાન ન થાય એટલા માટે અમે બાળકોને સ્કૂલે તો મોકલીએ છીએ, પણ રસ્તાની હાલત અને ખુલ્લા પડેલા નાળાને કારણે ભારે ચિંતા રહે છે. તેથી હવે બાળકોને સમય પહેલાં લેવા અને મૂકવા જવું પડે છે. નાળામાં કેબલના વાયરો ખુલ્લા પડ્યા છે અને કરન્ટ પણ લાગી શકે એમ છે. સ્કૂલના આખા પરિસરના રસ્તા પર કાદવ-કીચડ ફેલાયેલો હોય છે તેમ જ રસ્તા પર અસંખ્ય ખાડા પણ પડેલા છે. આ બધાને કારણે ટ્રાફિક પણ જૅમ થાય છે, તેથી બાળકોને સ્કૂલે મોકલતાં ભારે ગભરાઈએ છીએ. અમે બધા વાલીઓ મળીને સ્કૂલ-મૅનેજમેન્ટ પાસે તેમ જ મહાપાલિકા પાસે કેટલીયે વાર ફરયિાદ કરી છે, એમ છતાંય કોઈ પગલાં લેવામાં આવતાં નથી. અમારાં બાળકોના જીવ ભારે જોખમમાં છે.’

સ્કૂલના મૅનેજિંગ ટ્રસ્ટી અબ્રાહિમ છાકોએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે,‘ સ્કૂલ-મૅનેજમેન્ટ પણ આ સમસ્યાથી હેરાન થઈ ગયા છે. નાળો ખુલ્લો પડ્યો હોવાને કારણે બાળકો બહાર જાય નહીં એનું ખાસ ધ્યાન રાખીએ છીએ. હું પોતે કેટલીય વાર પ્રશાસન અને સ્થાનિક નગરસેવક પાસે ફરિયાદ લઈને ગયો છું પણ કોઈ પગલા લેવામાં આવતા નથી. વાલીઓ પણ દરરોજ અમારી પાસે આવીને ફરિયાદ કરે છે. હાલમાં જ મેં મહાપાલિકા પ્રશાસને વિનંતી પત્ર લખી દિવાળી વેકેશનમાં કામ પૂરું કરવા વિનંતી કરી છે. આ કામ જલદી થઈ જાય એની સ્કૂલ-મૅનેજમેન્ટ પણ રાહ જોઈ રહ્યા છીએ કેમ કે અમને પણ બાળકોને આવી રીતે સ્કૂલે બોલાવવા ભય લાગી રહ્યો છે.’

સ્થાનિક નગરસેવકનું શું કહેવું છે?


આ વિશે સ્થાનિક નગરસેવક રાજુ ભોઈરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેં સ્કૂલની મુલાકાત લીધી હતી અને પોતાના ખર્ચે સ્કૂલને ત્યાંનો રસ્તો ટેમ્પરરી બનાવી આપ્યો હતો, જેથી કરીને સ્કૂલ પણ શરૂ થઈ ગઈ હતી. હવે પાકો રસ્તો બનાવી આપવો એ મીરા-ભાઈંદર મહાપાલિકા પ્રશાસનની જવાબદારી છે.’

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા પ્રશાસનનું શું કહેવું છે?

આ વિશે મીરા-ભાઈંદર મહાપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દીપક ખાંભીતે કહ્યું હતું કે ‘ આ વિશે અમને ફરિયાદ મળી છે. ટૂંક સમયમાં અહીંનું કામ શરૂ કરવામાં આવશે.’