એસટી બસના કર્મચારીની પ્રામાણિકતા ૬૦,૦૦૦ સાથેનું પર્સ મહિલાને આપ્યું

12 December, 2020 11:52 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

એસટી બસના કર્મચારીની પ્રામાણિકતા ૬૦,૦૦૦ સાથેનું પર્સ મહિલાને આપ્યું

ડ્રાઇવર બાબાસાહેબ શેખ (ડાબે) અને કન્ડક્ટર તન્વીર રાજે

એક પૅસેન્જરનું ૬૦,૦૦૦ રૂપિયા ભરેલું પર્સ પરત કરીને પ્રામાણિકતાનું ઉમદા દૃષ્ટાંત પૂરું પાડનારા મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન કૉર્પોરેશન (એમએસઆરટીસી)ના બે કર્મચારીઓ – ડ્રાઇવર અને બસ કન્ડક્ટરની પ્રશંસા કરવામાં આવી રહી છે. રાજ્ય પરિવહન પ્રધાને બન્ને કર્મચારીઓને અભિનંદન પાઠવવા માટે ગુરુવારે રાત્રે તેમને ફોન કર્યો હતો.

એમએસઆરટીસીના અધિકારીએ જણાવ્યા પ્રમાણે શિવનેરી ક્લાસ બસ ગુરુવારે પાલઘર-સ્વારગેટ રૂટ પર હતી. મહિલા પેસેન્જર પિંપરી-ચિંચવડ નજીકથી બસમાં ચઢી હતી. તે છેલ્લા સ્ટોપ પુણેના સ્વારગેટ પર ઊતરી હતી.

તમામ પૅસેન્જરો ઊતરી ગયા બાદ બસ તપાસતાં બસ ડ્રાઇવર બાબાસાહેબ શેખ અને કન્ડક્ટર તન્વીર રાજેને બસમાંથી થોડી રોકડ અને દસ્તાવેજો સાથેનું પર્સ મળી આવ્યું હતું. તેમણે પર્સના માલિકના સંપર્કની વિગતો મેળવીને મહિલાનો સંપર્ક સાધ્યો હતો. બન્ને કર્મચારીઓએ જ્યારે ડેપો ખાતે મહિલાને તેનું પર્સ પરત કર્યું ત્યારે મહિલાની આંખો આંસુથી છલકાઈ ઊઠી હતી.

પરિવહન પ્રધાન અનિલ પરબે જણાવ્યું હતું કે આ ઘટના તેમના હૃદયને સ્પર્શી ગઈ હતી. આવી ઘટનાઓથી આપણે ગર્વની લાગણી અનુભવીએ છીએ અને સાથે જ પ્રવાસીઓમાં એમએસઆરટીસી પ્રત્યેના વિશ્વાસ અને ભરોસાની ભાવના જન્મે છે, એમ તેમણે જણાવ્યું હતું.

કોઈના રૂપિયા લઈ લેવાનું અમારા લોહીમાં નથી. કોરોના લૉકડાઉનમાં કાર્યરત રહેલી એમએસઆરટીસીની પ્રતિષ્ઠા જાળવવી જરૂરી છે, તેમ ડ્રાઇવર બાબાસાહેબ શેખે જણાવ્યું હતું. તો કન્ડક્ટર તન્વીર રાજેએ જણાવ્યું હતું કે પ્રામાણિકતાપૂર્વક અને ગંભીરતાથી કામ કરવું એ તેમની ફરજ છે.

mumbai mumbai news brihanmumbai electricity supply and transport rajendra aklekar