ડ્રગ્સ કેસમાં NCBએ સારા, રકુલ અને સિમોન ખંભાતાનાં નામ કન્ફર્મ કર્યાં

15 September, 2020 09:43 AM IST  |  Mumbai | Faizan Khan

ડ્રગ્સ કેસમાં NCBએ સારા, રકુલ અને સિમોન ખંભાતાનાં નામ કન્ફર્મ કર્યાં

સારા અલી ખાન, રકુલ પ્રિત અને સિમોન ખંભાતા

સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ-ઍન્ગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ કહ્યું છે કે ‘કેસની તપાસ દરમ્યાન સારા અલી ખાન, રકુલ પ્રિત અને સિમોન ખંભાતાનાં નામ બહાર આવ્યાં છે. ડ્રગ સિન્ડિકેટમાં તેમનો શું રોલ હતો એ બાબતે હાલમાં તપાસ ચાલી રહી છે. તેમની પૂછપરછ માટે થોડા જ વખતમાં તેમને સમન્સ મોકલાવી બોલાવવામાં આવશે.’

શરૂઆતમાં જ્યારે આ અભિનેત્રીઓનાં નામ ચર્ચાઈ રહ્યાં હતાં ત્યારે એનસીબીએ એ વિશે કશી સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. જ્યારે હવે એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ ‘મિડ-ડે’ને કહ્યું છે કે તપાસ દરમ્યાન સારા અલી ખાન, રકુલ પ્રિત અને સિમોન ખંભાતાનાં નામ બહાર આવ્યાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ નામ રિયા ચક્રવર્તીએ તેનું જ્યારે સ્ટેટમેન્ટ નોંધાઈ રહ્યું હતું ત્યારે આપ્યાં હતાં. એનસીબીના ઑફિસરોને રિયા અને શૌવિકના મોબાઇલ ફોનમાંથી માહિતી મળી હતી એ દર્શાવી રહી છે કે ઉપરોક્ત ત્રણે અભિનેત્રીઓ પણ ડ્રગ મેળવવા તેમની સેવા લેતી હતી.

બીજી બાજુ રિયા અને શૌવિકના વકીલ સતીશ માનશિંદેને એનસીબી કોર્ટે ગયા અઠવાડિયે રિયા અને શૌવિકની જામીન અરજી નકારી એના ઑર્ડરની કૉપી મળી ગઈ છે. કોર્ટે તેમની એ જામીન અરજી નામંજૂર કરતાં એ ઑર્ડરમાં કહ્યું છે કે ‘પ્રોસિક્યુશનના જણાવ્યા મુજબ આરોપીએ અન્ય લોકોનાં નામનો ઉલ્લેખ કર્યો છે. તે લોકોની તપાસ હાલ ચાલી રહી છે. જો આરોપીઓને જામીન મંજૂર કરી છોડવામાં આવશે તો તે લોકો તે અન્ય લોકોને સતર્ક કરી દેશે અને તે લોકો પુરાવાનો નાશ કરશે. એ પણ શક્યતા છે કે પુરાવા સાથે ચેડાં થઈ શકે. એથી આ પરિસ્થિતિમાં આરોપીઓને જામીન ન આપી શકાય.’

રિયાના વકીલ સતીશ માનશિંદે મંગળવાર અથવા બુધવારે હાઈ કોર્ટમાં ધા નાખી શકે છે. તેમણે કહ્યું હતું કે ‘અમે કોર્ટના ઑર્ડરનો અભ્યાસ કરીશું. એનસીબીને લઈને એ ઑર્ડરના અમલ અને ત્યાર બાદ એમાં થનારા ડેવલપમેન્ટ વિશે વિચાર્યા બાદ એ વિશે નિર્ણય લઈશું.’

mumbai mumbai news faizan khan rhea chakraborty sushant singh rajput sara ali khan rakul preet singh Crime News mumbai crime news