શરદ પવારને તરછોડી દેનારા અજિત પવારની છડેચોક ટીકા કરી નાના ભાઈ શ્રીનિવાસ પવારે

19 March, 2024 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાઈએ મોટી ઉંમરના કાકાનો ત્યાગ કરીને બરાબર નથી કર્યું

મોટા ભાઈએ મોટી ઉંમરના કાકાનો ત્યાગ કરીને બરાબર નથી કર્યું

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવારની નાના ભાઈ શ્રીનિવાસ પવારે કાકા શરદ પવારને ત્યજી દેવા બદલ ટીકા કરી હોવાનો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. બારામતીના કાટેવાડી વિસ્તારમાં ૬૦ વર્ષના શ્રીનિવાસ પવારે રવિવારે જનતા સાથે સંવાદ સાધ્યો હતો. આ સંવાદના વાઇરલ થયેલા વિડિયોમાં તેઓ બોલતા સંભળાય છે કે ‘અજિત પવારના સારાનરસા સમયે શરદ પવાર કાયમ ઊભા રહ્યા. શરદ પવારને લીધે જ અજિત પવાર ચાર વખત નાયબ મુખ્ય પ્રધાન અને ૨૫ વર્ષ પ્રધાનપદે રહ્યા. પક્ષમાં ફૂટ પડ્યા બાદ કોઈ શરદ પવાર વિશે ખરાબ બોલે તો એ સારું નથી. કાકાથી જુદા થયા ત્યારે મેં અજિત પવારને કહ્યું હતું કે તમે બારામતી વિધાનસભામાં ચૂંટણી લડશો અને અહીંની લોકસભા મતદારસંઘની ચૂંટણી શરદ પવારના માર્ગદર્શનમાં યોજાશે. ઘણા મિત્રોએ મને કહ્યું કે ભવિષ્ય અજિત પવાર સાથે છે એટલે તેમની સાથે જાઓ, પણ કાકા ૮૩ વર્ષના થયા છે ત્યારે તેમને ત્યજવાનું મને યોગ્ય નથી લાગતું. અજિત પવાર આવું નથી વિચારતા. તેમણે મોટી ઉંમરની વ્યક્તિનું માન રાખવું જોઈએ, જે તેઓ અત્યારે નથી રાખી રહ્યા. તેઓ સતત શરદ પવારને હવે ઉંમર થઈ છે એટલે રાજકારણમાંથી નિવૃત્તિ લઈને ઘરે બેસીને નવી પેઢીને જવાબદારી સોંપવાનું કહી રહ્યા છે. આવું વર્તન યોગ્ય ન કહેવાય. મને આવા લોકો પસંદ નથી.’

ajit pawar sharad pawar nationalist congress party supriya sule mumbai news mumbai