શ્રીલંકાની કરાટે ચૅમ્પિયનશિપમાં થાણેની કૃપા ભાલેરાવ અને તેના ગુરુને બે-બે ગોલ્ડ મેડલ

31 October, 2012 07:53 AM IST  | 

શ્રીલંકાની કરાટે ચૅમ્પિયનશિપમાં થાણેની કૃપા ભાલેરાવ અને તેના ગુરુને બે-બે ગોલ્ડ મેડલ



શ્રીલંકાના કૅન્ડીમાં હાલમાં યોજાયેલી ઇન્ડો-શ્રીલંકા કરાટે ચૅમ્પયનશિપમાં થાણેમાં રહેતી ૧૬ વર્ષની કૃપા ભાલેરાવ બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીતી હતી, જ્યારે ૩૨ વર્ષના તેના કોચ અને માર્ગદર્શક પ્રફુલ્લ પવાર પણ બે ગોલ્ડ મેડલ સાથે વિજયી થયા હતા. મુલુંડની એનઈએસ (નૅશનલ એજ્યુકેશન સોસાયટી) નેશનલ પબ્લિક સ્કૂલમાંથી છ સ્પર્ધકોએ ૯ ગોલ્ડ, ૪ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

થાણેની આર. જે. સ્કૂલના ૧૦માં ધોરણમાં ભણતી કૃપા ભાલેરાવે કહ્યું હતું કે ‘મને ખુશી છે કે હું આ ચૅમ્પિયનશિપમાં શ્રેષ્ઠ રીતે રમી શકી હતી. ગયા ઉનાળામાં મને બ્લૅક બેલ્ટ પણ મળ્યો હતો. હું દરરોજ બે કલાક મારા કોચના માર્ગદર્શન હેઠળ પ્રૅક્ટિસ કરું છું જે મને છેલ્લાં પાંચ વર્ષથી તાલીમ આપી રહ્યા છે. મેં સૌપ્રથમ અમુક સેલ્ફ ડિફેન્સ ટેક્નિકોની તાલીમ લીધી હતી, પરંતુ જ્યારે મેં સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું ત્યારે હું સારી રીતે ફાઇટ રમી શકી હતી.’

પ્રફુલ્લ પવાર કરાટેના ક્ષેત્રમાં સ્પોટ્ર્‍સની ડિગ્રી સાથે ખૂબ જ અનુભવી છે. તેઓ થાણેમાં અમુક ટ્રેઇનિંગ સેન્ટર પણ ચલાવે છે. ગયા વર્ષમાં તેઓ બેલારૂસમાં સિલ્વર મેડલ જીત્યા હતા. તેમણે તેમની ૧૦ વર્ષની કોચિંગ કરીઅરમાં ૧૦૦થી વધુ લોકોને બ્લૅક બેલ્ટની તાલીમ આપી છે. જપાન કરાટે-ડો તેન્શિન્કૅન દ્વારા આ ચૅમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃપાને ગોલ્ડ મેડલો કાટા ઇવેન્ટ અને સ્પેરિંગ તેમ જ સિલ્વર મેડલ કાટા કૉન્ટેસ્ટમાં મળ્યાં એ જ રીતે કોચ પ્રફુલ્લ પવારે પણ તેમનું બળ સ્પેરિંગ અને કાટા ઇવેન્ટમાં દર્શાવ્યું હતું.