એકતરફી પ્રેમનો કરુણ અંજામ

23 December, 2012 04:45 AM IST  | 

એકતરફી પ્રેમનો કરુણ અંજામ



સૌરભ વક્તાણિયા/શૈલેશ ભાટિયા

મુંબઈ, તા. ૨૩

બાંદરા (ઈસ્ટ)ની ચેતના ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝમાં ગઈ કાલે ૨૨ વર્ષના નિખિલ બનકર નામના સ્ટુડન્ટે તેના જ ક્લાસમાં ભણતી ૨૧ વર્ષની ગુજરાતી સ્ટુડન્ટ દર્શના (નામ બદલ્યું છે)ના શરીર પર કૉલેજની અંદર જ ચાકુથી ૧૦ ઘા માર્યા હતા અને પછી પોતાના શરીરમાં એ જ ચાકુ હુલાવીને આત્મહત્યા કરી લીધી હતી. દર્શના પ્રત્યેના એકતરફી પ્રેમ અને કૉલેજ પૂરી થઈ ગયા બાદ તે ફરી જોવા નહીં મળે એવું વિચારીને નિખિલે આ ઘાતકી પગલું ભયુંર્ હતું. દર્શનાએ ત્રણ મહિના પહેલાં નિખિલ વિરુ્દ્ધ ખેરવાડી પોલીસ-સ્ટેશનમાં છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ કરી હતી પણ પોલીસે તેને બોલાવીને ચેતવણી આપીને છોડી મૂક્યો હતો.

દર્શના હાલમાં બાંદરાની ગુરુ નાનક હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે અને ગઈ કાલે રાત સુધી તેના પર એક પછી એક એમ પાંચ ઑપરેશન કરવામાં આવ્યાં હતાં.

નિખિલ બનકર બાંદરાની ગવર્નમેન્ટ કૉલોનીમાં એના સેલ્સ-ટૅક્સ અધિકારી તરીકે કામ કરતા તેના પિતા સાથે રહેતો હતો, જ્યારે દર્શનાનાં માતા-પિતા મીરા રોડ રહેતાં હતાં અને તે કૉલેજમાં ભણતી હોવાથી તેના કાકાના કાલિનાના ઘરે રહે છે. નિખિલ અને દર્શના બન્ને ટીવાયબીએમએસનાં સ્ટુડન્ટ હતાં.

ખેરવાડી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અવધૂત ચવાણે કહ્યું હતું કે ‘ગઈ કાલે કૉલેજમાં લેક્ચરનો છેલ્લો દિવસ હતો અને પછી ઍન્યુઅલ-ડે ફંક્શન યોજાવાનું હતું. લેક્ચરમાં જવા માટે દર્શના પહેલા માળે આવેલા વૉશરૂમમાંથી ફ્રેશ થઈને બીજા માળે જઈ રહી હતી ત્યારે દાદરા પર જ નિખિલે તેને આંતરી હતી અને પોતાની પાસે સંતાડી રાખેલા ચાકુ વડે તે તરત જ દર્શનાને ઘા મારવા માંડ્યો હતો. છાતી, પેટ અને પ્રાઇવેટ પાટ્ર્‍સ પર અમુક સેકન્ડમાં ૧૦ ઘા ઝીંકી દીધા પછી એ જ ચાકુ તેણે પોતાના શરીરમાં હુલાવી દીધું હતું. કૉલેજના લોકો તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં, પરંતુ એક કલાકની સારવાર બાદ નિખિલનું મૃત્યુ થયું હતું, જ્યારે શરીરમાંથી ઘણું લોહી વહી જવાથી દર્શનાની સ્થિતિ ક્રિટિકલ છે.’

પોલીસ-સ્ટેશનમાં હાજર રહેલા એક પ્રોફેસરે નામ ન આપવાની શરતે કહ્યું કે ‘તેઓ બન્ને ભણવામાં હોશિયાર હતાં. છેલ્લા એક મહિનાથી તેમની વચ્ચે સારા સંબંધ નહોતા. બીજા લોકોની જેમ હું પણ તેમને હૉસ્પિટલમાં લઈ ગયો હતો. અમારી કૉલેજના પૅસેજમાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. એ દૃશ્ય ભયાનક હતું જેને ભૂલવાનો હું પ્રયાસ કરું છું. મને આ ઘટનાથી શૉક લાગ્યો છે.’

નિખિલના મામાએ કહ્યું હતું કે ‘તે કૉલેજથી સીધો ઘરે આવતો હતો. આ ઘટનાથી અમે હેબતાઈ ગયા છીએ એટલે ઘરની મહિલાઓને તો એમ કહી રહ્યા છીએ કે નિખિલનો ઍક્સિડન્ટ થયો છે.’

ટીવાયબીએમએસ = થર્ડ યર ઑફ બૅચલર ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ