છેતરપિંડી બદલ કાર-ડિઝાઇનર દિલીપ છાબરિયાની ધરપકડ

30 December, 2020 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેતરપિંડી બદલ કાર-ડિઝાઇનર દિલીપ છાબરિયાની ધરપકડ

ધરપકડ કર્યાં બાદ પોલીસ દિલીપ છાબરિયાને કોર્ટમાં લઈ જઈ રહી છે (તસવીર: સુરેશ કરકેરા)

દેશભરમાં વૈભવી કારને સ્પોર્ટી અને અવનવા ડિઝાઇનર લુક આપવા માટે જાણીતા કાર-ડિઝાઇનર દિલીપ છાબરિયા (ડીસી)ની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઇયુ)એ સોમવારે તેની અંધેરીના એમઆઇડીસીમાંથી ધરપકડ કરી હતી. તેની સામે છેતરપિંડી અને બનાવટ કરવાના આરોપ હેઠળ ગુનો નોંધાયો છે.

સીઆઇયુના એપીઆઇ સચિન વઝેને માહિતી મળી હતી કે નરીમાન પૉઇન્ટના ટ્રાઇડન્ટ પાસે ડીસી-અવંતી (ડીસીની ડિઝાઇન કરેલી પોતાની બ્રૅન્ડેડ કાર) ટૂ સીટર સ્પોર્ટ્સ કાર આવવાની છે, જે બોગસ રજિસ્ટ્રેશન નંબર પર દોડી રહી છે. જોકે એ કાર એ દિવસે નહોતી આવી. બીજા દિવસે ૧૮ ડિસેમ્બરે એ કાર હોટેલ તાજ પાસે આવવાની છે એવી માહિતી મળતાં એના પર વૉચ ગોઠવવામાં આવી હતી અને એ કાર દેખાTતાં એને ઝડપી લેવાઈ હતી. કાર એનો માલિક જ  ચલાવી રહ્યો હતો. જ્યારે તેની પાસે રજિસ્ટ્રેશનનાં પેપર્સ મગાયાં ત્યારે તેણે કહ્યું કે મારી કાર ચેન્નઈમાં રજિસ્ટર થયેલી છે અને એનાં પેપર્સ આપ્યાં હતાં. તપાસ કરતાં તે સાચું બોલાતો હોવાનું જણાયું હતું, પણ વધુ તપાસ કરતાં જણાયું કે તેની કારના જે એન્જિન-નંબર અને ચેસી-નંબર હતા એ જ એન્જિન અને ચેસી-નંબર પર વધુ એક કાર હરિયાણામાં રજિસ્ટર કરાયેલી હતી.

સીઆઇયુની તપાસમાં જણાઈ આવ્યું હતું કે દિલીપ છાબરિયાની કંપની દિલીપ છાબરિયા ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટે દ્વારા ૧૨૦ જેટલી ડીસી-અવંતી કાર પુણેમાં આવેલી કંપનીની ફૅક્ટરીમાં બનાવાઈ હતી અને ત્યાર બાદ દેશમાં અને વિદેશમાં એનું વેચાણ થયું હતું. જોકે આમાંની ૯૦ જેટલી પોતાની જ બનાવેલી કાર પર દિલીપ છાબરિયા પ્રાઇવેટ લિમિટેડ જાતે કસ્ટમર બનીને દરેક કાર પર એનબીએફસી (નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કૉર્પોરેશન) બીએમડબ્લ્યુ ફાઇનૅન્સ અને અન્ય પાસેથી સરેરાશ ૪૨ લાખ રૂપિયાની લોન લીધી હતી. ત્યાર બાદ એ કાર પર હાઇપોથિકેશન હોવા છતાં અન્ય કસ્ટમરોને વેચવામાં આવતી હતી.

પોલીસે જપ્ત કરેલી દિલીપ છાબરિયાએ ડિઝાઈન કરેલી કાર

તપાસમાં એમ પણ જણાઈ આવ્યું છે કે કંપની દ્વારા સરકારને ચૂકવવામાં આવતી કસ્ટમ-ડ્યુટી અને જીએસટી જેવા વિવિધ ટૅક્સ પણ ગુપચાવવામાં આવ્યા હતા.  

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે ચેન્નઈની કન્ઝ્‍યુમર કોર્ટમાં કંપની સામે કેસ કર્યો છે કે તેણે ડીસી-અવંતી (કિમત ૩૪.૯ લાખ) ખરીદવા માટે કંપનીને પાંચ લાખ રૂપિયા ઍડ્વાન્સ આપ્યા હતા, પણ કંપનીએ તેને કાર આપી નહોતી. કંપની કાર ન આપતી હોવાથી કાર્તિકે જ્યારે પાંચ લાખનું રીફન્ડ માગ્યું ત્યારે એ પણ પાછું નથી મળી રહ્યું. ૨૦૧૮માં કંપનીએ નાદારી જાહેર કરી હતી. સીઆઇયુને શંકા છે કે કંપનીએ બીએમડબ્લ્યુ ફાઇનૅન્સની જેમ અન્ય એનબીએફસીને છેતરી હોઈ શકે એથી ૨૮ ડિસેમ્બરે દિલીપ છાબરિયાની અંધેરી એમઆઇડીસીથી ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ભારતીય દંડસંહિતાની કલમ ૪૨૦ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

mumbai mumbai news Crime News mumbai crime branch