દિલ્હીથી મુંબઈ આવી પહોંચી હાઈ સ્પીડ ટૅલ્ગો ટ્રેન

03 August, 2016 03:04 AM IST  | 

દિલ્હીથી મુંબઈ આવી પહોંચી હાઈ સ્પીડ ટૅલ્ગો ટ્રેન

શશાંક રાવ

હાઈ સ્પીડ ટૅલ્ગો ટ્રેન ગઈ કાલે ત્રીજા તબક્કાની અંતિમ ટ્રાયલ પૂરી કરીને દિલ્હીથી મુંબઈ પહોંચી હતી અને એની ટ્રાયલ સફળ રહી હતી, પરંતુ ટ્રેન નર્ધિારિત સમય કરતાં ત્રણ કલાક મોડી પહોંચી હતી. સોમવારે સાંજે ૭.૫૫ વાગ્યે દિલ્હીથી ઊપડેલી ટૅલ્ગો ટ્રેન ઉદવાડા-વાપી-ભિલાડમાં પડેલા ભારે વરસાદને પગલે ગઈ કાલે સવારે ૧૧.૩૬ વાગ્યે એટલે કે ૧૫ કલાક ૪૧ મિનિટે મુંબઈ પહોંચી હતી.

નવ કોચની ટ્રેનમાં બે એક્ઝિક્યુટિવ ક્લાસ, ચાર ચૅરકાર, એક કૅફેટેરિયા, પાવરકાર અને સ્ટાફ તેમ જ સાધનો માટેના ટેઇલ એન્ડ કોચનો સમાવેશ છે. ટૅલ્ગો ટ્રેન બનાવનારી કંપની સ્પેનની છે, પરંતુ એનું એન્જિન ભારતીય છે. આ ટ્રેનના એક ડબ્બાની કિંમત આશરે પાંચ કરોડ રૂપિયા છે અને આમાં પ્રીમિયમ દરજ્જાની સુવિધા આપવામાં આવી છે. પ્રતિ કલાકે ૨૨૦ કિલોમીટરની સ્પીડથી દોડી શકે એ રીતે એને ડિઝાઇન કરવામાં આવી છે, પરંતુ અત્યારે એને પ્રતિ કલાકે ૧૮૦ કિલોમીટરની સ્પીડે દોડાવવામાં આવે છે. સ્ટીલનો ઉપયોગ ન કરતાં ઓછા વજનવાળા ઍલ્યુમિનિયમથી આ ટ્રેન બનાવવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ ખાતે આ ટ્રેન પબ્લિકને જોવા માટે રખાઈ હતી અને એ જોવા લોકો ઊમટી પડ્યા હતા. કોચના એન્ટ્રન્સમાં ઇલેક્ટ્રૉનિક બોર્ડ છે અને એક કોચમાં ૨૬ સીટ છે. કોચના સેન્ટરમાં ફૂડ અને સામાન રાખવા માટે ટેબલ પણ છે. ઉપરાંત વસ્તુઓ મૂકવા માટે સીટની પાછળ ટ્રે પણ છે. કોચની શરૂઆતમાં ટીવી પણ છે. ટ્રેનમાં ગરમ અને ઠંડા પાણી માટેનો વિકલ્પ પણ છે. આ સમય દરમ્યાન લોકોએ સેકન્ડ ક્લાસ અને એક્ઝિક્યુટિવ કોચ જોયા હતા.

સેમી હાઈ સ્પીડ ટ્રેન ૧૩૮૪ કિલોમીટરનું દિલ્હીથી મુંબઈનું અંતર ૧૨ કલાક ૩૫ મિનિટમાં પ્રવાસ પૂરો કરે એવી શક્યતા હતી. ટ્રેન મુંબઈ સવારે ૮.૩૧ વાગ્યે પહોંચવી જોઈતી હતી, પણ એ ૧૧.૩૬ વાગ્યે પહોંચી હતી. પ્રતિ કલાક ૧૮૦ કિલોમીટરની સ્પીડે ટૅલ્ગો ટ્રેન ૩૮ મિનિટમાં ૮૪ કિલોમીટરનું અંતર ક્રૉસ કરીને મથુરા પહોંચી હતી, પરંતુ ત્યાં સિગ્નલ-ફેલ્યરને કારણે ટ્રેન સ્લો થઈ હતી.



પ્રતિ કલાક ૯૦થી ૧૦૦ કિલોમીટર ઍવરેજની સ્પીડે દોડતી ટૅલ્ગો ટ્રેન પ્રતિ કલાક વધુમાં વધુ ૧૩૦થી ૧૫૦ કિલોમીટરની સ્પીડે દોડે છે. હાલની રાજધાની એક્સપ્રેસ જેવી સુપરફાસ્ટ ટ્રેન દિલ્હીથી મુંબઈ સેન્ટ્રલ રૂટ માટે ૧૫ કલાક ૫૦ મિનિટનો સમય લે છે. ટૅલ્ગો ટ્રેનની વધુ ટ્રાયલ ૧૧ અને ૧૨ ઑગસ્ટે થશે.