ફેસબુક પર કમેન્ટ પ્રકરણે પોલીસ વિરુદ્ધ થયેલી કાર્યવાહીથી ડિપાર્ટમેન્ટમાં અસંતોષ

28 November, 2012 05:17 AM IST  | 

ફેસબુક પર કમેન્ટ પ્રકરણે પોલીસ વિરુદ્ધ થયેલી કાર્યવાહીથી ડિપાર્ટમેન્ટમાં અસંતોષ

અધિકારીઓનું માનવું છે કે રાજકીય દબાણને કારણે તેમણે આવું ઉતાવળિયું પગલું ભર્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે સરકારના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે સિનિયર અધિકારીઓનો આદેશ હોવા છતાં આ પોલીસ-અધિકારીઓએ યુવતીઓની ધરપકડ કરીને ગેરવાજબી પગલું ભર્યું હતું એથી આવા અધિકારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી છે.

પાલઘર મામલે વધુ ફોડ પાડતાં રિટાયર્ડ અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) શમશેર ખાન પઠાણે કહ્યું હતું કે ‘દરરોજ રાજકીય દબાણ હેઠળ પોલીસ-ઑફિસરે કામ કરવાનું હોય છે. જો તમે તેના શરણે થઈ જાઓ તો તમે ચોક્કસ ભૂલ કરી બેસો. આવા સંજોગોમાં રાત્રે યુવતીની ધરપકડ કરવી નહોતી જોઈતી. દબાણ હેઠળ હોવા છતાં પોલીસે આ બે યુવતીની ધરપકડ કરવાને બદલે તેને પોલીસ-સ્ટેશનમાં જ બેસાડી રાખવી જોઈતી હતી. આમ કરવાથી યુવતીઓને તેઓ સલામત પણ રાખી શકત.’

રાજકીય દખલને કારણે પોલીસે સહન કરવું પડ્યું હોય એવો પાલઘર કાંઈ એકમાત્ર કિસ્સો નથી. ઑગસ્ટ મહિનામાં આઝાદ મેદાનનાં તોફાનોમાં પણ પોલીસે શરૂઆતમાં કોઈ કાર્યવાહી નહોતી કરી. તોફાનીઓએ મહિલા કૉન્સ્ટેબલોની છેડતી કરવા ઉપરાંત ભારે દંગલ કર્યું હોવા છતાં પોલીસ મૂકપ્રેક્ષક બની રહી. એક તોફાનીની ધરપકડ કરવા બદલ પોલીસ-કમિશનર અરૂપ પટનાઈકે એક ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી)ની ઝાટકણી પણ કાઢી હતી. આ બધું એટલા માટે થાય છે કે વિવિધ રાજકીય નેતાઓ પોલીસ પર કાર્યવાહી કરવી કે ન કરવી એ વિશેનાં દબાણો કરતા હોય છે. જો કોઈ ખોટું પગલું ભરાય તો સહન કરવાનો વારો છેવટે પોલીસનો જ આવે છે.

પોલીસ-ડિપાર્ટમેન્ટના અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે ‘ધરપકડ ખોટી હતી, પરંતુ એની પાછળ કોઈ બૂરી દાનત નહોતી. માત્ર કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે એ જ એકમાત્ર ઉદ્દેશ હતો. કારણ કે બાળ ઠાકરેના અવસાન બાદ ઉપરથી એવો આદેશ હતો કે જો કોઈ કાયદો તથા વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતો દેખાય તો તેની સામે કડક કાર્યવાહી કરવી. પોલીસને તમામ લોકોનો ખ્યાલ રાખવો પડે છે. વળી એક છોકરી માઇનૉરિટી કૉમ્યુનિટીની હતી એથી હિન્દુ-મુસ્લિમ રમખાણનો પણ ડર હતો.’

આજે પાલઘર બંધ


બે યુવતીઓની ધરપકડ કરનારા પોલીસ-ઑફિસરના સસ્પેન્શનના વિરોધમાં શિવસેના દ્વારા આજે પાલઘર બંધનું એલાન આપવામાં આવ્યું છે. થાણેના શિવસેનાના વિધાનસભ્ય એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘આ એલાન લોકલ યુનિટે આપ્યું છે. પોલીસે પરિસ્થિતિ મુજબ કાર્યવાહી કરી હતી. યુવતીએ પણ એ માટે કોઈ ફરિયાદ નથી કરી.’