સાઉથ મુંબઈના રહેવાસીઓ માટે સારા સમાચાર

19 December, 2012 05:34 AM IST  | 

સાઉથ મુંબઈના રહેવાસીઓ માટે સારા સમાચાર

હાલમાં સુધરાઈ આ માટે આને લગતી માહિતી એકઠી કરે છે. ફેબ્રુઆરી મહિના સુધીમાં સુધરાઈ પાસે એ માહિતી હશે કે કેટલા લોકો મીટર ધરાવે છે અને કેટલાં કનેક્શન મીટર વગરનાં છે. સાઉથ મુંબઈમાં પાણીનાં મીટર વગરનાં એક લાખ કનેક્શન હોવાનો અંદાજ છે. આ તમામ કનેક્શનોને પછી મીટર લગાડવામાં આવશે. આવા લોકો પ્રૉપર્ટી-ટૅક્સ સાથે પાણીનો ચાર્જ ચૂકવે છે. સુધરાઈ સાઉથ મુંબઈમાં પાણીના મીટર બાબતે સર્વે કરી રહી છે. સાઉથ મુંબઈમાં એવાં કેટલાંય બિલ્ડિંગો છે જ્યાં પાણીનું કનેક્શન ક્યાંથી આવે છે એની જાણ નથી. કેટલાંક બિલ્ડિંગોમાં એક કરતાં વધુ કનેક્શન છે. દરેક માળ પર પણ અલગ કનેક્શન જોવા મળે છે. ઉપનગરોમાં દરેક બિલ્ડિંગમાં એક જ કનેક્શન હોય છે, પણ અહીં વિપરીત સ્થિતિ છે. આના કારણે સુધરાઈએ સપ્ટેમ્બર મહિનામાં આ સર્વે હાથ ધર્યો હતો. આવતા વર્ષ સુધીમાં આવાં મીટર લગાવવામાં આવશે.

શરૂમાં કોલાબાથી ફોર્ટ સુધીના A વૉર્ડમાં અને પ્રભાદેવી, વરલી અને ચિંચપોકલી વિસ્તારને સમાવતા Gસાઉથ વૉર્ડમાં પાઇલટ સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો. આના પછી બીજા નવ વૉર્ડમાં આ સર્વે હાથ ધરવામાં આવશે જેમાં સૌથી વધુ મીટર વગરનાં કનેક્શન છે એવા ચાર વૉર્ડનો સમાવેશ થાય છે. માંડવી, ઉમરખાડી અને ડોંગરી વિસ્તાર ધરાવતા B વૉર્ડ; ખારા તળાવ, ભુલેશ્વર અને ધોબી તળાવ વિસ્તાર ધરાવતા C વૉર્ડ; ખેતવાડી, તાડદેવ, મહાલક્ષ્મી અને વાલકેશ્વર વિસ્તાર ધરાવતા D વૉર્ડ અને માઝગાવ, કામાઠીપુરા અને ભાયખલા વિસ્તાર ધરાવતા E વૉર્ડમાં મીટરના કનેક્શન વગરનાં નળનાં અનેક જોડાણ છે.