દક્ષિણ મુંબઈમાં આ ચોમાસામાં પણ રોડ ખાડાવાળા જ રહેવાના

18 March, 2024 08:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે પસંદ કરાયેલા કૉન્ટ્રૅક્ટરે કામ શરૂ ન કર્યું એટલે ત્રીજી વાર ટેન્ડર મગાવવામાં આવ્યાં

પ્રતીકાત્મક તસવીર

અનેક વાર ખાતરી આપવામાં આવી હોવા છતાં દક્ષિણ મુંબઈના રોડને કૉન્ક્રીટના બનાવવાનું કામ આ ચોમાસા પહેલાં શરૂ થવાની કોઈ શક્યતા દેખાતી નથી. આમ આ વર્ષે પણ મુંબઈગરાઓના નસીબમાં ચોમાસામાં ખાડા ધરાવતા રોડ પર સવારી કરવાની નોબત આવી છે. ચોમાસામાં થોડો વરસાદ પડે કે તરત જ મુંબઈના રસ્તાઓ પર ચંદ્રની ધરતી પર દેખાય એવા ખાડા જોવા મળતા હોય છે. 

શહેરના ૩૯૭ કિલોમીટરના રોડનું કૉન્ક્રીટીકરણ કરવા માટે ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં ૬૦૮૦ કરોડ રૂપિયાનું (૧૮ ટકા GST બાદ કરતાં) ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને એમાં દક્ષિણ મુંબઈના ૧૨૩૦ કરોડ રૂપિયાના કામનો સમાવેશ થતો હતો. ૨૦૨૩ના ફેબ્રુઆરીમાં દક્ષિણ મુંબઈના રોડ માટેનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો, પણ સુધરાઈ દ્વારા અનેક વાર રિમાઇન્ડર આપવા છતાં કૉન્ટ્રૅક્ટરે કામ શરૂ કર્યું નહોતું. આના પગલે સુધરાઈએ એ કૉન્ટ્રૅક્ટ રદ કરીને આ વર્ષની પહેલી ફેબ્રુઆરીએ એ જ કામ માટે ૧૩૬૫ કરોડ રૂપિયાનું ફરી ટેન્ડર મગાવ્યું હતું. એને મોળો પ્રતિસાદ મળતાં ફરી ત્રીજી વાર ટેન્ડર-પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પાંચમી એપ્રિલ સુધીમાં ટેન્ડર-દસ્તાવેજ જમા કરાવવાની મુદત છે અને એ ચકાસ્યા બાદ આશરે એકથી દોઢ મહિના બાદ કામ સોંપવામાં આવશે, પણ ત્યાં સુધીમાં મે મહિનો આવી જશે એટલે કામ શરૂ નહીં થઈ શકે. ચોમાસું પૂરું થયા બાદ જ કામ શરૂ થઈ શકશે.

6080
આટલા કરોડ રૂપિયાના કામ માટે સુધરાઈએ ૨૦૨૨ના ડિસેમ્બરમાં કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો.

વાદા તેરા વાદા
સુધરાઈના કમિશનર આઇ. એસ. ચહલે ૨૦૨૨ના સપ્ટેમ્બર મહિનામાં હાઈ કોર્ટને ખાતરી આપી હતી કે આગામી અઢી વર્ષમાં મુંબઈના તમામ રોડ કૉન્ક્રીટના થઈ જશે, પણ આ કામ ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમનાં ઉપનગરોમાં આ કામ થઈ રહ્યું છે, પણ એક વર્ષમાં માત્ર ૨૦ ટકા કામ પૂરું થયું છે. આમ છતાં સુધરાઈએ બાકીના ૪૦૦ કિલો મીટરના કૉન્ક્રીટીકરણ માટે ૬૨૫૦ કરોડ રૂપિયાનું નવું ટેન્ડર બહાર પાડ્યું છે.

mumbai news mumbai monsoon south mumbai