સાઉથ મુંબઈમાં રહેવાનો ચાર્મ જ કંઈક અલગ

22 December, 2012 11:18 AM IST  | 

સાઉથ મુંબઈમાં રહેવાનો ચાર્મ જ કંઈક અલગ




પ્રોડ્યુસર-ડિરેક્ટર સંજય ગુપ્તાએ તાજેતરમાં મહાલક્ષ્મી રેસર્કોસ સામે બંધાઈ રહેલા મિનરવા બિલ્ડિંગમાં એક પૅન્ટહાઉસ ખરીદ્યું છે. તેમનું કહેવું છે કે મારું બાળપણ સાઉથ મુંબઈમાં વીત્યું હોવાથી આ નવું ઘર મારા પુત્ર શિવાંશ માટે ગિફ્ટ છે. તેઓ હાલ અંધેરી (વેસ્ટ)માં વર્સોવા વિસ્તારમાં રહે છે અને માને છે કે સાઉથ મુંબઈમાં થતો ઉછેર એક અલગ પ્રકારની અનુભૂતિ છે. સાઉથ મુંબઈનો ચાર્મ કેવો છે એ જોઈએ.

પ્લાન્ટ્સ અને લૅન્ડસ્કેપનાં એક્સપર્ટ અનીતા ચોપડા કોલાબામાં રહે છે. તે કહે છે, ‘આ વિસ્તારમાં રહેવાનો સમયગાળો મારા જીવનનો શ્રેષ્ઠ સમય છે. મારા વિસ્તારમાં કેટલાંય હેરિટેજ બિલ્ડિંગો છે જે બ્રિટિશ યુગની યાદ અપાવે છે. કોલાબામાં સૌથી મોંઘાથી પ્રમાણમાં દરેક જણના ખિસ્સાને પરવડી શકે એવી હોટેલો આવેલી છે. અહીં સસ્તામાં પણ જમવાનું મળી જાય છે અને શૉપિંગ કરવા માટે શ્રેષ્ઠ માર્કેટો પણ છે. અહીંની સાંજ શાંતિમય અને ઘોંઘાટ વગરની હોય છે. ઑફિસો છૂટવાના સમય પછી આ વિસ્તારમાં શાંતિ હોય છે. સાઉથ મુંબઈ સલામત વિસ્તાર છે અને દરિયો સૌથી નજીક છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એનસીપીએ, બૉમ્બે જિમખાના અને અન્ય ક્લબોમાં થાય છે અને એ પણ આ વિસ્તારમાં છે. આ સ્થળો આ વિસ્તારને એક આગવી ઓળખ આપે છે.’

સાઉથ મુંબઈમાં રહેવાનું આહ્લાદક છે એમ કહીને કન્ઝર્વેશન આર્કિટેક્ટ બ્રિન્દા સોમાયા કહે છે, ‘મારા મનના એક ખૂણામાં હું આર્કિટેક્ટ છું એવો ભાસ મને આ વિસ્તારે આપ્યો છે. નાનપણમાં હું સ્કૂલમાં જતી ત્યારે આ વિસ્તારનાં હેરિટેજ બિલ્ડિંગોને જોતી હતી અને એની એક અનેરી છાપ મારા વ્યક્તિત્વ પર પણ પડી હતી.’

સાઉથ મુંબઈમાં ઘણી સુવિધા છે. અહીંના રહેવાસીઓને ઘણી ચીજો સહજ ઉપલબ્ધ છે. અહીં સ્ર્પોટ્સ સુવિધાઓ પણ ઘણી છે અને ટ્રાફિક પણ એટલો બધો નથી.

સાઉથ મુંબઈ બેસ્ટ

બ્રીચ કૅન્ડી વિસ્તારમાં બાળપણ વિતાવનાર અને હાલમાં અંધેરીમાં રહેતી મિડિયા-કન્સલ્ટન્ટ રૂપલ ગુણે કહે છે, ‘સાઉથ મુંબઈમાં રહેતા લોકો વધુ આનંદી હોય છે. મને બાળપણમાં જે સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવા મળતી હતી એ મારાં બાળકો ઉપનગરમાં મિસ કરે છે. ઉપનગરમાં રહેતા લોકોની મેન્ટાલિટી અલગ છે. તેઓ અત્યારે એ ચીજોની વાતો કરતા હોય છે જે સાઉથ મુંબઈના લોકોએ વર્ષો પહેલાં જોઈ લીધી હોય છે. આ લોકોની જીવનને સમજવાની વાત પણ અલગ છે. સાઉથ મુંબઈ ચોખ્ખું અને ઓછા ઘોંઘાટવાળું છે. સાઉથ મુંબઈ હંમેશાં બેસ્ટ રહેશે.’

એનસીપીએ =  નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સ