વી. પી. રોડની સિનિયર સિટિઝન મહિલાની હત્યામાં ભાણેજ પકડાયો

06 October, 2012 05:41 AM IST  | 

વી. પી. રોડની સિનિયર સિટિઝન મહિલાની હત્યામાં ભાણેજ પકડાયો



દક્ષિણ મુંબઈના વી. પી. રોડના ન્યુ અમૃતબાગમાં ગણેશોત્સવ દરમ્યાન ૨૬ સપ્ટેમ્બરે રાત્રે ૭૫ વર્ષની મહારાષ્ટ્રિયન મહિલા સરલા વાસુદેવની હત્યા સાથે લૂંટના કેસમાં વી.પી. રોડ પોલીસે તેમના ડોમ્બિવલીમાં રહેતા ૪૦ વર્ષના ભાણેજ મયૂરેશ સુરેશ રેડકરની ગઈ કાલે ધરપકડ કરી હતી. તેને ર્કોટમાં રજૂ કરતાં ૧૫ ઑક્ટોબર સુધી પોલીસ-કસ્ટડી ફટકારવામાં આવી છે. મયૂરેશે સરલાબહેન પાસેથી ત્રણ લાખ રૂપિયા ઉધાર લીધા હતા, પણ તે પાછા આપતો ન હોવાથી સરલાબહેન આ રૂપિયા માટે વારંવાર માગણી કરતાં હતાં. આ માગણીથી કંટાળીને તેણે દારૂના નશામાં તેમનું ગળું દાબીને હત્યા કરી હતી. તેણે પોલીસને કહ્યું હતું કે ‘હું મારી માસીને મારવા માગતો નહોતો, પણ તેમની વારંવારની માગણીથી ત્રાસીને મેં આ પગલું ગુસ્સામાં આવીને લીધું હતું. હત્યા કર્યા બાદ આરોપી ઘરનો દરવાજો બંધ કરીને બહાર નીકળી ગયો હતો અને દરવાજો અંદરથી બંધ થઈ ગયો હતો.’

સરલા વાસુદેવનો મૃતદેહ પોલીસને ન્યુ અમૃતબાગના પહેલે માળે આવેલી રૂમ-નંબર ૧૭૯માંથી તેમની સૂવાની પાટ પરથી પોલીસને મળ્યો હતો. તેમણે શરીર પર પહેરેલાં સોનાનાં ઘરેણાંની અને તેમના ઘરના કબાટમાંથી લૂંટ થઈ હતી. આશરે સવા લાખ રૂપિયાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં પહેલાં આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ કરતાં તેમનામાં ફફડાટ ફેલાયો હતો.

વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર ચવાણે કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસ બાદ અમને મયૂરેશ પર શક જતાં તેના પર નજર રાખી હતી અને ગુરુવારે તેની અટક કરીને પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. તેની પત્ની પણ તેની સાથે રહેતી નથી અને એથી તે દારૂના રવાડે ચડી ગયો હતો. માસી મૃત્યુ પામે તો તેમની રૂમ પણ મળે એમ હતી એથી તેણે આ ગુનો કર્યો હતો.’