ટૉપના બે ફ્લોર ખાલી કરો: ફાયર-સેફ્ટીના નિયમોનો ભંગ કેમ કર્યો?

05 March, 2020 07:43 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

ટૉપના બે ફ્લોર ખાલી કરો: ફાયર-સેફ્ટીના નિયમોનો ભંગ કેમ કર્યો?

ઑપેરા હાઉસમાં કેનેડી બ્રિજ નજીક પારેખ માર્કેટ બિલ્ડિંગ. (તસવીર : સૈયદ સમીર અબેદી)

ફાયર-સેફ્ટીના નિયમોનો ભંગ કરવા બદલ દક્ષિણ મુંબઈના ઑપેરા હાઉસ વિસ્તારની પારેખ માર્કેટ સોસાયટી સામે પગલાં લેવાનો આદેશ સિટી સિવિલ કોર્ટના જજ સંજય યાદવે મુંબઈ ફાયરબ્રિગેડને આપ્યો હતો. એ આદેશના અનુસંધાનમાં પારેખ માર્કેટના ઉપરના બે માળ પર ઑફિસો ધરાવતા લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસો આપવામાં આવશે. નવમા અને દસમા માળ પર ઑફિસો ધરાવતા લોકો જગ્યા ખાલી ન કરે તો ઇલેક્ટ્રિસિટી અને વૉટર સપ્લાય કનેક્શન્સ કાપી નાખવાની તૈયારી ફાયરબ્રિગેડના અધિકારીઓએ કરી છે. જોકે પારેખ માર્કેટના ટોચના બે માળ પરના ઑફિસધારકોએ અદાલતના આદેશ તથા અન્ય કાર્યવાહી વિશે કંઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકાએ નિયમો અને પ્રોસીજર્સનું પાલન નહીં કરવા બદલ પારેખ માર્કેટ સોસાયટી સામે સિટી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. એ કેસના અનુસંધાનમાં ઉપરોક્ત આદેશ આપવામાં આવ્યો હતો.

અદાલતે ૨૦ જાન્યુઆરીના આદેશમાં જણાવ્યું હતું કે ‘ફાયરબ્રિગેડના અધિકારીઓએ સંબંધિત ભાગમાં ઑફિસો ધરાવતા લોકોને નોટિસો વ્યક્તિગત રીતે સુપરત કરવાની સૂચના આપવામાં આવે છે. જો એ નોટિસોનું પાલન કરીને જગ્યા ખાલી કરવામાં ન આવે તો તેમનાં ઇલેક્ટ્રિસિટી અને વૉટર સપ્લાય કનેક્શન્સ કાપી નાખવાની સત્તા ચીફ ફાયર ઑફિસરને સોંપવામાં આવે છે.’

૨૦૧૫માં ફાયરબ્રિગેડે ઉક્ત મકાનના ઉપરના બે માળનું ઑક્યુપેશન સર્ટિફિકેટ રદ કરવાની માગણી મુંબઈ મહાનગરપાલિકા સમક્ષ કરી હતી. ઇમર્જન્સી માટે ખુલ્લી જગ્યા રાખવાના કાનૂની નિયમોના પ્રમાણમાં મકાનની ઊંચાઈ વધારે જણાતાં ફાયરબ્રિગેડે મહાનગરપાલિકા સમક્ષ ઑક્યુપેશન સર્ટિફિકેટ રદ કરવાની માગણી કરી હતી.

ચાર દાયકા જૂના મકાનમાં શરૂઆતમાં આઠ માળ બંધાયા હતા અને થોડાં વર્ષો પછી બે વધારે માળ બંધાયા હતા. ડેવલપરે ઑક્યુપેશન સર્ટિફિકેટ માટે અરજી કરી ત્યારે ફાયર ડિપાર્ટમેન્ટે ફાયર એન્જિન્સ તથા બચાવ-રાહતનાં અન્ય વાહનોની અવરજવર માટે મકાનની સામેના ભાગમાં પાંચ મીટરની ખુલ્લી જગ્યા રાખવાની બાંયધરી લખી આપવા જણાવ્યું હતું. એ બાંયધરી અને નિયમોનો ભંગ કરવા બદલ બિલ્ડિંગનું ઑક્યુપેશન સર્ટિફિકેટ રદ કરવાની ભલામણ કરતો પત્ર મુંબઈ મહાનગરપાલિકાના બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટને લખ્યો હતો.

જો જગ્યા ખાલી કરવાના આદેશનું પાલન કરવામાં તે લોકો નિષ્ફળ જશે તો અમારો વિભાગ પાણી અને વીજળીનો પુરવઠો કાપી નાખશે.

- એચ. ડી. પરબ, ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર (ભાયખલા ડિવિઝન)

south mumbai mumbai news sanjeev shivadekar