સૂટેડ-બૂટેડ પ્રોફેશનલમાંથી સાધુ બનવા જઈ રહેલો સૌરભ દોશી

08 November, 2014 04:36 AM IST  | 

સૂટેડ-બૂટેડ પ્રોફેશનલમાંથી સાધુ બનવા જઈ રહેલો સૌરભ દોશી



અલ્પા નિર્મલ

બે વર્ષ પહેલાં સ્થાપેલી અને વાર્ષિક ૯ આંકડાનું ટર્નઓવર કરતી કંપનીના મૅનેજિંગ ડિરેક્ટરની પોસ્ટ, ભારત ઉપરાંત સિંગાપોર અને નેપાલમાં બ્રાન્ચ ધરાવતી કંપનીની તગડી આવક, મલ્ટિનૅશનલ કંપનીના હેડ સેલ્સ-મૅનેજરનો ૬ વર્ષનો અનુભવ, એ સંદર્ભે બાવન દેશોની લીધેલી મુલાકાતો અને ત્યાનાં વ્યાપારિક સંબંધો, પારિવારિક સમૃદ્ધિ, મેકૅનિકલ એન્જિનિયરિંગની બૅચલર ડિગ્રી,

ખાવા-પીવા-રહેવાની સુખસાહ્યબી... આ બધું છોડીને મુલુંડનો ૩૧ વર્ષનો સૌરભ દોશી આવતી કાલે અમદાવાદના પાલડી વિસ્તારની જૈન મર્ચન્ટ સોસાયટીમાં આચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબ (નાના પંડિત મહારાજ) પાસેથી દીક્ષા લઈ રહ્યો છે.

અચાનક પરિવર્તન

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિના અને મુલુંડ (વેસ્ટ)ના સર્વોદય નગરમાં રહેતા સૌરભના પપ્પા રાજેશ દોશી કહે છે, ‘ઘરમાં ધાર્મિક વાતાવરણ પહેલેથી હતું, છતાં સૌરભની દીક્ષા લેવાની કોઈ આકાંક્ષા નહોતી. ઇન ફૅક્ટ, ચાર વર્ષ પહેલાં સૌરભથી નાના મારા દીકરા મોનિલની દીક્ષા થઈ ત્યારે પણ કે ત્યાર બાદ પણ તેને જોઈને ભાવ નહોતા જાગ્યા, પણ ગયા વર્ષે તેના ખૂબ નજીકના મિત્ર કલ્પનું ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું અને એના અઠવાડિયામાં જ મારા મોટા ભાઈનું ડેથ થયું. ત્યાર બાદ આ વર્ષે જાન્યુઆરીમાં મારા નાના ભાઈ જે દુબઈ ફરવા ગયા હતા ત્યાં તેમનું આકસ્મિક અવસાન થતાં સૌરભની સંસારની મોહમાયા છૂટી ગઈ અને તેનામાં અચાનક પરિવર્તન આવી ગયું. ચાર મહિના પહેલાં જ ૨૦ જૂને મારી દીકરી રુચિતાની અમદાવાદમાં દીક્ષા થતાં સૌરભને પણ સંયમ ગ્રહણ કરવાનો ભાવ જાગ્યો.’

ભગવાનની પ્રતિમા સાથે

બાળપણથી જ ભગવાનની પૂજા કર્યા વગર મોઢામાં પાણી ન નાખવાનો નિયમ સૌરભે દેશ-વિદેશ બધે જ પાળ્યો. મૂળ સાવરકુંડલાના વતની સૌરભનાં મમ્મી ભાવનાબહેન કહે છે, ‘તે પહેલાંથી જ ભગવાનની પૂજા કરે છે, પછી જ કાંઈ ખાય-પીએ. સ્કૂલ, કૉલેજ, નોકરીમાં પણ તેણે આ ક્રમ ચાલુ રાખ્યો. જૉબમાં નાઇટ-શિફ્ટ હોય અને બપોરે એક વાગ્યે થાકીને આવ્યો હોય તો સૂઈ જાય. પછી બપોરે ચાર વાગ્યે ઊઠીને પહેલાં પૂજા કરવા જાય પછી જ ચા-પાણી પીએ. કેટલીયે વાર એવું બન્યું છે કે સંજોગોવશાત્ પૂજા ન થઈ હોય એથી તેણે ઉપવાસ કર્યો હોય. એ જ પ્રમાણે દેશમાં ક્યાંય કે વિદેશમાં જ્યાં જાય ત્યાં જો નજીકમાં દેરાસરની સગવડ ન હોય તો સાથે અમારા ઘરે રહેલી પ્રતિમા (મંગલમૂર્તિ) લઈ જાય અને એને વિધિવત્ હોટેલના રૂમમાં સ્થાપિત કરે અને એની પૂજા કરે. જોકે એ સિવાય સૌરભ રોજિંદા ધોરણે વધુ ધાર્મિક ક્રિયાઓ કરતો નહીં, પણ મોટી તિથિએ કે પર્વને દિવસે પ્રતિક્રમણ વગેરે કરતો.’



સક્સેસફુલ કારકિર્દી

સાત ધોરણ સુધી વતનની અંગ્રેજી સ્કૂલમાં ભણ્યા પછી સૌરભે મુલુંડની સેન્ટ પાયસ સ્કૂલમાંથી લ્લ્ઘ્ કર્યું. ત્યાર બાદ નવી મુંબઈની શ્રીરામ કૉલેજમાં મેકૅનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા કર્યા બાદ ગ્ચ્ની ડિગ્રી લઈને ક્રેનનું કામ કરતી કંપનીમાં જોડાયો અને એના થોડા સમય પછી પુણેની ઓમ્ની ઍક્ટિવ હેલ્થ ટેક્નૉલૉજીમાં સેલ્સ મૅનેજર તરીકે કામ શરૂ કર્યું. આ કામના સિલસિલામાં તે વિશ્વના બાવન દેશોમાં ગયો. લૅટિન અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, કૅનેડા, યુરોપિયન કન્ટ્રીઝ, આરબ કન્ટ્રીઝ, સાઉથ-ઈસ્ટ એશિયા, જપાન, આફ્રિકન કન્ટ્રીઝ, ચીન, કોરિયા, તાઇવાન જેવા દેશોની વારંવાર મુલાકાત લીધી. એ માટે તે થોડીઘણી વિદેશી ભાષા પણ શીખ્યો.

વેઇંગ સ્કેલનું કામકાજ કરતા તેના પપ્પા રાજેશભાઈ કહે  છે, ‘ઝળહળતી કરીઅર હતી, તગડો પગાર હતો અને અનુભવ ઉપરાંત અગાધ જ્ઞાન હોવા સાથે તે ખૂબ પ્રામાણિક પણ હતો. કંપની સિવાયનાં કામોમાં તે કંપનીની બૉલપેન, પેન્સિલ સુધ્ધાં ન વાપરતો અને અપ્રામાણિકપણે કશું પણ ન થાય એ માટે સજાગ રહેતો. જોકે જૉબ છોડીને તેણે બે વર્ષ પહેલાં અન્ય ત્રણ પાર્ટનર સાથે યોગક્ષેમ કૉમર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની સ્થાપી જેમાં હું અને તે મૅનેજિંગ ડિરેક્ટરની પોસ્ટ પર હતા. અમારી કંપની કોઈ પણ ઍરલાઇન્સને એની જરૂરિયાતની વસ્તુ જે મેકૅનિક્લ પાર્ટ્સથી લઈ રૂમાલ, સ્ટેશનરી બધું સપ્લાય કરવાનું કામ કરતી. આ કામકાજની વ્યાપકતા એવી છે કે અમારી સિંગાપોર અને નેપાલમાં શાખા છે.’

બે મહિનામાં બધું સેટલ

જૂન મહિનામાં દીક્ષા લેવી છે એવું નક્કી કરતાં સૌરભે બે મહિનામાં પોતાના હસ્તક એક પછી એક બધાં કામકાજને સેટલ કયાર઼્. એ ઉપરાંત પોતાની દીક્ષા બાદ મા-બાપ એકલાં થઈ જવાનાં હોવાથી તેમની પ્રત્યેની દરેક જવાબદારી અને કર્તવ્યો પૂર્ણ કયાર઼્. જોકે આ દરમ્યાન તેમણે મમ્મી-પપ્પાને પોતે દીક્ષા લેવી છે એવું કહ્યું નહોતું. બસ, તે એક પછી એક કામ વિથડ્રૉ કરતો ગયો.

જ્યાં સુધી સંયમ નહીં ત્યાં સુધી પૌષધનો સંકલ્પ

સપ્ટેમ્બરમાં આચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબને મળવા ગયેલા સૌરભે મહારાજસાહેબ પાસે જ્યાં સુધી દીક્ષા નહીં લઉં ત્યાં સુધી પૌષધ (જેમાં સાધુની જેમ ઉપાશ્રયમાં રહેવાનું, સાધુ જેવી આવશ્યક ક્રિયાઓ કરવાની તેમ જ મિનિમમ એકાસણાનું તપ કરવાનું હોય છે)માં રહેવાનો સંકલ્પ કર્યો અને એ ન્યાયે ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થયેલી તેની સળંગ પૌષધયાત્રાનો આજે એકાવનમો દિવસ છે અને પૌષધના બાવનમા દિવસે તે સંયમ ગ્રહણ કરશે. દીક્ષા લેનાર વ્યક્તિ સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરવાના રૂપે વર્ષીદાન કરે છે એ ન્યાયે સૌરભની પણ વર્ષીદાનની શોભાયાત્રા નીકળશે, પરંતુ તે પૌષધમાં જ હોવાથી વર્ષીદાન નહીં કરે. એના બદલે અન્ય મુમુક્ષુઓ અને તેનાં માતા-પિતા આજે અમદાવાદમાં નીકળનારી રથયાત્રામાં વર્ષીદાન કરશે.

માતા-પિતા પાસેથી દીક્ષાની અનુમતિ માગી જ નથી

સૌરભના પપ્પા રાજેશભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘સૌરભે અમને ક્યારેય કહ્યું જ નથી કે મારે દીક્ષા લેવી છે, મને રજા આપો. આ તો અમે જ તેનો સંકલ્પ સાંભળીને સામેથી તેને દીક્ષા લેવાની અનુમતિ આપી અને બેસતા વર્ષના દિવસે જ તેનું પ્રવજ્યા મુરત નીકળ્યું. આવતી કાલે સૌરભની દીક્ષા યોજાશે.’