પાલઘરમાં માતાને બચાવવા પુત્રએ પિતાને જ પતાવી દીધો

26 May, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમના ૨૧ વર્ષના ​દીકરા અક્ષયે વચ્ચે પડી પિતાને હુમલો કરતાં રોક્યા હતા. એટલું જ નહીં, પિતાના હાથમાંથી કુહાડી લઈ પિતા પર જ વાર કરી દેતાં વિલાસ હડળ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને તેનું મોત થયું હતું.

પ્રતીકાત્મક તસવીર

પાલઘર જિલ્લાના વાડા પોલીસ-સ્ટેશનની હદમાં આવતા વરનોલ ગામમાં મંગળવારે માતાને બચાવવા પુત્રએ જ પિતાની હત્યા કરીને તેમનો મૃતદેહને સળગાવી દીધો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. વાડા પોલીસે પુત્રની ધરપકડ કરીને તેની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

પુત્ર દ્વારા પિતાની હત્યાના આ કેસની વિગત આપતાં વાડા પોલીસે કહ્યું હતું કે ‘આ ઘટનામાં જેની હત્યા કરવામાં આવી એ ૪૫ વર્ષના વિલાસ હડળને દારૂ પીવાની લત હતી અને દારૂ પીધા પછી તે તેની પત્નીને બહુ હેરાન કરતો હતો અને મારઝૂડ પણ કરતો હતો. ઘટનાના દિવસે મંગળવારે પણ તે દારૂ પીને ઘરે આવ્યો હતો અને પત્ની સાથે ઝઘડો કર્યો હતો. દારૂના નશામાં ભાનને ગુમાવી તે કુહાડી લઈને પત્નીને મારવા ધસ્યો હતો. એ વખતે તેમના ૨૧ વર્ષના ​દીકરા અક્ષયે વચ્ચે પડી પિતાને હુમલો કરતાં રોક્યા હતા. એટલું જ નહીં, પિતાના હાથમાંથી કુહાડી લઈ પિતા પર જ વાર કરી દેતાં વિલાસ હડળ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને તેનું મોત થયું હતું. એ પછી અક્ષયે તેના પિતાના અગ્નિ સંસ્કાર પણ એ જ રાતે કરી નાખ્યા હતા. સાથે જ તેણે જે કુહાડીથી પિતાની હત્યા કરી હતી એના પર લોહીના ડાઘ લાગ્યા હોવાથી એ કુહાડી પણ ચિતાની આગમાં જ સળગાવી દીધી હતી. અક્ષયે ગામવાળાઓને ધમકી આપી હતી કે કોઈ આ બાબતે કશું બોલશે નહીં. જોકે એમ છતાં આ ઘટનાની જાણ બીજા દિવસે એટલે બુધવારે સવારે કોઈએ પોલીસને કરી દેતાં અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અક્ષયની ધરપકડ કરી હતી. તેની સામે હત્યાનો કેસ નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.’

palghar murder case crime news mumbai crime news mumbai police news mumbai mumbai news