બેસ્ટના વીજગ્રાહકોને એપ્રિલથી ૧૫ ટકાના દરવધારાનો ઝાટકો

30 December, 2011 05:04 AM IST  | 

બેસ્ટના વીજગ્રાહકોને એપ્રિલથી ૧૫ ટકાના દરવધારાનો ઝાટકો

 

બેસ્ટે એમઈઆરસી (મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન) સમક્ષ સપ્ટેમ્બર ૨૦૧૦ દરમ્યાન પાછા ખેંચવામાં આવેલા ૧૫ ટકા દરવધારાને ફરી પાછો લાગુ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલું નૅશનલાઇઝ્ડ બૅન્ક પાસેથી લેવામાં આવેલી ૧૦૦ કરોડ રૂપિયાની લોનના વ્યાજની ફેરચુકવણી માટે છે.

થોડા દિવસ પૂર્વે બેસ્ટના જનરલ મૅનેજર ઓ. પી. ગુપ્તાએ આ વિશે એમઈઆરસી સમક્ષ રજૂઆત કરી હતી. અત્યારે સાઉથ મુંબઈના સાયન તથા માહિમ સુધીના વિસ્તારોમાં ૩૦૧થી ૫૦૦ યુનિટ સુધી ૫.૩૦ રૂપિયા પ્રતિ યુનિટ ચાર્જ લેવામાં આવે છે. જ્યારે ત્યાર બાદના દહિસર સુધીના રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રાહકોને આ જ સેગમેન્ટમાં પ્રતિ યુનિટ ૯.૬૧ રૂપિયા ચૂકવવા પડે છે. જો ૧૫ ટકાનો દરવધારો આવે તો ૭૯ પૈસા વધુ ચૂકવવા પડશે. અત્યારે તો બેસ્ટને જૂના દરને કારણે પાવર સપ્લાયમાં દર વર્ષે ૨૫૦ કરોડ રૂપિયાની ખોટ જાય છે. પાવર ટેરિફ તથા બસની ટિકિટો બેસ્ટની આવકનો મુખ્ય સ્રોત્ર છે. ૧૫ ટકા દરવધારો પાછો ખેંચવામાં આવતાં બેસ્ટને લોન લેવાની ફરજ પડી હતી. બેસ્ટ દ્વારા વિજયા બૅન્ક પાસેથી ૨૨૫ કરોડ અને કૅનેરા બૅન્ક પાસેથી ૨૦૦ કરોડની લોન કર્મચારીઓના પગાર, વીજખરીદી તથા બસના મેઇન્ટેનન્સ માટે લીધી હતી. આ ઉપરાંત આ તમામ લોનની ચુકવણી માટે ૧૫૦૦ કરોડ રૂપિયાની બીજી લાંબી મુદતની લોન પણ લીધી છે.