19 August, 2023 07:55 AM IST | Mumbai | Shirish Vaktania
વસઈ-વિરારમાં બિલ્ડિંગો ગેરકાયદે બનાવવામાં આવ્યાં હોવાનો અંદાજ
મુંબઈ : વસઈ-વિરાર અને નાલાસોપારામાં પહેલા કહેવાયું હતું એમ પંચાવન ૩૫૦થી વધુ ઇમારતો હાઉસ ઑફ કાર્ડ સ્કૅમ પાછળના મગજ દ્વારા ઊભી કરવામાં આવી હોઈ શકે છે, કારણ કે કથિત માસ્ટરમાઇન્ડ પ્રશાંત પાટીલ અને તેની ગૅન્ગનો ડઝનેક ગેરકાયદે મિલકતો સાથેનો સંબંધિત ડેટા જપ્ત કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડિવાઇસમાં ૨૦,૦૦૦થી વધુ ફોલ્ડર્સ હોવાનું કહેવાય છે. પોલીસનું માનવું છે કે આ સ્કૅમ ૯,૦૦૦ કરોડ રૂપિયાનું હોઈ શકે છે.
સ્કૅમની પ્રાથમિક તપાસ હાથ ધર્યા બાદ અધિકારીઓને એવું જાણવા મળ્યું હતું કે આરોપીઓએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (વીવીસીએમસી)ના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારમાં પંચાવન રેસિડેન્શિયલ સોસાયટીઓ બનાવી હતી અને ૩,૫૦૦ પરિવારોને ફ્લૅટ વેચ્યા હતા.
વિરાર પોલીસે હાર્ડ ડિસ્ક સ્કૅન કર્યા બાદ બનાવટી દસ્તાવેજો અને નકલી કમેન્સમેન્ટ સર્ટિફિકેટ્સ (સીસી)ની મદદથી આરોપીઓએ બનાવેલી ઇમારતો સંબંધિત લગભગ ૮૦ ફાઇલ મળી આવી છે. કૌભાંડીઓ એક જ સીસી અને બનાવટી દસ્તાવેજોના સેટનો ઉપયોગ કરીને બે કે ત્રણ બિલ્ડિંગ બાંધતા હોવાથી પોલીસને શંકા છે કે આખરે તેઓ જ વસઈ અને વિરારમાં ૩૫૦ ગેરકાયદે બિલ્ડિંગો બનાવવા પાછળ જવાબદાર છે. મીરા ભાઈંદર, વસઈ-વિરાર પોલીસે આદેશ આપ્યો છે કે સંબંધિત દરેક પોલીસ સ્ટેશનમાં એક જ એફઆઇઆર નોંધવામાં આવે અને આ મામલાની સંયુક્ત રીતે તપાસ કરવામાં આવે.
અત્યાર સુધી વીવીસીએમસીએ ચકાસ્યું છે કે ૫૫ ઇમારતોમાંથી ૩૫ ખરેખર ગેરકાયદે છે અને લોકલ પોલીસ સ્ટેશનોને એફઆઇઆર નોંધવા માટે જાણ કરી છે. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ડીસીપી સુહાસ બાવચેએ જણાવ્યું હતું કે ‘દરોડામાં ગૅન્ગ પાસેથી 2TB હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવી હતી. એ ડેટા માટે કાલિના ફૉરેન્સિક લૅબોરેટરીમાં મોકલવામાં આવી છે. અમને જાણવા મળ્યું છે કે આરોપીઓએ નકલી પ્રમાણપત્ર અને બનાવટી દસ્તાવેજોના સેટનો ઉપયોગ કરીને બેથી ત્રણ ઇમારતો બનાવી છે. અમને શંકા છે કે આરોપીઓએ સમગ્ર વસઈ-વિરારમાં ૩૫૦થી વધુ સોસાયટીઓ બનાવી છે.’
વસઈ-વિરારનું ગેરકાયદે િબલ્ડિંગ શ્રી ગુરુકૃપા અપાર્ટમેન્ટ્સ અને મુખ્ય આરોપી પ્રશાંત પાટીલ.હનીફ પટેલ
પોલીસના એક સૂત્રએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પાટીલ અને તેની ગૅન્ગ 2012થી આ કૌભાંડ ચલાવી રહ્યાં હતાં. જપ્ત કરાયેલી હાર્ડ ડિસ્કમાં અમને ૨૦,૦૦૦થી વધુ ફોલ્ડર મળ્યાં હતાં. કેટલાંકમાં નકલી સીસી અને બનાવટી દસ્તાવેજો હતાં, જ્યારે અન્યમાં બિલ્ડિંગની ફાઇલો મળી આવી હતી.’
શુક્રવારે સવારે મહારેરાના અધિકારીઓએ સ્કૅમના સંબંધમાં વિરાર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. વિરાર પોલીસે અધિકારીઓને પૂછ્યું હતું કે આ સોસાયટીઓને કેવી રીતે પરવાનગી આપવામાં આવી? બાદમાં જવાબ આપ્યો કે તેમણે કોઈ પણ દસ્તાવેજોની ચકાસણી કરી નથી.
વિરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ જણાવ્યું હતું કે ‘અમે મહારેરાના અધિકારીઓને તપાસ માટે બોલાવ્યા હતા અને ક્લર્ક લેવલના બે અધિકારીઓ વિરાર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અમે તેમને પ્રોજેક્ટની નોંધણીની પ્રક્રિયા વિશે તથા તેમણે પંચાવન ગેરકાયેદ ઇમારતોને આપેલી મંજૂરી અંગે પૂછપરછ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને પોર્ટલ દ્વારા ઑનલાઇન ફાઇલો મળી હતી અને તેમણે તમામ દસ્તાવેજો તપાસ્યા અને પરવાનગી આપી હતી. તેમણે મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે કોઈ પણ દસ્તાવેજોની ચકાસણી કરી નહોતી અને આંખ આડા કાન કર્યા હતા. અમે કેસ સંબંધિત તમામ દસ્તાવેજો મહારેરાને તેમની માહિતી માટે આપ્યા હતા અને અધિકારીઓને તેમનાં નિવેદનો રેકૉર્ડ કરવા માટે પોલીસ સ્ટેશન આવવાની સૂચના પણ આપી હતી. અમારે સિનિયર લેવલના અધિકારીઓનાં નિવેદનો રેકૉર્ડ કરવાની જરૂર છે.’
‘
મિડ-ડે’એ પોલીસ સ્ટેશને પહોંચેલા મહારેરાના એક અધિકારી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અમે અમારા ઉપરી અધિકારીઓને સુપરત કરવા માટે કેસની માહિતી એકત્રિત કરવા અહીં આવ્યા છીએ.’