આખરે ફ્લૅમિંગોનું શહેરમાં થયું આગમન

05 December, 2022 09:42 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

ચોમાસું લંબાવાની સાથે પર્યાવરણમાં ફેરફાર થવાથી આ વિદેશી પક્ષીઓ મોડાં પડ્યાં

એમએમઆરની વેટલૅન્ડ્સની મુલાકાત લેતાં ફ્લૅમિંગોના આગમનથી આકાશ ગુલાબી રંગે રંગાઈ ગયું છે

વન્યજીવપ્રેમીઓ અને પક્ષીનિરીક્ષકો લાંબા સમયથી શહેરની મુલાકાતે આવતાં ફ્લૅમિંગોની રાહ જોઈ રહ્યા હતા. તેમની આતુરતાનો અંત આવ્યો છે અને હજારો ફ્લૅમિંગો મુંબઈ શહેરમાં આવ્યાં છે. ચોમાસું લંબાવાને કારણે આ વર્ષે આ પક્ષીઓ મોડાં આવ્યાં હતાં એમ જણાવતાં દરિયાપ્રેમી અને મરીન લાઇફ ઑફ મુંબઈ (એમએલઓએમ)ના સહસ્થાપક પ્રદીપ પતાડેએ ઉમેર્યું હતું કે ‘પર્યાવરણમાં થતો ફેરફાર વન્યજીવનને કેવી રીતે અસર કરે છે એનું આ વધુ એક ઉદાહરણ છે. આગામી વર્ષોમાં પક્ષીઓની સ્થળાંતર થવાની પૅટર્નમાં ફેરફાર જોવા મળી શકે છે. હાલમાં જ મેં શિવડી અને થાણે ક્રીક ફ્લૅમિંગો સૅન્ક્ચ્યુઅરી (ટીસીએફસી)ની મુલાકાત લીધી હતી. અહીં ફ્લૅમિંગો ઘણી મોટી સંખ્યામાં આવ્યાં છે. માત્ર ટીસીએફએસમાં જ લગભગ ૨૦,૦૦૦ કરતાં વધુ પક્ષીઓ આવ્યાં હોવાનું જણાવાય છે.’

વિભાગીય વન્ય અધિકારી આદર્શ રેડ્ડીએ જણાવ્યું હતું કે જરૂરી મંજૂરીઓ લીધા બાદ એકાદ અઠવાડિયામાં ટૂરિસ્ટો માટે બોટ-સફારી શરૂ કરવામાં આવશે. સામાન્યપણે ફ્લૅમિંગો નવેમ્બર મહિનામાં ગુજરાત તેમ જ ઈરાનનાં સંવર્ધન સ્થળોએથી ખોરાક માટે એમએમઆરની વેટલૅન્ડ્સની મુલાકાત લેતાં હોય છે. ચોમાસા પછી જ્યારે પાણી ભરેલાં સ્થળો સુકાવાની શરૂઆત થાય ત્યારે આ પક્ષીઓ એમએમઆરની મુલાકાતે આવે છે. જોકે પાણી ભરેલું રહેતું હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ મોડાં આવે છે. મોટા ભાગે તેઓ થાણે ક્રીક, ઐરોલી, માહુલ અને શિવડીમાં જોવા મળે છે.

લગભગ ૧૯૯૪થી થાણે ક્રીકમાં મોટી સંખ્યામાં ફ્લૅમિંગો આકર્ષિત થાય છે. આ પક્ષીઓ અને એમનાં બચ્ચાં અહીં મે મહિના સુધી મૅન્ગ્રોવ્ઝની નજીકમાં કાદવ ભરેલા વિસ્તાર પર કબજો કરે છે. ત્યાર બાદ આમાંનાં મોટા ભાગનાં પક્ષીઓ એમનાં બચ્ચાંઓને છોડીને સંવર્ધન માટે ગુજરાતના ભુજમાં સ્થળાંતર કરે છે.

mumbai mumbai news ranjeet jadhav