મુલુંડમાં કોરોના દરદીના હાલ બેહાલ

22 May, 2020 03:19 PM IST  |  Mulund | Mehul Jethva

મુલુંડમાં કોરોના દરદીના હાલ બેહાલ

પ્રતિકાત્મક તસવીર

મુલુંડમાં બુધવારે સાંજના એક સેવાનિવૃત્ત પાલિકાના અધિકારી ૬૪ વર્ષના સિનિયર સિટિઝનની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાથી તેમને ૪ દિવસથી મુલુંડ અમરનગર વિસ્તારમાં આવેલી એક હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. આ રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ હૉસ્પિટલ અને સ્થાનિક નાગરિકો તરફથી પાલિકાના અધિકારી અને સ્થાનિક નગરસેવકને જાણ કરવામાં આવી હતી, પણ પાલિકાના અધિકારીએ એમ કહ્યું હતું કે હૉસ્પિટલમાં જગ્યા નથી અને સ્થાનિક નગકસેવકે કહ્યું હતું કે તમારી પોતાની કારમાં હૉસ્પિટલ લઈ જાવ. આથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળે છે.

મુલુંડના આ પ્રોઢને શ્વાસ લેવામાં તકલીફને લઈ ૪ દિવસ પહેલાં અમરનગર વિસ્તારની એક સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ મંગળવારે કોરોનાની ટેસ્ટ કરવામાં આવી હતી અને બુધવારે તેની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. તેમના છોકરાનું ૬ મહિના પહેલાં એક અકસ્માતમાં મુત્યુ થયું છે. તેમના ઘરે કોઈ ન હોવાથી સ્થાનિક નાગરિકો અને હૉસ્પિટલના ડૉક્ટર તરફથી પાલિકાને જાણ કરવામાં આવી હતી, પણ રિપોર્ટ પૉઝિટિવ આવતાં બે દિવસ સુધી પણ દરદીને ઇલાજ માટે લઈ જવામાં આવ્યો નથી.

સ્થાનિક વિસ્તારના રાજેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે ‘પાલિકાના ડૉક્ટર અને સ્થાનિક નગરસેવકને મેં જાણ કરી હતી, પણ સ્થાનિક નગરસેવકે કહ્યું હતું કે તું તારી કારમાં લઈ જા. હમણાં પાલિકા પાસે ઍમ્બ્યુલન્સ નથી. એ સાથે મેં પાલિકાના ડૉક્ટરને પણ જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે હાલમાં હૉસ્પિટલમાં જગ્યા નથી. એ સાથે વધુ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જો આવી હાલતમાં દરદીને કઈ થાય તો એના માટે જવાબદાર પાલિકાના અધિકારી અને સ્થાનિક નગકસેવક હશે.’

મુલુંડ ‘ટી’ વૉર્ડના હેલ્થ ડૉક્ટર મહેન્દ્ર શિગળાપુરકર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘હાલમાં મુલુડ ‘ટી’ વૉર્ડમાં બે ઍમ્બ્યુલન્સ છે અને ૬૦ વર્ષથી ઉપરના દરદીને રાજાવાડી, કેઈએમ જેવી મોટી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડે છે. હાલમાં ત્યાં જગ્યા નથી. એ કારણસર દરદીને હજી લઈ જવામાં આવ્યો નથી.

coronavirus covid19 mumbai mumbai news mulund mehul jethva